Business

સુરતના હીરા ઉદ્યોગના ભીષ્મ પિતામહ ગણાતા ગોવિંદ ધોળકિયાની ઓટો બાયોગ્રાફીનું વિમોચન

સુરત: (Surat) સુરતના હીરા ઉદ્યોગના (Diamond Industry) ભીષ્મ પિતામહ ગણાતા ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાની (Govind Dholkiya) આત્મકથા (Auto Biography) ડાયમન્ડ આર ફોરએવર સો આર મોરલ્સનું (Diamond Are Forever So Are Morals) વિમોચન સુરત મનપાના માજી મ્યુનિ. કમિશનર અને દેશના પૂર્વ ઇલેક્શન કમિશનર તથા નેશનલ સંસ્કૃત યુનિવર્સિટી-તિરુપતિના ચાન્સેલર એન.ગોપાલ સ્વામી, ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન કિરણકુમાર અને શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

  • પેંગ્વીન રેન્ડમ હાઉસ દ્વારા પ્રકાશિત, અરુણ તિવારી અને કમલેશ યાજ્ઞિક દ્વારા લિખિત ગોવિંદ ધોળકિયાની આત્મકથાનું વિમોચન એન.ગોપાલાસ્વામી અને એએસ.કિરણકુમારની હાજરીમાં થયું
  • ગોપાલ સ્વામી અને કિરણકુમારે ગોવિંદ કાકાની સંઘર્ષકથાને બિરદાવી

આ પ્રસંગે એન.ગોપાલાસ્વામી અને એ.એસ.કિરણકુમારે દુધાળા ગામથી 70 રૂપિયા લઈ સુરત હીરા ચમકાવવા નીકળેલા ગોવિંદ કાકાની સંઘર્ષ કથા અને સફળતાને બિરદાવી હતી. હીરા ઉદ્યોગમાં રામકૃષ્ણ ડાયમંડ્સના ચેરમેન ગોવિંદ ધોળકિયાએ મૂઠ્ઠી ઊંચેરું નામ ગણાય છે. ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં એમણે આગવી કાર્યપદ્ધતિ અને આધ્યાત્મિક સ્વભાવને લઈ આગવી ઓળખ ઊભી કરી છે. મૂળ અમરેલીના દૂધાળાના વતની ગોવિંદભાઈએ સાઠના દાયકામાં નાની ઉંમરે હીરા ઘસવાથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને સંઘર્ષ કરી તળિયેથી ટોચે પહોંચી હીરાઉદ્યોગમાં ઈતિહાસ રચી દીધો હતો.

માત્ર સાત ચોપડી ભણેલા ગોવિંદભાઈએ આગવી કોઠાસૂઝ અને પ્રામાણિકતાપૂર્વક SRK એમ્પાયર ઊભું કર્યું છે, જેમાં 6000થી વધુ લોકોને રોજગારી મળે છે. તેઓ સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર રહ્યા છે. ખાસ કરીને આરોગ્ય સેવામાં એમનું મોટું યોગદાન રહ્યું છે. એક સફળ ઉદ્યોગપતિની જિંદગી ઝાકમઝોળથી ભરેલી હોય એવી માન્યતાને સાદગીભર્યું સિદ્ધાંતપૂર્વકની આગવી જીવનશૈલી અપનાવી ગોવિંદકાકાએ જીવન જીવવાની ફિલોસોફી એમનાં સામાજિક કાર્યોમાં દર્શાવી છે. તેમની આ સિદ્ધિને ધ્યાને લઈ અમદાવાદની ઈન્ડ્સ યુનિવર્સિટી દ્વારા એમને માનદ્ પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી. ડો.ગોવિંદભાઈ ધોળકિયા ભલે ઓછું ભણેલા હશે, પણ એમની કોઠાસૂઝ કોઈપણ કોર્પોરેટને શરમાવે એવા વ્યવસાયી છે. પેંગ્વીન રેન્ડમ હાઉસ દ્વારા પ્રકાશિત, અરુણ તિવારી અને કમલેશ યાજ્ઞિક દ્વારા લિખિત ગોવિંદ ધોળકિયાની આત્મકથાનું વિમોચન એન.ગોપાલાસ્વામી અને એએસ.કિરણકુમારની હાજરીમાં થયું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top