અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કાયરતા હવે જગજાહેર થઈ ગઈ છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનું ઉપનામ TACO (Trump Always Chicken Out) પાડવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે, ટ્રમ્પ હંમેશા ગભરાઈ જાય છે. ઈરાનને ઈસ્લામાબાદમાં મંત્રણા માટે આવવાનું ધમકીભર્યું આમંત્રણ આપતી વખતે ટ્રમ્પે ધમકી આપી હતી કે જો ઈરાન મંત્રણાના મેજ ઉપર નહીં આવે તો તેને દુનિયાના નકશામાંથી ભૂંસી નાંખવામાં આવશે. ઈરાન ટ્રમ્પની ધમકીથી વિચલિત થયા વિના ઈસ્લામાબાદ ન ગયું. ડોનાલ્ડ ટ્રમ્પે જો પોતાની ધમકીનો અમલ કરવો હોય તો તેમણે ઈરાન પર કાતિલ હુમલો કરવો જોઈતો હતો પણ છેક છેલ્લી ઘડીએ તેઓ ગભરાઈ ગયા અને પાણીમાં બેસી ગયા. ઈરાન ઉપર હુમલો કરવાને બદલે તેમણે એકપક્ષી રીતે યુદ્ધવિરામ લંબાવતા ટ્રુથ સોશ્યલ મીડિયા પર લખ્યું કે ઈરાન પરનો હુમલો પાકિસ્તાનના લશ્કરી વડા આસિફ મુનીર અને વડા પ્રધાન શાહબાઝ શરીફની વિનંતીને માન આપીને મુલતવી રાખવામાં આવે છે.
અહીં મજાની વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે હુમલાની યોજના ઈરાનની નહીં પણ પાકિસ્તાનની વિનંતીને માન આપીને મોકૂફ રાખી હતી, જે યુદ્ધમાં કોઈ પક્ષકાર જ નથી. માહિતગાર સાધનો જણાવે છે કે જો અમેરિકાએ ઈરાન પર ખરેખર હુમલો કર્યો હોત તો ઈરાને તેનો જડબાંતોડ જવાબ આપવાની તૈયારી કરી લીધી હતી. ઈરાન કદાચ આ વખતે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલો વડે સીધો અમેરિકા પર હુમલો કરે તેવી પણ વકી હતી, જે અમેરિકાના ઇતિહાસમાં કદી બન્યું નથી. વળી ઈરાને મિડલ ઇસ્ટમાં અમેરિકાના સાથીઓ જેવા કે સાઉદી અરેબિયા, કતાર, યુએઈ, બહેરીન વગેરે પર પ્રચંડ હુમલો કરવાની ચેતવણી આપી દીધી હતી. આ ચેતવણીને કારણે અમેરિકાના લશ્કરી જનરલો થથરી ગયા હતા અને તેમણે ટ્રમ્પને ચેતવણી આપી હતી કે આ યુદ્ધમાં અમેરિકાને ભયંકર નુકસાન થવાની સંભાવના છે. કેટલાક સૈનિકોએ તો યુદ્ધમાં જવાનો જ ઇનકાર કરી દીધો હતો, જેના પરિણામે ડોનાલ્ડ ટ્રમ્પને નામોશીભરી પીછેહઠ કરવાની ફરજ પડી હતી.
આ સમગ્ર યુદ્ધ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક અને ધમકીભર્યાં ભાષણોથી ઈરાની શાસનને ડરાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હવે એવું લાગે છે કે તેઓ ખરેખર ઈરાન પર બીજો હુમલો કરવા માંગતા નથી. ડોનાલ્ડ ટ્રમ્પ કાગળનો વાઘ છે, તેવી જાણ ઈરાનના વર્તમાન શાસકોને થઈ ગઈ છે, જેને કારણે તેઓ અમેરિકા પ્રત્યે પહેલાં કરતાં પણ વધુ આક્રમક બની ગયા છે. ટ્રમ્પની જાહેરાત એ પણ દર્શાવે છે કે હવે તેઓ ઈરાન સાથે ફરીથી યુદ્ધ શરૂ કરવા માંગતા નથી.
એ પણ નોંધનીય છે કે તેમણે યુદ્ધવિરામ માટે કોઈ સમયમર્યાદા આપી નથી. અમેરિકામાં સ્થાનિક રાજકારણ પર થતી અસરને જોતાં ટ્રમ્પ માટે ફરીથી યુદ્ધ શરૂ કરવું મુશ્કેલ બન્યું છે. તાજેતરમાં અમેરિકામાં એક જનમત દરમિયાન જણાયું હતું કે અમેરિકાના ૬૭ ટકા મતદારો ઈરાન સાથેના યુદ્ધના વિરોધમાં છે. અમેરિકામાં નવેમ્બર મહિનામાં સેનેટની ચૂંટણી આવી રહી છે. જો ડોનાલ્ડ ટ્રમ્પના છબરડાઓને કારણે રિપબ્લિકન પાર્ટી સત્તા ગુમાવે તો ડોનાલ્ડ ટ્રમ્પને પાણીચું આપવાનો પ્રસ્તાવ પણ પાસ થઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે લડવા જતાં ખુરશી ગુમાવવા તૈયાર નથી.
યુદ્ધવિરામ ચાલુ રાખવાનો નિર્ણય લઈને ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના માટે થોડો વધુ સમય ખરીદ્યો છે. પહેલાં તેઓ સતત ઈરાનને કહી રહ્યા હતા કે કાં તો સોદો કરો, નહીંતર બુધવારથી ફરી યુદ્ધ શરૂ થશે. આટલું કહ્યા પછી તેમણે જ યુદ્ધવિરામ અનિશ્ચિત સમય માટે લંબાવ્યો છે. આમ કરીને ટ્રમ્પે હાલ પૂરતું ઈરાન પર મોટા હવાઈ હુમલા ફરી શરૂ કરવાની તેમની ધમકીને અમલમાં ન મૂકવાનો નિર્ણય લીધો છે, પરંતુ તે એ પણ સુનિશ્ચિત કરે છે કે આગામી દિવસો કે અઠવાડિયામાં તેમણે ફરીથી આ જ નિર્ણય લેવો પડશે. આ ક્યારે થશે તે હજુ સ્પષ્ટ નથી. ડોનાલ્ડ ટ્રમ્પે નવો યુદ્ધવિરામ કેટલો સમય ચાલશે તે સ્પષ્ટ કર્યું નથી. તેમણે ફક્ત એટલું જ કહ્યું કે તેઓ ઈરાનને યુદ્ધનો અંત લાવવા માટે સંયોજિત પ્રસ્તાવ રજૂ કરવા માટે વધુ સમય આપી રહ્યા છે. છેલ્લા બે અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ વધારવાની ધમકીથી પાછળ હટ્યા છે.
રસપ્રદ વાત એ છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનમાં ખંડિત નેતૃત્વનો ઉલ્લેખ કરી રહ્યા છે. આ સૂચવે છે કે અમેરિકન પ્રતિનિધિમંડળ હજુ પણ એ સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે કે કોની સાથે વાટાઘાટો કરવી અને કેવા પ્રકારના પ્રસ્તાવ મૂકવા. અમેરિકાના મુદ્દાઓ સ્પષ્ટ છે કે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવું, ઈરાનની યુરેનિયમ સંવર્ધન ક્ષમતાઓને નિયંત્રિત કરવી. અહીં એ શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભલે ઈરાન કહે છે કે તે પરમાણુ બોમ્બ ઇચ્છતું નથી, પરંતુ તે ભવિષ્યમાં બોમ્બ બનાવવાનો વિકલ્પ ઊભો રાખવા માંગે છે. બંને પક્ષો વચ્ચે હજુ પણ ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ઉકેલવાના બાકી છે. આ મુદ્દાઓનો ઉકેલ ધાકધમકીથી આવી શકે તેમ નથી.
યુદ્ધવિરામ લંબાવવામાં આવ્યો હોવા છતાં ઇસ્લામાબાદમાં બંને દેશો વચ્ચે બીજા રાઉન્ડની વાટાઘાટો અંગેની અનિશ્ચિતતા હજુ પણ યથાવત્ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેઓ આ વાટાઘાટો માટે તેમના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ પાકિસ્તાન મોકલશે. ડોનાલ્ડ ટ્રમ્પે જરૂર જણાય તો પોતે પણ ઈસ્લામાબાદ જવાની તૈયારી રાખી હતી. અમેરિકી મીડિયા અનુસાર જે.ડી. વાન્સ બુધવારે સવારે પાકિસ્તાન પહોંચવાના હતા, પરંતુ હવે આ મુલાકાત રદ કરવામાં આવી છે, કારણ કે અત્યાર સુધી યજમાન પાકિસ્તાન પાસે પણ આ પ્રશ્નનો જવાબ નથી કે જ્યારે અમેરિકન પ્રતિનિધિમંડળ આવશે ત્યારે ઈરાનમાંથી કોઈ વાટાઘાટોના ટેબલ પર હાજર રહેશે કે નહીં. હકીકતમાં ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પનું મંત્રણા માટેનું ધમકીભર્યું આમંત્રણ નકારીને પોતાનો આત્મવિશ્વાસ પુરવાર કર્યો છે.
પાકિસ્તાનમાં ઈરાનના રાજદૂત રેઝા અમીરી મોગદમે કહ્યું કે ઈરાન કોઈ પણ ધમકી કે દબાણ હેઠળ વાટાઘાટો કરશે નહીં. ઈરાનના રાજ્ય પ્રસારણકર્તાએ તેની ટેલિગ્રામ ચેનલ પર એક નિવેદનમાં એવા અહેવાલોને નકારી કાઢ્યા કે કોઈ ઈરાની પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદ રવાના થયું છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કહ્યું કે અમેરિકાનાં ઉશ્કેરણીજનક પગલાં અને વારંવાર યુદ્ધવિરામ ઉલ્લંઘન રાજદ્વારી પ્રક્રિયાને આગળ વધતાં અટકાવી રહ્યા છે.
ઈરાની વાણિજ્યિક જહાજો સામે ધમકી અને દખલગીરી અને ઈરાન અંગે વિરોધાભાસી નિવેદનો અને ધમકીભરી ભાષા પણ આ પ્રક્રિયામાં અવરોધ ઊભો કરી રહી છે. ઈરાને એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી લેબનોનમાં યુદ્ધવિરામ ન થાય ત્યાં સુધી તે વાટાઘાટો કરવા તૈયાર નહીં હોય. બાદમાં, ઇઝરાયલ અને લેબનોન વચ્ચેની વાટાઘાટો બાદ, લેબનોનમાં પણ યુદ્ધવિરામ થયો હતો, પરંતુ અત્યાર સુધી ઈરાનની માત્ર એક જ શરત પૂરી થઈ છે. ઈરાન એવી પણ માંગણી કરી રહ્યું છે કે તેની જપ્ત કરાયેલી સંપત્તિઓ પરત કરવામાં આવે અને તેની સામેના પ્રતિબંધો હટાવવામાં આવે.
આ દરમિયાન એક ઘટના બની, જેમાં અમેરિકાએ ઓમાનના અખાતમાં ઈરાની ધ્વજવાળા જહાજ પર ગોળીબાર કર્યો અને તેને કબજે કરી લીધું છે. ઈરાને આને ચાંચિયાગીરી અને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવીને તેની નિંદા કરી છે અને બદલો લેવાની ધમકી પણ આપી છે. હવે પરિસ્થિતિ એવી છે કે ઈરાની નેતૃત્વ હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાની નાકાબંધી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પનાં નિવેદનો અંગે ખૂબ જ આક્રમક હોય તેવું લાગે છે. ઈરાની સંસદના સ્પીકર બાઘર ગાલિબાફે કહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ નાકાબંધી દ્વારા તેમનાં ઉશ્કેરણીજનક કાર્યોને ન્યાયી ઠેરવવા માંગે છે. તેમણે સોઈ ઝાટકીને કહ્યું કે છે ઈરાન ધમકીઓ સાથે વાતચીત કરવાનું સ્વીકારતું નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.