પીઢ અભિનેતા અમિતાભ બચ્ચને ઈન્ટરનેટ પર વિચારોના અતિશય પ્રવાહને લઈને ચિંતા વ્યક્ત કરતી એક પોસ્ટ શેર કરી છે કે જે સોશિયલ મીડિયાના ઘોંઘાટ વચ્ચે તેમના ચાહકોને તેમના આંતરિક વિચારોની એક દુર્લભ ઝલક આપે છે. ૮૩ વર્ષીય મેગસ્ટારે પોતાની અંગત બ્લોગ પર વધુને વધુ ઝડપી ગતિ ધરાવતા ડીજીટલ વિશ્વમાં વિચારો અને અપેક્ષાઓનું સંચાલન કરવું એક પડકાર જેવું છે એ વાત પર તેઓ પ્રતિબિંબ પડતા કહે છે કે, “ દરેક દિવસ નવા વિચારો લઈને આવે છે અને દરેકને પૂરતા ખંત સાથે આગળ વધારવાની ઈચ્છા અને વળી એક જ સમયે બધું જ ઉકેલવામાં અસમર્થતા ઘણીવાર ચિંતામાં વધારો કરે છે. આ બધું એક જ વારમાં પૂરું કરી શકાતું નથી. તેથી તમે ‘એક સમયે એક’ના સિદ્ધાંત પર કામ કરો છો.

આ બધું ઠીક છે. છતાં, મન હજુ શું કરવાનું બાકી છે તે યાદ અપાવતું રહે છે એટલે તેની ચિંતા થયા કરે છે.” બીગ બી.એ સમજાવ્યું કે કેવી રીતે આરામની પળોમાં પણ મનને શાંત કરી શકાતું નથી. “તમે બધું છોડીને પાછા બેસો છો, એવી આશામાં કે મન તે દિશામાં વિચારવાનું બંધ કરશે, પણ..ના..એ બંધ થતું નથી. ઈન્ટરનેટનું તોફાન જોરદાર ફૂંકાય છે જેના કારણે ઓનલાઈન માહિતી અને અફવાઓના પૂર વચ્ચે ખરેખર શું મહત્વનું છે તે ઓળખવું મુશ્કેલ બની જાય છે. માહિતીઓ કેટલી ઝડપથી મળે છે અને કેટલી ઝડપથી ફેલાય છે તેના પર પ્રકાશ પડતા કહે છે કે,” જ્ઞાનની પહોંચ તાત્કાલિક બની ગઈ છે, પરંતુ તે ઊંડા ચિંતન વગર આવે છે. કઈ પણ જાણવું હોય તો ફક્ત એક બટન જ દબાવવાની જરૂર હોય છે, પરંતુ લોકો ‘મગજ’ના બટનનો ઉપયોગ કરતા નથી. આજની પેઢીના મતે ‘અત્યારે’નો શો મતલબ થાય છે અને ભૂતકાળમાં શો મતલબ થતો હતો તે બંને ને સાથે સરખાવે છે. અગાઉ પણ આ અમિતાભે જીવનના ઉદ્દેશ્યને સમજવા માટે થતા વૈશ્વિક માનવ સંઘર્ષ વિષે પોતાના આંતરિક વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ સવાલનો કોઈ ચોક્કસ જવાબ નથી. દરેકના જવાબ અલગ અલગ હોય શકે. અંતે, તમે ખાલી હાથે આવ્યા છો અને તેવી રીતે જ જશો. •