બદ્રીનાથ ધામના પવિત્ર કપાટ આજે વહેલી સવારે 6:15 વાગ્યે પરંપરાગત વિધિ-વિધાન સાથે ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. કપાટ ખુલતાની સાથે જ સમગ્ર મંદિર પરિસર ‘જય બદ્રી વિશાલ’ અને ‘માતા લક્ષ્મી’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. આ પવિત્ર ક્ષણના સાક્ષી બનવા માટે દેશ-વિદેશમાંથી હજારો ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સાથે જ ચારધામ યાત્રા 2026 હવે સંપૂર્ણ રીતે શરૂ થઈ ગઈ છે. બદ્રીનાથના કપાટ ખુલતા પહેલા જ ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ 19 એપ્રિલે (અક્ષય તૃતીયા) ખોલવામાં આવ્યા હતા, જ્યારે કેદારનાથના દ્વાર 22 એપ્રિલે ખુલ્યા હતા. હવે 23 એપ્રિલે બદ્રીનાથના કપાટ ખુલતા ચારેય ધામ યાત્રા ભક્તો માટે ઉપલબ્ધ બની ગઈ છે. આ પ્રસંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ હાજરી આપી અને ભગવાન બદ્રી નારાયણના દર્શન કરીને આશીર્વાદ લીધા.
મંદિરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યો, જ્યાં ચોતરફ શ્રદ્ધા અને ઉત્સાહ છવાયેલો હતો. આજે સવારે 10 વાગ્યા પછી ભગવાન બદ્રીવિશાલનો મહાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ ભક્તો માટે નિયમિત પૂજા અને આરતીના દર્શન શરૂ થશે. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી યાત્રા સુવ્યવસ્થિત રીતે ચાલે. આ વર્ષે બદ્રીનાથ ધામનો શણગાર વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મંદિરને સજાવવા માટે અંદાજે 25 ક્વિન્ટલ દેશી અને વિદેશી ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રથમ વખત ફૂલો દ્વારા ‘ઓમ લક્ષ્મીપતિ નમો’ લખવામાં આવ્યું છે. આ ઉપરાંત ‘જય શ્રી બદ્રી નારાયણ’ અને ‘વૈકુંઠાય નમો’ જેવા પવિત્ર સંદેશાઓ પણ ફૂલો વડે સજાવવામાં આવ્યા છે, જે ભક્તોને ખૂબ આકર્ષી રહ્યા છે.કુલ મળીને, બદ્રીનાથ ધામમાં કપાટ ખુલતા જ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે અને ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી રહ્યા છે.