સામાન્ય રીતે દીકરી તેની મા જેવી જ હોય છે. સ્વભાવમાં અને દેખાવમાં મોટાભાગે દીકરી અને મા એક સમાન હોય છે. પરંતુ, બોલિવૂડમાં એવી એક એક્ટ્રેસ છે જે પોતાની માતા સાથે નહીં પરંતુ અન્ય પીઢ એક્ટ્રેસ સાથે સમાનતા ધરાવે છે. હા, તમે બરાબર વિચારો છો. આપણે વાત કરીએ છીએ કાજોલની. સુત્રોના જણાવ્યા પ્રમાણે કાજોલની સરખામણી હાલમાં જયા બચ્ચન સાથે થઇ રહી છે. એક તો કાજોલ અને જયા બચ્ચન મૂળભુત ક્યાંના વતની છે? તે બંનેનો સ્વભાવ કેવો છે અને પાપારાઝી સાથે તેમની વર્તણુક કેવી છે? આ બધી બાબતોને લઈને તેમની વચ્ચે કેટલી સમાનતા છે તે ચર્ચાનો વિષય બની ગયો છે.

કાજોલને આજકાલ જયા બચ્ચન પાર્ટ 2 તરીકે સંબોધવામાં આવે છે. તેની પાછળ ઘણા કારણો માનું એક એ પણ છે કે જયા બચ્ચનની જેમ કાજોલ પણ બંગાળી છે. કાજોલે પોતે કારકિર્દીની ટોચ પર હતી ત્યારે લગ્ન કર્યા હતા અને તે સમયે તેનો પતિ અજય દેવગણ એટલો સફળ એક્ટર બન્યો ન હતો. બરાબર આવી જ પરિસ્થિતિ જયા બચ્ચન સાથે પણ હતી. જ્યાના લગ્ન જ્યારે અમિતાભ બચ્ચન સાથે થયા ત્યાર તે પણ પોતાની કારકિર્દીની ટોચ પર હતી અને તે સમયે તેમના પતિ અમિતાભ બચ્ચનને હજી સફળતા મળી ન હતી. આમ, કાજોલ અને જયા બચ્ચન બંને એ પોતાની પુર સપાટે દોડતી કારકિર્દી અધવચ્ચે જ છોડીને લગ્ન કર્યા હતા. બંનેના પતિ ગંભીર અને એન્ગ્રીમેનની ઇમેજ ધરાવે છે અને બંનેને એક પુત્રી અને એક પુત્ર છે. બીજું, બંનેનો સ્વભાવ પણ લગભગ સરખો જ છે. ચાહકોએ નોંધ્યું છે કે કાજોલ ઘણીવાર પાપારાઝીને વ્યક્તિગત તેમજ અંગત જગ્યામાં દખલગીરી કરવા બદલ ઠપકો આપે છે. આ લગભગ જયા બચ્ચન જેવું જ રિએક્શન છે જ્યારે તે મીડિયા ફોટોગ્રાફર્સને ઠપકો આપતી હોય છે. જયા બચ્ચનની જેમ જ કાજોલને પણ તેના અંગત જીવનમાં કોઈ દખલગીરી કરે તે પસંદ નથી. આવા સમયે કાજોલ ખૂબ જ ગુસ્સે થઇ જાય છે. કાજોલે ઘણીવાર પાપારાઝી સાથે તોછડાઈથી વર્તન કર્યું છે. તેનો ગુસ્સેલ સ્વભાવ અને તોછડાઈભર્યું વર્તન ફેંસને જયા બચ્ચન જેવું લાગે છે. વળી, કાજોલ જયા બચ્ચનને ઘણું પસંદ પણ કરે છે. એક ઈન્ટરવ્યુમાં તેને જયા બચ્ચનને ‘ક્લાસી ગર્લ’ પણ કહ્યું હતું. તેમને મુંબઈમાં દુર્ગા પૂજાની ઉજવણીમાં પણ ઘણી વાર સાથે જોવામાં આવ્યા છે. જયા બચ્ચન કાજોલને પ્રેમથી ભેટ્યા હતાં. આમ, બંને વચ્ચે એક ઉષ્માભર્યો સંબંધ છે. આમ છતાં, કાજોલને જ્યારે ખબર પડી કે તેની સરખામણી જયા બચ્ચન સાથે વારંવાર કરવામાં આવે છે ત્યારે તેણે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. કાજોલ આ બાબતમાં દલીલ કરે છે કે, ફોટોગ્રાફર્સ ઘણીવાર નકારાત્મક હેડલાઈન બનાવવા માટે ઉશ્કેરણીજનક વર્તન કરે છે. આ કારણસર તેને કડક વલણ રાખવું પડે છે. કાજોલની ઘણીવાર ફોટોગ્રાફર્સ પર મોટેથી ચિલ્લાવા બદલ અને તેમના પર ગુસ્સે થવા બદલ ટીકા કરવામાં આવી છે. કાજોલની માતા તનુજાને ક્યારેય આપણે આવી રીતે ગુસ્સે થતા કે તોછડું વર્તન કરતા જોઈ નથી. આ બિલકુલ જયા બચ્ચન જેવું વર્તન છે. એટલે જ ફોટોગ્રાફર્સ કાજોલ માટે કહે છે કે તે જયા જેવી ‘ડરામણી’ અને ‘ધમકાવનારી’ છે. કાજોલ પોતાનો બચાવ કરતા કહે છે કે હું કેટલાક લોકોનો ખાસ કરીને અંતિમ સંસ્કાર જેવા સંવેદનશીલ કાર્યક્રમોમાં બિનજરૂરી દખલગીરીનો ફક્ત જવાબ આપતી હોવ છુ અને ત્યારે એવા લોકોને હું ડરામણી અને ધમકાવનારી લાગુ છું. જ્યારે કોઈ અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં જતું હોય અને ફોટોગ્રાફર્સ તમારો પીછો કરે અને તમને પોઝ આપવાનું કહે ત્યારે તે ઘણું વિચિત્ર અને અપમાનજનક લાગે છે. તમે બપોરના ભોજન માટે પણ બહાર જઈ શકતા નથી. મને લાગે છે કે અમુક જગ્યાઓ પર ફોટોગ્રાફર્સએ ન હોવું જોઈએ. તેમ છતાં, તેઓ કોઈ ફોટો ક્લિક કરવા કે કોઈ નકારાત્મક ટેગ લાઈન બનાવવા માટે આવું વર્તન કરે છે. કાજોલ પોતાના વર્તન વિષે સ્પષ્ટતા કરતા કહે છે કે તે પાપારાઝીની ગુંડાગર્દી ચલાવવાની નથી. તેઓ તમને ધક્કો મારશે, સારા પિક્ચર્સ માટે ચીસો પડશે પરંતુ તેમને સમજાવવું પડે છે કે તેમ કરવાથી સારા પિક્ચર્સ મળતા નથી. પરંતુ, વાત ફક્ત પિક્ચર્સની નથી હોતી, તેઓ ઈચ્છે છે કે તમે કોઈ પ્રતિક્રિયા આપો જેથી તેઓ કોઈ નેગેટીવ ટેગ લાઈન પણ આપી શકે. કાજોલ આટલે જ નથી અટકતી, તે પાપારાઝીની વધુ ટીકા કરતા કહે છે, તેઓ જુહુથી બાંદ્રા સુધી તમારો પીછો કરે છે અને જુએ છે કે હું ક્યાં જઈ રહી છું અને કઈ ઈમારતમાં જાઉં છું. મને આ વાત ડિસ્ટર્બ કરે છે. કાજોલ અને જયા બચ્ચનનો દુર્ગા પૂજા વખતનો એક વિડિયો પણ બહાર આવ્યો હતો કે જેમાં કાજોલ અન્ય લોકો પર ગુસ્સે થઇ જાય છે. તે વિડિયોને જોઈને ઘણા એ કાજોલ માટે ‘જુનિયર જયા બચ્ચન’ અને ‘આ તો જયા બચ્ચનને ટક્કર આપે તેવી છે’ એવી કમેન્ટ કરી હતી. હવે, કાજોલ પાપારઝીની બાબતમાં જયા બચ્ચનને ટક્કર આપશે કે નહીં તે તો ખબર નથી. પરંતુ, સોશિયલ મીડિયા પર અને પાપારાઝી વચ્ચે તો કાજોલ જયા બચ્ચન પાર્ટ 2 બની જ ગઈ છે. અને આમાં અભિષેકની સ્થિતિ જોઇને કાજોલપુત્ર યુગની ચિંતા થાય છે!•