( પ્રતિનિધિ )વડોદરા,તા.23
બાજવામાં એક સાથે પાંચ દુકાનોના શટર ઊંચા કરી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. હાલ ચોરી કરનાર તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. બીજી તરફ વેપારીઓમાં આ ઘટનાને લઈ ભયનો માહોલ જોવા મળ્યો છે. વેપારીઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા આગળની કાર્યવાહી હાથધરી છે.
વડોદરા શહેરમાં ફરી એકવખત તસ્કરોનો આતંક સામે આવ્યો છે. બાજવા ગામના ગાંધી રોડ વિસ્તારમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે. જેને કારણે સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ મધરાત્રીએ ચોરોએ એક સાથે પાંચ દુકાનોને નિશાન બનાવી હતી. ચોરોએ દુકાનોના શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને આશરે 18 હજાર રૂપિયાની રોકડ રકમ સહિત મરચું મસાલાની પણ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરીની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા વેપારીઓમાં ચિંતા અને અસુરક્ષાની લાગણી વ્યાપી ગઈ છે. દુકાનદારોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વારંવાર આવી ચોરીની ઘટનાઓ બનતી રહે છે, છતાં પણ પોલીસ પેટ્રોલિંગ થતું નથી. સતત વધતી ચોરીની ઘટનાઓને પગલે વેપારીઓએ પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને વેપારીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.