Vadodara

માંજલપુરમાં સ્કૂલ બસનો કહેર! ડીપીએસ બસની ટક્કરે મોપેડ સવાર આધેડ ગંભીર ઈજાગ્રસ્ત

દરબાર ચોકડી પાસે પાછળથી જોરદાર અથડામણ, રોડ પર પટકાતા લોકોમાં ચકચાર
૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા એસએસજી હોસ્પિટલ ખસેડાયા; બસ ચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો

(પ્રતિનિધિ) વડોદરા, તા. ૨૩
વડોદરા શહેરમાં અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે માંજલપુર વિસ્તારમાં વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. દરબાર ચોકડી નજીક ડીપીએસ સ્કૂલ બસે પાછળથી ટક્કર મારતા મોપેડ સવાર આધેડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, માંજલપુર વિસ્તારની કેવલ કૃપા સોસાયટીમાં રહેતા અંદાજે ૫૫ વર્ષીય રાજેશ લીંબાડકર સવારે પોતાનું મોપેડ લઈને કામ અર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન દરબાર ચોકડી પાસે પાછળથી આવી રહેલી ડીપીએસ સ્કૂલ બસના ચાલકે જોરદાર ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. અકસ્માતના કારણે તેમને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે સ્કૂલ બસના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top