Jetpur pavi

નાની રાસલીમાં દીપડાનો આતંક! ચાર વર્ષની બાળકી પર હુમલાથી પંથકમાં ભયનો માહોલ

ઘરના પાછળના વાડામાં રમતી બાળકી પર અચાનક હુમલો, પિતાની સતર્કતાથી જીવ બચ્યો
વન વિભાગ સક્રિય: પીંજરા ગોઠવાયા, ટ્રેપ કેમેરાથી દીપડાની હલચલ પર નજર

પાવીજેતપુર:
છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના નાની રાસલી ગામે ચાર વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. સદનસીબે, પિતાની સતર્કતાના કારણે દીપડો બાળકીને છોડીને ભાગી ગયો હતો.

મળતી માહિતી મુજબ, ધ્રુવિશાબેન સુરેશભાઈ રાઠવા નામની બાળકી બુધવારે સાંજે લગભગ સાડા સાત વાગ્યે પોતાના ઘરની પાછળ આવેલા વાડામાં રમી રહી હતી. તે દરમિયાન હાથ-પગ ધોઈ રહી હતી ત્યારે અચાનક પાછળથી દીપડાએ હુમલો કરી બાળકીને ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીના પિતાની નજર પડતાં તેઓએ બૂમાબૂમ કરતાં દીપડો બાળકીને છોડીને ભાગી ગયો હતો.

બાદમાં પરિવારજનો દ્વારા બાળકી ને તાત્કાલિક જેતપુરપાવી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે બાળકી ને બોડેલી રિફર કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી. દીપડાને પકડવા માટે વિસ્તારમાં પીંજરા ગોઠવવામાં આવ્યા છે તેમજ ટ્રેપ કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ઘટનાને પગલે સમગ્ર ગામમાં ડરનો માહોલ વ્યાપી ગયો છે અને ગ્રામજનોએ દીપડાને વહેલી તકે પકડવા તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે.

રિપોર્ટર: આરીફ ખત્રી

Most Popular

To Top