Feature Stories

મે મહિનાની કાળઝાળ ગરમીમાં લૂ ન લાગે એ માટે આહારમાં શું ધ્યાન રાખશો?

આપણે ત્યાં ગુજરાતમાં એપ્રિલ – મે મહિના અતિશય તપે છે. હજુ તો ગરમી ઓર વધશે એવી આગાહી આવ્યા કરે છે. હવે જયારે કોરોનાનો ભય રહ્યો નથી અને લોકડાઉન ખૂલી ગયું છે ત્યારે લોકો ફરી જીવનનિર્વાહ માટે – રોજગાર માટે , પ્રસંગો માટેની ખરીદી માટે ઘરની બહાર નીકળવા માંડ્યા છે. ગયાં ૨ વર્ષ આપણે કોરોના ન થાય તે માટે પૂરતી તકેદારી લીધી પણ હવે લૂ ન લાગે તેની પણ પૂરી કાળજી રાખીશું તો ઉનાળામાં પણ તરોતાજા રહી શકીશું અને લૂ સામે રક્ષણ મેળવી શકીશું. ઘણી વાર ખૂબ ગરમીમાં બપોરે કામ ખાતર જવું પડે એમ થાય છે. આવા સંજોગોમાં ઘરે પાછા આવી નીચે મુજબનાં લક્ષણો ક્યારેક અનુભવાય છે જે લૂ લાગવાનાં લક્ષણો હોઈ શકે.

  • લૂ લાગવાનાં લક્ષણો
  • ડી હાઈડ્રેશન. ગળામાં પાણીનો શોષ પડવો.
  • ચક્કર આવવા.
  • પિત્તની ઊલ્ટી થવી.
  • પુષ્કળ પસીનો થવો.
  • શરીરનું તાપમાન વધવું.
  • ખૂબ ઘેરો પીળો પિશાબ થવો.
  • ચીડિયાપણું આવવું.
  • એસિડિટી જેવી બળતરા થવી.
  • તીખા ઓડકાર આવવા.
  • દિવસના સમયે પણ ઊંઘ આવવી અને સુસ્તીનો અનુભવ થવો.
  • શું કરશો?
  • જાતને હાઈડ્રેટેડ રાખવા માટે ઘરની બહાર નીકળો ત્યારે પાણીની બોટલ હંમેશાં સાથે રાખો.
  • દર અડધો કલાકે અડધો ગ્લાસ પાણી પીઓ.
  • રોજિંદા આહારમાં લીંબુપાણી, નારિયેળ પાણી, સત્તુ, છાશ, શાકભાજીનો જ્યુસ જેવા પ્રવાહી પદાર્થોનો ઉમેરો કરો.
  • કેફીનવાળાં પીણાં કોષોમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે છે એથી ચા, કોફી, એરેટેડ પીણાં, એનર્જી ડ્રીંક જેવાં કેફીનવાળાં પીણાં પીવાનું ટાળો.
  • કાકડી, દ્રાક્ષ, તરબૂચ, દૂધી , શક્કરટેટી જેવાં પાણીવાળાં ફળો અને શાકભાજીનું પ્રમાણ વધારો.
  • દૂધી, કાકડી અને ફુદીનાનો રસ ઘરેથી બપોરે નીકળતા પહેલાં પીને નીકળવાથી લૂ સામે રક્ષણ મેળવી શકાય છે.
  • રાત્રે પાણીમાં એક ચમચો વરિયાળી પલાળીને સવારે એ પાણી પીવાથી આંતરડાંમાં ઠંડક રહે છે.
  • રાત્રે ૮-૧૦ કાળી દ્રાક્ષ પલાળીને સવારે તેનું સેવન કરવાથી ગરમી સામે રક્ષણ મેળવવામાં મદદ રહે છે.
  • જીરાનો ઉપયોગ શાકભાજીના રસમાં કરી એ રસના ઠંડા ગુણમાં વધારો કરી શકાય છે.
  • એક ચમચી જીરૂ એક ગ્લાસ પાણીમાં પલાળી સવારે આ પાણીનું સેવન કરવાથી કોઠે ઠંડક રહે છે.
  • દહીં અને છાશનો બપોરે પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવાથી ગરમીમાં થતાં આંતરડાના રોગોથી બચી શકાય છે.
  • ઉપર મુજબના ઉપાયોમાંથી આપની પ્રકૃતિને માફક આવે તે ઉપાય અજમાવી જોવો. હા બધા પ્રયોગો એક સાથે કરવાની ભૂલ ભારે પડી શકે અને ડાયેરિયા થઈ શકે. વધુ ડાયેરિયા થઈ જાય તો ઘરેલુ નુસખા અજમાવવાને બદલે ત્વરિત ડૉકટર પાસે જવું .

Most Popular

To Top