Gujarat

પીઠોરા કલાએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું : પદ્મશ્રી પરેશ રાઠવા રાષ્ટ્રપતિ ભવનમાં ફરી એકવાર સન્માનિત

ગાંધીનગર

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરના ખ્યાતનામ બાબા પીઠોરા લખારા અને પદ્મશ્રી પરેશ રાઠવાએ ફરી એકવાર રાષ્ટ્રીય ફલક પર ગુજરાતની આદિવાસી સંસ્કૃતિનું નામ રોશન કર્યું છે. દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ખાસ ‘રેસીડેન્સી કલા વર્કશોપ’માં તેમની ઉત્કૃષ્ટ કલા-સાધના બદલ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ ભવન ખાતે ગત તા. ૧૪ થી ૨૩ એપ્રિલ દરમિયાન એક વિશેષ ‘રેસીડેન્સી કલા વર્કશોપ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત વર્કશોપમાં ગુજરાત સહિત મધ્યપ્રદેશ, ઝારખંડ, લદાખ અને તેલંગાણા જેવા વિવિધ રાજ્યોના કુલ ૧૩ પ્રતિભાસંપન્ન કલાકારોની પસંદગી કરવામાં આવી હતી. આ તમામ કલાકારોએ ૧૦ દિવસ સુધી રાષ્ટ્રપતિ ભવનમાં રહીને પોતાની આગવી પરંપરા અને સંસ્કૃતિને ચિત્રકલાના માધ્યમથી કંડારી હતી.

પીઠોરા સંસ્કૃતિની ભવ્યતા
ગુજરાતમાંથી પસંદગી પામેલા બે કલાકારોમાં પદ્મશ્રી પરેશ રાઠવાનો સમાવેશ થયો હતો. તેમણે આ વર્કશોપ દરમિયાન પીઠોરા આદિવાસી સંસ્કૃતિની ભવ્યતા અને સમૃદ્ધિ દર્શાવતું સુંદર ચિત્ર તૈયાર કર્યું હતું. આ કૃતિની રાષ્ટ્રપતિ ભવનના નિષ્ણાતો અને કલાપ્રેમીઓ દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિના હસ્તે સન્માન
વર્કશોપના સમાપન બાદ આયોજિત ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પદ્મશ્રી પરેશ રાઠવાનું સ્મૃતિ ચિન્હ આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓનું પ્રદર્શન નિહાળ્યું હતું અને આદિવાસી લોકકલાના જતન માટે કલાકારોના સમર્પણને બિરદાવ્યું હતું.

ગુજરાત અને આદિવાસી સંસ્કૃતિ માટે ગૌરવની ક્ષણ
પરેશ રાઠવાની આ સિદ્ધિથી છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના કલા જગતમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. આ આયોજન દ્વારા ગુજરાતની પરંપરાગત પીઠોરા કલાને રાષ્ટ્રીય સ્તરે એક નવી ઊંચાઈ અને ઓળખ મળી છે, જે આદિવાસી સમાજ અને તેની કલાના ઉજ્જવળ ભવિષ્યના સંકેત આપે છે.

Most Popular

To Top