SURAT

સુરતમાં કોંગ્રેસને ઢંગના પ્રમુખ પણ નથી મળતા, એકેય ચૂંટણી નહીં જીતેલા આ ભાઈને ફરી પદ ધરી દેવાયું

સુરત (Surat) : જે વ્યક્તિ પોતે જાતે એકપણ ચૂંટણી (Election) જીતી નથી અને જીતી શકે તેમ નથી તેવા હસમુખ દેસાઈને (Hasmukh Desai) ફરી સુરત શહેર કોંગ્રેસના (Congress) પ્રમુખ (President) બનાવવામાં આવતા કોંગ્રેસમાં ભારે વિરોધનો સૂર ઉઠ્યો છે. હસમુખ દેસાઈને પહેલા પણ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા પરંતુ પોતાના આ કાર્યકાળ દરમિયાન તેઓ કશું ઉકાળી શક્યા નહોતા. એકમાત્ર પાટીદાર (Patidar) હોવાને કારણે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવેલા હસમુખ દેસાઈના અગાઉના સમયમાં કોંગ્રેસના જ કોર્પોરેટરો દ્વારા ભારે વિરોધ કરવામાં આવતા હસમુખ દેસાઈને પ્રમુખપદેથી હટાવી દેવામાં આવ્યા હતા. જો કે, આ વખતે હસમુખ દેસાઈની સાથે ચાર કાર્યકારી પ્રમુખ બનાવીને કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા સ્થિતિ બેલેન્સ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ સામે અન્ય નિષ્ઠાવાન કાર્યકરોને પડતા મુકી દેવામાં આવતા હવે સામી વિધાનસભાની ચૂંટણીએ (Assembly Election) કોંગ્રેસનું શું થશે તે ભગવાન ભરોસે થઈ જવા પામ્યું છે. આ પસંદગીમાં એક વાત ચોક્કસ છે કે પ્રમુખ કરતાં વધુ કેપેબલ ચાર નવા કાર્યકારી પ્રમુખ છે તે નક્કી છે.

  • હસમુખની સાથે દલિત સમાજના માજી કોર્પો. ભૂપેન્દ્ર સોલંકી, લઘુમતિ સમાજના ફિરોઝ મલેક, પરપ્રાંતિય તરીકે અશોક પીંપળે અને મુળ સુરતી તરીકે દીપ નાયકની પસંદગી
  • પ્રમુખ કરતાં ચાર કાર્યકારી પ્રમુખો મજબુત આગેવાન હોવાનો કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોનો મત

ગત મહાપાલિકાની ચૂંટણી વખતે કોંગ્રેસને એકપણ બેઠક નહીં મળતા તત્કાલિન પ્રમુખ બાબુ રાયકાએ રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ નૈષધ દેસાઈને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા લાંબા સમયથી સુરત કોંગ્રેસ પ્રમુખનું કોકડું ઉકેલવામાં આવ્યું નહોતું જોકે, હવે કોંગ્રેસ હાઈકમાન્ડને ‘કોથળામાંથી બિલાડું’ કાઢ્યું છે. હસમુખ દેસાઈ 2015માં કોંગ્રેસ પ્રમુખ હતા તે સમયે કોંગ્રેસને મનપાની ચૂંટણીમાં 36 બેઠક મળી હતી પરંતુ આ બેઠકોનો શ્રેય તે સમયે થયેલા પાટીદાર આંદોલનને આભારી હતો. હસમુખ દેસાઈની તેમાં કોઈ જ ભૂમિકા નહોતી કારણે કે 36માંથી 23 બેઠક કોંગ્રેસે વરાછા વિસ્તારોમાં જીતી હતી. હસમુખ દેસાઈની કાબેલિયત જાણતા હાઈકમાન્ડે ભલે તેમને પ્રમુખ બનાવી દીધા પરંતુ ચાર કાર્યકારી પ્રમુખ તરીકે ભૂપેન્દ્ર સોલંકી, અશોક પીંપળે ફિરોઝ મલેક તેમજ દીપ નાયકની પસંદગી કરવામાં આવી છે. આ ચારેય આગેવાનો મજબૂત છે પરંતુ સાથે સાથે અન્ય ખંતીલા અને નિષ્ઠાવાન કાર્યકરોને મોટા હોદ્દાઓ પર સ્થાન અપાયું નથી. જેણે કોંગ્રેસના કાર્યકરો તેમજ આગેવાનોમાં રોષની લાગણી ઊભી કરી છે.

જે નવા ચાર કાર્યકારી પ્રમુખ નક્કી કરવામાં આવ્યા તેમાં દલિત સમાજના ભુપેન્દ્ર સોલંકી છ ટર્મથી કોંગ્રેસના કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવતા હતા. જ્યારે મુસ્લિમ આગેવાન તરીકે ફિરોઝ મલેક, મુળ સુરતી તરીકે દીપ નાયક તેમજ મહારાષ્ટ્રીય એટલે કે પરપ્રાંતિય આગેવાન તરીકે અશોક પીંપળેની પસંદગી કરવામાં આવી છે. જોકે, આ પસંદગીમાં વરાછાના આગેવાનોની બાદબાકી થઈ ગઈ છે. જેને કારણે વરાછાના કોંગ્રેસના આગેવાનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

મનહર પટેલને સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા
સુરત જિલ્લા કોંગ્રેસનો તાજ પણ કોંગ્રેસના કામરેજના મોરથાણના આગેવાન મનહર પટેલ પર મુકવામાં આવ્યો હતો. મનહર પટેલ વર્ષોથી કોંગ્રેસના કાર્યકર હોવાથી હાઈકમાન્ડે તેમની પર પસંદગી કરી હતી.

Most Popular

To Top