Madhya Gujarat

શહેરામાં મેઘરાજાની ભારે પવન સાથે ધમાકેદાર એન્ટ્રી

શહેરા: શહેરા માં બુધવારની રાત્રીએ ભારે પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઇ જવા સાથે રહેણાંક મકાનો ના છતના પતરા ઉડી ગયા હતા.જ્યારે 1000 લીટરની પીવીસી પ્લાસ્ટીકની પાણીની ટાંકી 20 ફૂટ ઊંચાઈ ધરાવતા વીજ થાંભલા પર લટકાઈ ગયેલી જોવા મળવા સાથે અનેક દુકાન ઉપર લગાવેલા ફલેક્ષ બેનરો પણ ઉડી ગયા હતી જ્યારે ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે વીજળી ગુલ થઈ જતાં નાગરીકોને રાત્રે અને દિવસે અંધારામાં રહેવાનો વાળો આવ્યો હતો. શહેરા નગરમાં બુધવારની રાત્રીએ ભારે પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં મોટુ નુકશાન થવા પામ્યુ છે.

પવન સાથે આવેલા વરસાદના કારણે નગરના મુખ્ય બજાર થી નાડા તરફ જવાના માર્ગ ઉપર મહાલક્ષ્મી મંદિર પાસે વર્ષો જુનુ વૃક્ષ ધરાશાયી થઇ જતાં વાહનોની અવર-જવર બંધ થઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનની સામે આવેલ હરીજન વાસ, મસ્તાન ચાલી સહિત નગરના અમુક વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનો ના છત ઉપર લગાવેલા પતરા ઉડી જતા ઘર માલિકો ભારે ચિંતિત થઈ ઉઠયા હતા. જ્યારે નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં 20 ફૂટ ઊંચાઇ ધરાવતા વીજ થાંભલા પર 1000 લીટર પ્લાસ્ટિક ની પાણીની ટાંકી લટકતી જોવા મળવા સાથે ડામર માર્ગ ઉપર લીમડાનું વૃક્ષ ધરાશાયી થતા હાથલારીઓ નીચે દબાઇ ગઇ હતી.

નગરના તળાવ ઉપર, હરીજન વાસ, મામલતદાર કચેરી પાસે તેમજ અન્ય વિસ્તારમાં કુલ ૧૬ જેટલા વીજ થાંભલા તૂટી જવા સાથે બે વીજ ડિપી ને નુકશાન થતા વીજળી ગુલ થઇ ગઇ હતી. પવન સાથે આવેલા વરસાદના કારણે લાઈટો બંધ થઈ જતા રાત્રિના સમયથી લઈને દિવસે પણ લોકોને અંધારામાં રહેવા સાથે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ચોમાસાની ઋતુનો અહેસાસ લોકોને થવા સાથે કહી ખુશી કહી ગમનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો. ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે અનેક લોકોના ઘરને નુકશાન થવા પામ્યુ હોય તેમ છતાં સંબંધિત તંત્ર દ્વારા આ બાબતે જે ગંભીરતાથી લેવામાં આવી જોઈએ તે નહીં લેવામાં આવતા નગરજનો નારાજ થયા હતા.

Most Popular

To Top