Comments

સરકારની યોજનાઓ સરકારમાં બેઠેલાઓને લાગુ પાડીએ તો?

પ્રજા કલ્યાણની વિવિધ યોજનાઓમાં આજના સમયમાં વિચારાય છે એટલી તો આઝાદીની લડતના આગેવાનો પણ વિચારી શક્યા નો’તા! ફેર માત્ર એટલો કે આજની સરકારો, નેતાઓ અધિકારીશ્રીઓ વિવિધ ‘‘કલ્યાણકારી’’યોજના માત્ર પ્રજા માટે વિચારે છે. પોતે તેના લાભ લેતા નથી. જ્યારે આઝાદીની લડતના નેતાઓ કોઈ પણ વ્યવસ્થા વિચાર નિયમ, કાયદો પહેલાં પોતાને લાગુ પાડતા પછી પ્રજાને. દા.ત. ગાંધીજીને થયું કે ભારતની ગરીબ પ્રજા પોતાના શરીરને ઢાંકવા પૂરતું વસ્ત્ર તો જાતે જ કાંતી શકે અને સ્વાવલંબી બની શકે! વળી કરકસર એ પોતાનાથી શરૂ કરવાનો ગુણ છે.

કરોડો લોકો પાસે શરીર ઢાંકવા વસ્ત્ર નથી અને મારે આટલા બધા? તેમણે તત્કાળ ‘પોતડી’પહેરવાનું નક્કી કર્યું અને ખાલી ફોટા પડાવવા માટે જ નહીં! કાયમ પોતડી પહેરી. કરકસરનો સંદેશો દેશને ‘‘પોતડી’’પહેરાવીને ના આપ્યો! તો મુદ્દાની વાત એ છે કે સરકાર પ્રજા માટે જે જે યોજના બહાર પાડે છે તે પોતાના માટે કેમ ન વિચારી શકે? ભારતમાં તમામ નાગરિકો માટે સમાન કાયદો લાગુ પડવો જ જોઈએ એવું માનનારા પોતાને કાયદામાંથી બાકાત કેમ રાખે? આપણે ટીકા માટે નહીં, પણ પ્રશંસા માટે કહીએ છીએ કે પ્રજા માટે ઉત્તમ ગણવામાં આવતી યોજનાઓ, નિયમો, કાયદાઓના ફાયદા તમે પણ લો!

ભારતમાં છેલ્લાં વીસેક વર્ષથી ત્રીજા અને ચોથા વર્ગની સેવાઓમાં પાંચ વર્ષ ફીક્સ પગાર નોકરી પછી કાયમીની યોજના ચાલે છે. ઘણા આને દૂર કરવાની વાત કરે છે. ઘણાએ ન્યાયાલયના દરવાજા ખખડાવ્યા છે. પણ આપણે કહીએ છીએ કે આ યોજના સારી જ છે તો એનો વિસ્તાર કરો. કલાસ થ્રી અને ફોરમાં જ શા માટે? કલાસ વન-ટુ માં પણ ફિક્સ પગારના ‘‘સહાયક સચિવ’’નીમો અને નેતાઓમાં પણ પહેલી વાર ચુંટાય તેને પાંચ વર્ષ ‘‘ફિક્સ પગાર માં’’ધારાસભ્ય સહાયક, અને મંત્રી મંડળમાં હોય તો ‘‘મંત્રી સહાયક’’ઈવન ‘‘મુખ્યમંત્રી સહાયક’’પણ બનાવી જ શકાય અને જો ખર્ચ બચાવવો જ હોય તો જેમ મુલાકાતી શિક્ષકો, કોન્ટ્રક્ટ બેઝ નર્સ-કમ્પાઉન્ડર રાખો છો.

સફાઈ કામદારો કોન્ટ્રાક્ટરથી રાખો છો તેમ આ ધારાસભ્યો મંત્રીઓ પણ કોન્ટ્રાક્ટથી રાખો જ, વળી સારા નેતાઓ તો આઉટ સોર્સિંગથી પણ મંગાવી જ શકાય! હમણાં હમણાં દેશમાં કર્મચારીઓ જૂની પેન્શન સ્કિમ પાછી માંગે છે. નવી NPS નો વિરોધ થાય છે. ખરેખર વિરોધ કરવાને બદલે તેનો વ્યાપક સ્વીકાર કરવા દબાણ કરવું જોઈએ. વાત હસવાની બિલકુલ નથી. જો વર્ષ 2004 પછી નોકરીમાં લાગેલા કર્મચારીને નવી પેન્શન સ્કિમ મુજબ પેન્શન મળતું હોય તો 2004 પછી ચૂંટાયેલા ધારાસભ્યો, સંસદસભ્યોને પણ નવી સ્કિમ મુજબ જ પેન્શન મળવું જોઈએ! શું ધારાસભ્યો, સંસદસભ્યો આ દેશના નાગરિક નથી!

જે કાયદા હિન્દુઓને લાગુ પડે તે જ કાયદા મુસ્લિમોને પણ લાગુ પડે તેવી જ રીતે જે કાયદા યુવાનોને લાગુ પડે તે જ નેતાઓને લાગુ પડે! અને એમાંય એક જ વ્યક્તિ પહેલાં ધારાસભ્ય હોય, પછી સંસદસભ્ય હોય તો તેને બે પેન્શન મળે છે. તે તો બંધ કરો! જો દેશનાં યુવાનો માટે પેન્શન વગરની નોકરીઓ લાભદાયી અને લાંબે ગાળે દેશનું ભલું કરનારી છે તો દેશનું ભલું કરવામાં નેતાઓને પણ ફાળો આપવા દો! આપણા સરકારના અધિકારીશ્રીઓ, નેતાઓને પ્રજા કલ્યાણ માટે તેમણે જ ઘડેલી નીતિઓ વાપરવી નથી! પણ હવે સમય આવી ગયો છે કે એમને આપણે આ ‘‘લાભ’’આપીએ!

દરેક નેતા-અધિકારીને ધર્મસ્થાનોમાં લાઈનમાં ઊભા રહીને દર્શનનો મોકો આપો. એમને મળતા ક્ષુલ્લક ભથ્થાઓ બંધ કરી દો અને ‘‘મા કાર્ડ’’કે ‘‘આયુષ્યમાન કાર્ડ’’થી જ સેવાઓ આપો. છેલ્લાં વર્ષોમાં જે ઉત્તમ સરકારી હોસ્પિટલો બની છે તેમાં જ તેમની સારવાર કરાવો અને અત્યંત આધુનિક સ્માર્ટ સ્કૂલોમાં જ તેમનાં બાળકોને ભણાવો! આજે નાગરિકો સામાન્ય રીતે દરેક બાબતમાં ‘‘પે એન્ડ યુઝ’’નો અનુભવ કરે છે. હાઈ વે પર ટોલટેક્ષ ચૂકવે છે. પીવાનું પાણી ખરીદીને પીવે છે. શિક્ષણ, આરોગ્ય કે સામાજિક સેવાઓ ખૂબ ખર્ચ કરીને મેળવે છે.

બસ, આપણી ઈચ્છા છે કે આ ‘‘ખરીદવાનો આનંદ’’સૌ ને મળે! એમની સિક્યુરીટીથી માંડીને તેમના ‘‘પ્રવચન મહોત્સવ’’નો ખર્ચ એમને જાતે કરવા દો! આપણે જેમ આપણા પગારની આવકમાંથી જે ખરીદીએ છીએ તેના માટે આપણને લગાવ હોય છે. માલિકીપણાનો આનંદ હોય છે. બસ આ જ આનંદ આપણા આ નેતાઓ, અધિકારીઓને નથી મળતો. આપણે‘‘સ્વકેન્દ્રી’’છીએ. તમામ યોજનાના લાભ માત્ર આપણે અને આપણાં છોકરાઓને જ ભોગવવા છે! આપણને લાભ મળે તે માટે આ લોકો લડત કરે છે. આંદોલન કરે છે. ચૂંટણીઓ લડે છે. આપણે એમના માટે શું કરીએ છીએ? કશું જ નહીં? આવું ના ચાલે. આપણે લડત કરવી પડશે. આંદોલન કરવું પડશે! કે મંત્રીઓમાં પણ મંત્રી સહાયક યોજના આવે! સારા, વિચારશીલ, દીર્ઘદ્રષ્ટા નેતાઓનું આઉટ સોર્સિંગ થાય! કરકસર ખૂબ જરૂરી છે. પાંચ દસ વર્ષ ચૂંટણી ન કરીને વહીવટનો કોન્ટ્રાક્ટ પણ જો અપાય તો આપો અને પ્રજાને માટે અતિ કલ્યાણકારી પેન્શન યોજના તો આ નેતાઓને આપો જ!

આ આપણી સરકાર છે. આપણાં પ્રિય નેતાઓ છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, માર્કસવાદી હોય કેવા સંપીને ‘‘ત્યાગ’’કરે છે. આ એક પણ યોજનાનો લાભ પોતે લે છે? તો આપણે પણ તેમની એકતા અને ત્યાગને સમજવો પડશે! ઘરમાં વડીલો ઈચ્છે જ કે પહેલાં બાળકો જમી લે. પછી અમે જમીશું. પણ જમી લીધા પછી બાળકોએ પણ જોવું પડે કે વડીલો જમ્યા કે નહીં! આપણને જમાડવામાં એ ભૂખ્યાં તો નથી રહ્યા ને!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top