15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી
અમદાવાદ
અમદાવાદ સહિત રાજ્યભરમાં જાણીતી હસ્તીઓ અને ઉચ્ચ સરકારી અધિકારીઓ સાથેના ફોટા બતાવી લોકોને પોતાની ઓળખાણ અને પ્રભાવનો વિશ્વાસ અપાવી કરોડો રૂપિયાની ઠગાઈ આચરનાર અનિલ વિભાણી અને તેની પત્ની વિમ્મી વિભાણીની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં દંપતીએ 15 જેટલા લોકો પાસેથી અંદાજે 20 કરોડ રૂપિયાથી વધુની રકમ છેતરપિંડીથી પડાવી લીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અનિલ વિભાણી અને તેની પત્ની વિમ્મી વિભાણી આ આરોપી દંપતી સનદી સરકારી અધિકારીઓ અને સેલિબ્રિટીઓ સાથે પડાવેલા ફોટા બતાવી પોતાની મોટી મોટી ઓળખાણ હોવાનો ડોળ કરીને લોકોનો વિશ્વાસ જીતીને જુદા જુદા બહાના હેઠળ મોટી રકમ ઉઘરાવતા હતા.
છોડા દિવસ પહેલા એક દંપતીએ એક વ્યક્તિને કેનેડામાં ફસાયેલા 24 કરોડ રૂપિયા પરત અપાવવાની લાલચ આપી હતી. આ બહાને તેમણે ભોગ બનનાર વ્યક્તિ પાસેથી 2 કરોડ 27 લાખ રૂપિયા પડાવી લીધા હતા. તપાસ દરમિયાન આવી જ રીતે અનેક લોકોને નિશાન બનાવી કુલ 20 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં આરોપી અનિલ વિભાણીનો ગુનાહિત ભૂતકાળ પણ સામે આવ્યો છે. અનિલ અગાઉ ટ્રક ડ્રાઇવર તરીકે અને પથ્થરની ખાણમાં સામાન્ય નોકરી કરતો હતો. વર્ષ 2012માં સુરતના રાંદેર વિસ્તારમાં પોતાની પ્રથમ પત્નીની હત્યાના કેસમાં પણ તેનું નામ સામે આવ્યું હતું. જેલમાંથી મુક્ત થયા બાદ તેણે વર્ષ 2019થી પોતાની બીજી પત્ની વિમ્મી સાથે મળીને સંગઠિત રીતે આર્થિક છેતરપિંડીનું નેટવર્ક ઉભું કર્યું હતું.
આર્થિક ગુના નિવારણ શાખાએ હાથ ધરેલી કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી અંદાજે 20 કરોડ રૂપિયાની કિંમતની અનેક લક્ઝરી કારો જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દંપતીના 10 જેટલા બેંક એકાઉન્ટ્સ અને 3 લોકર્સ પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે.
આરોપી અનિલ વિભાણીએ કબૂલ્યું હતું કે છેતરપિંડીથી મેળવેલી રકમમાંથી તેણે પોતાની દીકરીના લગ્ન પ્રસંગે 30 તોલા સોનું ભેટમાં આપ્યું હતું. હાલ પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે અને આ ઠગાઈના જાળમાં અન્ય કેટલા લોકો ભોગ બન્યા છે તેની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.