Gujarat

આતંકવાદી ફંડિંગ અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા ₹226 કરોડના ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં વધુ બે આરોપી ઝડપાયા

ગાંધાીનગર,
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, સીઆઈડી ક્રાઇમ ગુજરાતે આતંકવાદી ફંડિંગ, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક અને ડાર્ક વેબ સાથે સંકળાયેલા અંદાજે ₹226 કરોડથી વધુના ક્રિપ્ટોકરન્સી નેટવર્કનો પર્દાફાશ કરીને વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આ નેટવર્ક મારફતે શંકાસ્પદ ક્રિપ્ટો વ્યવહારો દ્વારા ગેરકાયદેસર ફંડિંગ કરવામાં આવતું હતું.

સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ વધતા સાયબર ગુનાઓને રોકવા માટે હાથ ધરાયેલી વિશેષ તપાસ દરમિયાન ક્રિપ્ટોકરન્સીના બ્લોકચેઇન એનાલિસિસ દ્વારા આંતરરાષ્ટ્રીય નાણાકીય નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્ક ડાર્ક વેબ પર નાર્કોટિક્સ ડ્રગ્સના વેચાણ, મની લોન્ડરિંગ અને આતંકવાદી સંગઠનોના ફંડિંગ સાથે સંકળાયેલું હોઈ શકે છે. જેના સદર્ભે નોંધાયેલી ફરિયાદના ગુનાની તપાસ દરમિયાન અગાઉ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હવે વધુ બે આરોપી હાદીરજા શબીરઅલી સરાની (ઉ.વ. 23,રહે. ભાવનગર) અને મોહમંદ ઝામીન અબ્બાસઅલી જીગર (ઉ.વ. 36, રહે. ભાવનગર)ની ધરપકડ કરવામાં આવી છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ અન્ય વ્યક્તિના કેવાયસી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ક્રિપ્ટો વોલેટ ખોલ્યા હતા અને વિદેશી સ્ત્રોતોથી પ્રાપ્ત થયેલા USDT (ક્રિપ્ટોકરન્સી)ના વ્યવહારોમાં સંડોવણી દર્શાવી હતી. તપાસ એજન્સીઓએ આ નેટવર્કના આંતરરાષ્ટ્રીય કનેક્શન અને સંભવિત આતંકવાદી ફંડિંગના એંગલની પણ તપાસ શરૂ કરી છે. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 111(2)(બી), 153 અને 61 ઉપરાંત ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 66(C) અને 66(D) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે રાજયના પ્રજાજનોને અપીલ કરી છે કે થોડા કમિશન અથવા લાલચમાં આવીને પોતાના બેંક એકાઉન્ટ અન્ય વ્યક્તિને ઉપયોગ માટે ભાડે ન આપે. આવા ‘મ્યુલ એકાઉન્ટ’નો ઉપયોગ ડ્રગ્સ, સાયબર ફ્રોડ અથવા આતંકવાદી ફંડિંગ જેવા ગંભીર ગુનાઓમાં થઈ શકે છે. ઉપરાંત ક્રિપ્ટોકરન્સીના પીયર-ટુ-પીયર (P2P) પ્લેટફોર્મ પર અજાણ્યા અને શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી ફંડ સ્વીકારવાનું ટાળવા પણ સૂચના આપવામાં આવી છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર સમગ્ર નેટવર્કના અન્ય સંડોવાયેલા લોકો અને આંતરરાષ્ટ્રીય કડીઓ અંગે વધુ તપાસ ચાલુ છે.

Most Popular

To Top