Gujarat

વિશ્વ પર્યાવરણ દિવસે ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનમાં 7 હજારથી વધુ નાગરિકો જોડાયા, 56 ટન કચરો દૂર કરાયો

અમદાવાદ,

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા આયોજિત ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ને નાગરિકોનો જંગી પ્રતિસાદ મળ્યો હતો. ચાર દિવસ સુધી ચાલેલા આ અભિયાન દરમિયાન 20,300થી વધુ નાગરિકોએ શ્રમદાન કરીને કુલ 198 ટન કચરો દૂર કર્યો હતો. માત્ર વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે જ 7,000થી વધુ નાગરિકોએ ભાગ લઈને 56 ટન કચરાનો નિકાલ કર્યો હતો.

સાબરમતી નદીને સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત બનાવવાના હેતુથી 2 જૂનથી શરૂ કરાયેલા આ અભિયાનમાં પ્રથમ દિવસે 7,500થી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો. નદીના પટ અને આસપાસના વિસ્તારોમાંથી 68 ટન કચરો દૂર કરવામાં આવ્યો હતો. બીજા દિવસે 2,700થી વધુ નાગરિકોએ 34 ટન ઘન કચરો એકત્રિત કરીને સ્વચ્છતા માટે યોગદાન આપ્યું હતું. જ્યારે ત્રીજા દિવસે 3,100 નાગરિકોના શ્રમદાનથી 40 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે આજે 5 જૂને અભિયાનને વધુ વ્યાપક જનસમર્થન મળ્યું હતું. હજારો નાગરિકો, વિદ્યાર્થીઓ, સ્વયંસેવકો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક સફાઈ કામગીરીમાં જોડાઈને સાબરમતીના કિનારાને સ્વચ્છ બનાવવાનો સંદેશ આપ્યો હતો.

આ મહાઅભિયાનમાં 50થી વધુ એનજીઓ, 20થી વધુ કોર્પોરેટ અને પીએસયુ સંસ્થાઓ, હોમગાર્ડના જવાનો, એનસીસી કેડેટ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો અને મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. સમાજના વિવિધ વર્ગોના લોકો એક જ ધ્યેય સાથે એકત્ર થયા હતા, જેના કારણે જનભાગીદારીનું પ્રેરણાદાયી દૃશ્ય સર્જાયું હતું.

આ પ્રસંગે નાગરિકોને સ્વચ્છતા જાળવવા, કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવા અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. સહભાગીઓએ પર્યાવરણ સંરક્ષણ માટે વ્યક્તિગત તેમજ સામૂહિક સ્તરે સતત પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલ ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ માત્ર સફાઈ અભિયાન પૂરતું મર્યાદિત ન રહી, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી, સામૂહિક સંકલ્પ અને જનશક્તિના પ્રદર્શનનું પ્રતિક બની રહ્યું હતું. સાબરમતીને પ્લાસ્ટિક અને કચરામુક્ત બનાવવા માટે સમાજના વિવિધ વર્ગોએ આપેલો સહયોગ પર્યાવરણ સંરક્ષણ માટે જનભાગીદારીની શક્તિનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે. ચાર દિવસમાં 198 ટન કચરાનો નિકાલ અને 20 હજારથી વધુ નાગરિકોની સક્રિય ભાગીદારી સાથે આ અભિયાન અમદાવાદ શહેર માટે એક યાદગાર અને પ્રેરણાદાયી પહેલ તરીકે ઉભરી આવ્યું છે. સ્વચ્છ, હરિયાળું અને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે સામૂહિક પ્રયાસો જ સૌથી અસરકારક માર્ગ છે તેવો મજબૂત સંદેશ પણ આ અભિયાન દ્વારા આપવામાં આવ્યો છે.

Most Popular

To Top