અમદાવાદ: બે દિવસ પહેલા જ આંધી-તુફાન અને વરસાદ બાદ ફરી આવતીકાલથી સતત ત્રણ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ત્રણ દિવસ દરમિયાન હવામાન વિભાગે વરસાદી યલો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં 4થી 6 જૂન દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે છેલ્લા 24 કલાકની અંદર રાજયમાં 9 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ પાટણમાં 14 મીમી જેટલો વરસાદ થયો હતો. જયારે આજે તા.3જી જૂનના રોજ રાત્રીના 8 વાગ્યા સુધીમાં રાજયમાં 14 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં સુરેન્દ્રનગરના સાયલામાં 26 મીમી એટલે કે 1 ઈંચ અને મહીસાગરના કડાણામાં 26 મીમી – 1 ઈંચ , બનાસકાંઠાના હડાદમાં 21 મીમી , મહીસાગરના સંતરામપુરમાં 20 મીમી જેટલો વરસાદ થયો હતો.
કયા દિવસે ક્યાં વરસાદ પડે તેવી સંભાવના?
- 4 જૂને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડવાની શક્યતા છે.
- 5 જૂનથી દક્ષિણ ગુજરાત અને પૂર્વ પટ્ટાના જિલ્લાઓમાં વરસાદી ગતિવિધિઓ વધુ સક્રિય બનશે.
- 6થી 9 જૂન દરમિયાન સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, દમણ અને દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે.
ચોમાસું આગળ વધવા અનુકૂળ સ્થિતિ
હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે. આગામી 4 જૂનની આસપાસ અરબી સમુદ્રના વધુ વિસ્તારો, કેરળ, તમિલનાડુ અને બંગાળની ખાડીના વિસ્તારોમાં ચોમાસું આગળ વધે તેવી શક્યતા છે.હાલમાં અરબી સમુદ્ર તરફથી ભેજયુક્ત પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી ગુજરાતમાં પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે આગામી સપ્તાહ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જળવાઈ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે ગાજવીજ અને તેજ પવન દરમિયાન ખુલ્લા મેદાનો, વૃક્ષો નીચે અથવા વીજ થાંભલાઓની નજીક ન જવા સલાહ આપી છે. ખેડૂતોને પણ પાક અને ખેતીના સાધનોની સુરક્ષા માટે જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય બનતા ગરમીમાંથી આંશિક રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
એક તરફ વરસાદનું યલો એલર્ટ તો બીજી તરફ ગરમીમાં ફરી વધારો, હવે તાપમાન ઘટશે
એક તરફ વરસાદની આગાહી તો બીજી તરફ રાજ્યમાં છેલ્લા બે દિવસથી ગરમીમાં ફરી વધારો નોંધાયો છે. અનેક શહેરોમાં મહત્તમ તાપમાનમાં લગભગ બે ડિગ્રીનો વધારો થતા લોકોને ગરમીનો અહેસાસ થયો છે. રાજ્યમાં આજે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. ભૂજ, કંડલા એરપોર્ટ અને રાજકોટમાં 41 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે કંડલા પોર્ટમાં 38 ડિગ્રી, અમરેલીમાં 39 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી, અમદાવાદ અને ડીસામાં 37 ડિગ્રી, ગાંધીનગર અને વડોદરામાં 36 ડિગ્રી તેમજ સુરત, દમણ, મહુવા અને વલ્લભ વિદ્યાનગરમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે, આગામી ત્રણ દિવસ હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ ફરીથી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.