ગાંધીનગર,તા.5
રાજ્યમાં આગામી શાળા પ્રવેશોત્સવને ધ્યાનમાં રાખીને પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓ સુધી પાઠ્યપુસ્તકો સમયસર પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. મંડળના કાર્યવાહક અધ્યક્ષ મનુભાઈ પાવરાએ જણાવ્યું હતું કે વૈશ્વિક પડકારો અને કાગળની આયાતમાં થયેલા વિલંબ છતાં પાઠ્યપુસ્તકોના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને વાલીઓ પર એક પણ રૂપિયાનો વધારાનો આર્થિક બોજ પડવા દેવામાં આવશે નહીં.
મનુભાઈ પાવરાએ જણાવ્યું હતું કે પાઠ્યપુસ્તક વિતરણની સમગ્ર પ્રક્રિયા સુનિયોજિત રીતે ચાલી રહી છે. ગુજરાત બોર્ડ સંલગ્ન પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના તમામ માધ્યમોના પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓ સુધી નિયત સમયમર્યાદામાં પહોંચે તે માટે મંડળે વ્યાપક આયોજન કર્યું છે.
તેમણે જણાવ્યું હતું કે ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન કેટલાક નવા વિષયોના સમાવેશને કારણે પાઠ્યપુસ્તક નિર્માણની પ્રક્રિયા સમયસર શરૂ કરવામાં આવી હતી. જોકે કોર્ટ કેસો સહિતની ન્યાયિક પ્રક્રિયાઓ અને ઈરાન સહિતના કેટલાક દેશોમાં સર્જાયેલી વૈશ્વિક પરિસ્થિતિના કારણે કાગળની આયાતમાં અંદાજે અઢીથી ત્રણ મહિનાનો વિલંબ થયો હતો. તેમ છતાં મંડળની ટીમે તમામ પડકારોનો સામનો કરીને પ્રિન્ટિંગ અને વિતરણની કામગીરીને ગતિ આપી છે.
અધ્યક્ષે જણાવ્યું હતું કે ખાનગી અને નોન-ગ્રાન્ટેડ શાળાઓ માટેના કિંમતવાળા પાઠ્યપુસ્તકો વિતરકો સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે અને તે વિદ્યાર્થીઓને ઉપલબ્ધ પણ થઈ ગયા છે. જ્યારે સરકારી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ પહેલાં જ વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો મળી રહે તે માટે તાલુકા કક્ષા સુધીનું માઇક્રો-પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે. સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ પુસ્તકો ઝડપથી પહોંચાડવા માટે વિવિધ સરકારી એજન્સીઓ સક્રિય રીતે કાર્યરત છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓને આશ્વસ્ત કરતાં મનુભાઈ પાવરાએ જણાવ્યું કે અંતરિયાળ અથવા દુર્ગમ વિસ્તારોમાં કોઈ કારણસર ભૌતિક પુસ્તકો પહોંચવામાં વિલંબ થાય તો પણ શિક્ષણ કાર્ય અટકશે નહીં. આ માટે પાઠ્યપુસ્તક મંડળે ડિજિટલ બેકઅપ વ્યવસ્થા ઊભી કરી છે. મંડળની અધિકૃત વેબસાઇટ પર તમામ માધ્યમોના પાઠ્યપુસ્તકો ઇ-બુક સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો જરૂરિયાત મુજબ પાઠ્યપુસ્તકોના પ્રકરણો ડાઉનલોડ કરીને સંદર્ભરૂપે ઉપયોગ કરી શકશે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર અને પાઠ્યપુસ્તક મંડળ દરેક વિદ્યાર્થીના શૈક્ષણિક હિત પ્રત્યે પ્રતિબદ્ધ છે અને ગમે તેવા પડકારજનક સંજોગોમાં પણ છેવાડાના બાળક સુધી શિક્ષણની સુવિધા પહોંચે તે માટે કટિબદ્ધ છે.