Dakshin Gujarat

પત્ની સાથે નાનાભાઈને સૂતેલો જોતાં મોટાભાઇનો પિત્તો ગયો, કુહાડીના ઘા મારી હત્યા: બારડોલીની ઘટના

બારડોલી : બારડોલી (Bardoli) તાલુકાનાં અકોટી ગામે નાના ભાઈને પત્ની સાથે સૂતેલો જોઈ જતાં પિત્તો ગુમાવી બેઠેલા મોટાભાઈએ નાનાભાઈના માથામાં કુહાડીના ઘા મારી મોતને (Murder) ઘાત ઉતારી દેતાં ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે બારડોલી ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના અકોટી ગામે આશ્રમ ફળિયામાં રહેતા ભીખાભાઇ રણછોડભાઈ રાઠોડ તેની પત્ની ગીતાબેન અને નાનાભાઈ વિજય (ઉ.વર્ષ 27) સાથે રહે છે. તેઓ ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા છે.

મંગળવારે રાત્રે સાડા આઠેક વાગ્યાની આસપાસ ભીખાભાઈ તેના નાના ભાઈ વિજય સાથે કોઈક બાબતે બોલાચાલી કરી રહ્યો હતો તે સમયે અચાનક ઉશ્કેરાય જઇ ભીખાએ તેના ભાઈ પર ઊંધી કુહાડીના ઉપરછાપરી ત્રણ ઘા મારી દેતાં વિજય લોહી લુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો. ભીખો તેના ભાઈને ઘસડીને ઘરમાંથી વાડા તરફ લઈ ગયો હતો.

મારમારીનો અવાજ સાંભળી આજુબાજુના લોકો એકત્રિત થઈ ગયા હતા અને ભીખાને પૂછતાં તેણે જણાવ્યુ હતું કે તેનો ભાઈ વિજય તેની પત્ની સાથે સૂતેલો હતો. આથી તેણે કુહાડી મારી દીધી હતી. ઊંધી કુહાડીના ત્રણ ઘા માથામાં મારતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો. 108 એમ્બ્યુલન્સ આવતા તેના તબીબે વિજયને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે બારડોલી ગ્રામ્ય પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપી ભીખાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

તપાસ કરી રહેલા પી.એસ.આઈ. ડી.આર.વસાવાએ જણાવ્યુ હતું કે, પત્ની સાથે આડા સંબંધના વહેમમાં જ હત્યા કરવામાં આવી છે. લાશનું પી.એમ. કરાવી કબ્જો પરિવારજનોને સોંપી દીધો છે. હાલ આરોપીની અટક કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top