Dakshin Gujarat

ગિરિમથક સાપુતારામાં ‘મેઘ મલ્હાર પર્વ’ 2022ની ભવ્ય શરૂઆત : વરસાદી મોસમમાં સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું

સાપુતારા : વરસાદી વૈભવ વચ્ચે જ્યારે ગિરિમથક (hill station) સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે ત્યારે સહ્યાદ્રીની (Sahyadri) આ ગિરિકન્દ્રાઓ કાશ્મીરની (Kashmir) વાદીઓથી જરા પણ ઓછી લાગતી નથી તેમ સાપુતારાની (Saputara) સુંદરતાનુ વર્ણન કરતા રાજ્યનાં પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ ‘મેઘ મલ્હાર પર્વ 2022નાં ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં રાજ્ય સરકાર દ્વારા થોડા સમય અગાઉ જ ગવર્નર હિલના વિકાસની કામગીરી પાછળ રૂપિયા 6.19 કરોડનો ખર્ચ કરાયો હતો. જ્યારે આજે અહીં સાપુતારા લેકની આસપાસના વિકાસ કામો માટે કુલ રૂપિયા 24 કરોડનો ખર્ચ કરીને, પ્રવાસીઓની સુખ સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.

પર્વને માણવા પણ દુનિયાના 29 દેશોનાં પર્યટકો પધાર્યા
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન મેળાઓ અને ઉત્સવોનું પણ ખુબ જ સુંદર આયોજન કરવામાં આવે છે. જેમાં દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવે છે. સાપુતારાનાં મેઘ મલ્હાર પર્વને માણવા પણ દુનિયાના 29 દેશોનાં પર્યટકો પધાર્યા છે. પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાને લીધે ગ્રામીણ સ્તરે રોજગારીમાં પણ વધારો થયો છે. આદિવાસી સમાજનાં નાગરિકો અને મહિલાઓને રોજગારી પ્રાપ્ત થતા તેઓ આર્થિક રીતે પગભર બનતા, તેમના જીવનધોરણના સ્તરમાં પણ સુધારો થયો છે.

આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવિત અને ધારાસભ્ય વિજયભાઈ પટેલે પ્રાસંગિક સંબોધનમાં પ્રવાસન પ્રવૃત્તિનાં વિકાસ સાથે ડાંગનાં સ્થાનિક ઉત્સવો, તહેવારોનો પણ મેળાવડો યોજવાની શકયતા ચકાસવાની હિમાયત કરી હતી. જ્યારે ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ લિ.ના મેનેજિંગ ડિરેકટર આલોક પાંડેએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી પર્વ ઉજવણીનો ખ્યાલ આપ્યો હતો.સાપુતારા બોટિંગ કલબનાં પટાંગણમાં યોજાયેલા ‘મેઘ મલ્હાર પર્વ’ ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીત,ધારાસભ્ય વીજયભાઈ પટેલ,ત્રણેય તાલુકા પંચાયતોનાં પ્રમુખોમાં કમળાબેન રાઉત,શંકુતલાબેન પવાર, ભાજપાનાં મહામંત્રીઓમાં હરિરામ સાંવત, કિશોરભાઈ ગાવીત,રાજેશભાઈ ગામીત, કલેકટર ભાવિન પંડ્યા, પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, પ્રાયોજના વહીવટદાર કે.જે.ભગોરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી,યોગેશ જોશી, પ્રાંત અધિકારી આર.એમ.જાલંધરા સહિતનાં વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. મેઘમલ્હાર પર્વ-2022ના પ્રારંભ સાથે સાપુતારા ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તૈયાર કરાયેલા અંદાજીત રૂપિયા 24.58 કરોડના વિવિધ પ્રકલ્પોનુ પણ પ્રજાર્પણ કરાયું, તે પૂર્વે રંગારંગ ઉદ્ઘાટન પરેડ પણ યોજાઇ હતી.

વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું
સાપુતારામાં જેમની પાછળ લાખોનો ખર્ચ કરાયો છે તેમાં મ્યૂઝિકલ ફાઉન્ટેન,એમ્ફિ થિયેટર, એડ્વેંચર પાર્ક, બોટિંગ જેટ્ટી એરિયા ડેવલપમેન્ટ અને ફ્લોટિંગ જેટ્ટી હયાત લેકની ફરતે કેનોપીઝ, મોલ રોડના વિકાસની કામગીરી, મહાદેવ મંદિર પાસે પાર્કિંગ, માઇનોર બ્રીજ્સ, દુકાનો, ટીસીજીએલ શોપ્સનુ રિનોવેશન વિગેરેનો સમાવેશ થાય છે.ચોમાસામાં નવપલ્લવિત થઈ ઉઠતી ડાંગ જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પર્યટકોને મેઘમલ્હાર પર્વ દરમિયાન સાપુતારાનાં મુખ્ય ડોમ ખાતે શનિ, રવિની રજાઓ સહિત જાહેર રજાઓના દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા મળશે. તો જન્માષ્ટમી પર્વે દહીં હાંડી સ્પર્ધા, રેઇન રન મેરેથોન,બોટ રેસિંગ, તથા નેચર ટ્રેઝર હન્ટનાં વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. આ ઉપરાંત મોન્સૂન ફેસ્ટિવલનાં એક મહિનાનાં પર્વ દરમિયાન આર્ટ ગેલેરી વર્કશોપ, ફોટોગ્રાફી, આર્ટ પેઇન્ટિંગ, બામ્બુ ક્રાફ્ટટિંગ, વારલી પેઇન્ટિંગ, યોગા ક્લાસિસ, કવીઝ કોન્ટેસ્ટ, સેમિનાર, રંગોળી સ્પર્ધા, મ્યુઝિકલ લર્નિંગ કોમ્પિટિશન, ફોટોગ્રાફી કોમ્પિટિશન, વિવિધ રમત સ્પર્ધાઓ, મનોરંજક પ્રવૃત્તિઓ વિગેરેમાં પણ પર્યટકોને ભાગ લેવાનો મોકો મળશે.

Most Popular

To Top