Comments

રેવડી દાણાદાણઃ મફતિયા વીજળીનો 300 યુનિટનો ઝટકો

ગુજરાતમાં લાગે છે કે રાજ્ય વિધાનસભાની ચૂંટણીની મોસમ વહેલી શરૂ કરી દેવાઇ છે. ભલે એવી વાતો વહેતી થઇ હોય કે પહેલા નોરતે વિધાનસભાનું વિસર્જન થવાનું છે ને દિવાળી સુધીમાં ચૂંટણી યોજીને નવા વર્ષે રાજ્યમાં નવી ચૂંટાયેલી સરકાર આવશે, પરંતુ મોટા વિરોધ પક્ષ કોંગ્રેસને ચૂંટણીની કોઇ ઉતાવળ હોવાનું વરતાતું નથી, પણ નવો વિરોધ પક્ષ બનવા મથી રહેલી આમઆદમી પાર્ટીને ગાંધીનગરની ગાદી ભાજપ પાસેથી એકદમ આંચકી લેવાની જાણે ઉતાવળ ચડી છે. એના સૌથી મોટા વડેરા અરવિંદ કેજરીવાલે સુરતમાં ઉત્સાહમાં આવી જઇને એવી જાહેરાત ભરડી મારી છે કે જો ગુજરાતમાં આમઆદમી પાર્ટીની સરકાર આવશે તો રાજ્યના વીજગ્રાહકોને દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે અને ડિસેમ્બર મહિના પહેલાંનાં ભરવાનાં બાકી હોય  એવાં વીજળી બિલ માફ કરી દેવાશે.

આ ગોઠવણ આમઆદમી પાર્ટીની સરકાર રચાયાના ત્રણ જ મહિનામાં કરી દેવામાં આવશે. ખોટાં વચનોની લ્હાણી કરવાને હિન્દી ભાષામાં રેવડીઓ વહેંચવી એવા વ્યંગ્યાત્મક શબ્દસમૂહ મારફતે વર્ણવવામાં આવે છે. જો કે આપણે ત્યાં ગુજરાતીમાં રેવડીનો અર્થ જુદો છે. ખાંડની ચાસણીમાં સફેદ તલને ભેળવીને તેના ગોળ ગોળ ગુલ્લા વાળીને સૂકવવામાં આવતી મીઠાશવાળી ખાદ્યચીજને રેવડી કહેવામાં આવે છે.

રેવડી પરથી આપણી ભાષામાં રેવડી દાણાદાણ એવો રૂઢિપ્રયોગ પણ છે, જેનો અર્થ ખૂબ મુશ્કેલીમાં મૂકાઇ જઇને હાલાકી ભોગવવી એવો થાય છે. હવે વાત જાણે એમ છે કે ગુજરાત માટે આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે. છેક 1995 થી આજ સુધી (વચ્ચેના શંકરસિંહ બાપુના 18 મહિનાના શાસનને બાદ કરતાં) ગુજરાતમાં ભાજપનું એકચક્રી રાજ છે. છતાં કહે છે કે કેજરીવાલની મફત વીજળીની જાહેરાતે ભાજપની રેવડી દાણાદાણ થઇ જાય એવા હાલ કરી મૂકવા માંડ્યા છે.મફત વીજળીની વાત લોકમાનસમાં ધીરે ધીરે પ્રસરી રહી છે.

જો એ દિલ્હી સ્ટેટ કે પંજાબની જેમ ક્લિક થઇ ગઇ તો અહીં (ગુજરાતમાં) કંઇકના કિલકિલાટ બંધ થઇ જાય એવી ધાસ્તી છે. મહિને 300 યુનિટ વીજળી એટલે શું થયું ? મોટા ભાગનાં સામાન્ય પરિવારો મહિને 300 યુનિટ વીજળી વાપરતાં હોય છે. એમને માટે તો સોલારના રૂફટોપના રોકાણ વિના જ જો મફતમાં વીજળી મળવા લાગે તો કમળ હોય કે ઝાડુ, એમને તો કોઇ ફરક જ પડતો નથી. કેજરીવાલે વહેલાસર પણ વટદાર સ્ટોક ફટકારી દીધો છે. ભાજપ તો સમસમી જાય, એ ઠીક છે, પણ મફતિયા વીજળીની વાતે કોંગ્રેસને પણ ઝાટકો લાગ્યો છે. 300 યુનિટ મફત વીજળી આપવાની જાહેરાતથી સામાન્ય લોકોને વર્ષે 12 હજાર રૂપિયા જેટલો એટલે કે મહિને અંદાજે એક હજાર રૂપિયાનો ફાયદો થવા જાય છે.

મહિને આટલો ફાયદો કોને ન ગમે!  વિધાનસભાની દરેક બેઠક પર સરેરાશ 50 હજારની લીડ મેળવવાના ખ્વાબ ભાજપવાળા ભલે રાખી રહ્યા હોય પણ અંદરખાને તો કેજરીવાલે 300 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરીને કંઇકની રેવડી દાણાદાણ કરી નાખી છે. આમેય આપણી પ્રજાની મફતિયા મનોવૃત્તિ તો ખૂબ વગોવાયેલી છે. અહીં તો ઝેરની પડીકી પણ જો મફતમાં વહેંચાતી હોય તો એને લેવા માટે ચોકબજાર હોય, વરાછા, પાલ-ભાઠેના હોય કે સરથાણા, લાઇન લગાડીને લોકો પડાપડી કર્યા વિના રહે નહીં.

કેજરીવાલની મફતિયા વીજળીની વાતને અસરકારકતાથી કેવી રીતે કાઉન્ટર કરવી એનાં મનોમંથન આજકાલ કમલમમાં ચાલી રહ્યાં છે. એની પાછળ માત્ર મફતિયા વીજળી આપવાના વચનની જ બીક નથી, પણ વીજળી પછી બીજી ઘણી વસ્તુઓ મફતિયા આપવાનાં ચૂંટણીવચનો આવી પડવાની ભાજપને ભીતિ છે. એ ઉપરાંત વિધાનસભાની ટિકિટની વહેંચણીમાં જે કાપાકાપીનો છૂપો તખ્તો ગોઠવાઇ રહ્યો છે, તેના ઝાટકા સહન કરવા ભારે થઇ પડે એવું છે. જે લોકોની વિધાનસભાની ટિકિટ કપાશે અથવા જે સંભવિતોને ટિકિટ નહીં મળે તે બધા ભાજપને 300 થી વધુ વોલ્ટના ઝાટકા આપ્યા વિના રહેવાના નથી.

આ ઝાટકા કેવી રીતે સહન કરવા એના પાઠ આપવા નરેન્દ્રભાઇ મોદી દર અઠવાડિયે ગુજરાતના આંટાફેરા મારી રહ્યા છે. એટલે ભાજપને કેજરીવાલની મફતિયા વીજળીની જાહેરાતના ડર કરતાં ટિકિટોની કાપાકાપી બાદના ઝાટકાની વધારે બીક લાગી રહી છે. આ ડેમેજના સંભવિત કન્ટ્રોલ માટે અત્યારથી જ કસરતો શરૂ થઇ ગઇ છે. જેમની ટિકિટો કપાવાની છે અથવા જે સંભવિતો લટકી પડે એવા છે, તેમને અત્યારથી નાના-મોટા હોદ્દાઓ પર હાલ પૂરતા બેસાડી દઇને હાલ પૂરતા રાજી કરી દેવાનો કીમિયો પણ અજમાવવામાં આવી રહ્યો છે. જો કે આ પ્રક્રિયા ઘણી લાંબી અને અંત ન આવે એવી છે.

સામાન્ય લોકોને રીઝવવા માટે ખાસ કરીને શહેરી અને અર્ધશહેરી વિસ્તારોનાં ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરી આપવાની યોજનાઓ પણ સરકાર વિચારી રહી છે. ઇમ્પેક્ટ ફી રૂપે એક પ્રકારે દંડ ભરીને ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરી નાખવાની યોજના પણ સરકાર લાવી રહી છે. આ અગાઉ માટે 2012 અને 2017 ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં આ જ રીતે સરકારે ઇમ્પેક્ટ ફી ના કાયદા આણ્યા હતા અને ગેરકાયદે બાંધકામો કરનારાંઓને રાજી રાજી કરી દીધાં હતાં. ચૂંટણીના વર્ષે સરકાર આવો રાજીપો કંઇને કરાવવા માટે તલપાપડ થઇ ઊઠી છે. મફતિયા વીજળી જેવી રેવડીઓ વહેંચવાના તખ્તા ગોઠવી રહી છે.

હવે રહી વાત તિસ્તા સેતલવડ અને અન્યો સામેના કેસોના સંદર્ભોની. 2002 ના ગોધરાકાંડનાં તોફાનોની આડશમાં ગુજરાતની તત્કાલીન નરેન્દ્ર મોદીની રાજ્ય સરકારને પાડી દેવાની કહેવાતી પેરવીની સામે હાલમાં બરાબરની ટક્કર આપવામાં આવી રહી છે. તેમાં પણ તિસ્તા સેતલવડની સાથે કોંગ્રેસના વગદાર નેતાનું કહેવાતું કનેક્શન હોવાની વાત જે બહાર આવી છે, તે જોતાં ભાજપે કોંગ્રેસને બરાબર સાણસામાં લેવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાય છે. ગુજરાતમાં ભાજપ દ્વારા કોંગ્રેસને બરાબર સાણસામાં લેવાની કોઇ તક છોડાતી નથી. હાર્દિક પટેલ જેવો પાટીદાર ચહેરો મેળવીને કોંગ્રેસે 2017 ની ચૂંટણીમાં સારો ફાયદો મેળવ્યો હતો, પણ આજે હાર્દિક પટેલ ભલે ક્યાંય શોધ્યા નજરે પડતા નથી, પણ ભાજપમાં તો બિરાજમાન છે જ. એ રીતે ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પટેલનો નિશ્ચિત મનાતો કોંગ્રેસપ્રવેશ છેક છેલ્લી ઘડીએ કેવી રીતે લટકી પડ્યો એની કોંગ્રેસીઓ જ નહીં, કંઇક ભાજપીઓને હજુ સમજ પડતી નથી.

તિસ્તા સેતલવડના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સીટના એફિડેવિટમાં ગુજરાતના દિવંગત કોંગ્રેસી નેતાનું કનેક્શન આવતાં કોંગ્રેસને મોટો ઝટકો જરૂર લાગ્યો છે. સોનિયા ગાંધીનું નામ પણ તેમાં ઘસેડાયું છે. તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને ઉથલાવવાનું કાવતરું કોંગ્રેસે રચ્યું હોવાની બાબતને તિસ્તાના કેસ સાથે જોડાતાં આ કેસને બરાબરનો રાજકીય રંગ મળ્યો છે. તિસ્તાનું વલણ હિન્દુવિરોધી રહ્યાની સ્પષ્ટ છાપ પણ ઊભી થયેલી છે. એ જોતાં તિસ્તા અને કોંગ્રેસની મીલીભગત બહાર આવતાં હિન્દુત્વના મોરચે પણ ભાજપને ઇજાફો મળે એવી સ્થિતિ ઊભી થઇ છે ને સામે કોંગ્રેસને ઝાટકો લાગી રહ્યો છે. આ અને આવી બીજી કેટલીક બાબતોમાંથી કેવી રીતે નીકળવું એ કોંગ્રેસ માટે પડકાર સમાન બની રહ્યું છે.  
       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top