SURAT

નોઈડાની પોલિટિકલ સાયન્સની 21 વર્ષની સ્ટુડન્ટ સુરતની હોટેલમાં મળી, આ રીતે સેક્સ રેકેટમાં ફસાઈ

સુરતના રાંદેર વિસ્તારની એક હોટલમાં હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. મહિલા સેલ ક્રાઈમ બ્રાંચે રાંદેરના વી સ્કેવર શોપિંગ મોલની હોટલના રૂમમાંથી ગેરકાયદે દેહ વ્યાપારનો ચાલતો ધંધો ખુલ્લો પાડ્યો છે.

જોકે દરોડા દરમિયાન બહાર આવેલી હકીકતે પોલીસને પણ ચોંકાવી દીધી છે. રેસ્ક્યુ કરાયેલી મહિલાઓમાં એક 21 વર્ષીય યુવતી હતી, જે નોઈડાની પોલિટિકલ સાયન્સ કોલેજમાં ભણે છે. આ સ્ટુડન્ટને નોકરી આપવાના બહાને સુરતમાં સેક્સ રેકેટમાં ફસાવી દેવાઈ હતી. ગ્રાહક બનીને પોલીસે હોટલમાં રેઈડ કરી સ્ટુડન્ટ સહિત 4 મહિલાને મુક્ત કરાવી છે.

પોલીસે ગ્રાહક બની દરોડા પાડ્યા
પોલીસને બાતમી મળી હતી કે રાંદેરના વી સ્કેવર શોપિંગ મોલના બીજા માળે આવેલી હોટલ કમ્ફર્ટ કોવમાં દેહવ્યાપાર ચાલે છે. તેથી પોલીસે પોતે ગ્રાહક બની દલાલનો કોન્ટેક્ટ કર્યો હતો. ગ્રાહક બની હોટલમાં ગયા બાદ રેઈડ કરી હતી. રેડ દરમિયાન હોટલના રૂમમાંથી 4 ભારતીય મહિલાને રેસ્ક્યુ કરાઈ હતી.

પોલીસે 3 મોબાઈલ, 11 હજાર રોકડા સહિત 31 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો છે. પોલીસે દલાલ અને હોટલ સંચાલક પીયૂષ દેસાઈની ધરપકડ કરી છે. બંને સામે ધી ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

વિદ્યાર્થીની ભણતરનો ખર્ચ કાઢવા કામ શોધતી હતી
રેસ્ક્યુ કરાયેલી ચાર મહિલામાં એક યુવતી 21 વર્ષની છે. તે નોઈડાની કોલેજમાં પોલિટિકલ સાયન્સ ભણે છે. પોલીસ પૂછપરછમાં તેણીએ કહ્યું કે, પોતે ગરીબ પરિવારની છે. ભણતરમાં હોંશિયાર છે. ભણતરનો ખર્ચ અને ફી ભેગી કરવા એજન્ટના માધ્યમથી સુરતમાં કામની શોધમાં આવી હતી અને અહીં ગેરકાયદે દેહવ્યાપારના ધંધામાં ફસાઈ ગઈ હતી. અન્ય ત્રણ મહિલા કલકત્તાની છે.

Most Popular

To Top