હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયાએ ગઈકાલે 2 નવેમ્બર રવિવાર રાત્રે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ચમકતી ટ્રોફી પોતાના નામે કરી હતી. ભારતે ટાઇટલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવ્યું.
ICC એ વર્લ્ડ કપ વિજેતા ટીમ માટે 4.48 મિલિયન યુએસ ડોલરની ઈનામી રકમ નક્કી કરી હતી, જે ભારતીય રૂપિયામાં આશરે 39.78 કરોડ રૂપિયા થાય છે. હવે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ICC કરતા વધુ ઈનામી રકમની જાહેરાત કરી છે.
બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ આઇસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયા માટે ૫૧ કરોડ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે.
દેવજીત સૈકિયાએ કહ્યું, “1983માં કપિલ દેવે ભારતને વર્લ્ડ કપ જીત અપાવીને ક્રિકેટમાં એક નવા યુગ અને પ્રેરણાનો આરંભ કર્યો. આજે મહિલાઓ પણ એ જ ઉત્સાહ અને પ્રેરણા લઈને આવી છે. હરમનપ્રીત કૌર અને તેમની ટીમે આજે માત્ર ટ્રોફી જીતી નથી, પરંતુ તમામ ભારતીયોના દિલ પણ જીતી લીધા છે. તેમણે મહિલા ક્રિકેટરોની આગામી પેઢી માટે માર્ગ મોકળો કર્યો છે. જયારે અમારી ટીમે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું ત્યારે મહિલા ક્રિકેટ પહેલાથી જ આગલા સ્તર પર પહોંચી ગયું હતું…”
તેમણે વધુમાં કહ્યું, “જ્યારથી જય શાહે BCCIનો કાર્યભાર સંભાળ્યો (2019 થી 2024 સુધી BCCI સચિવ તરીકે સેવા આપી). તેમણે મહિલા ક્રિકેટમાં ઘણા ફેરફારો લાવ્યા છે. પગાર સમાનતા પર પણ ધ્યાન આપવામાં આવ્યું હતું. ગયા મહિને
ICC પ્રમુખ જય શાહે મહિલા ઈનામી રકમમાં 300 ટકાનો વધારો કર્યો હતો. ઈનામી રકમ પહેલા $2.88 મિલિયન હતી અને હવે તે વધારીને $14 મિલિયન કરવામાં આવી છે. આ બધા પગલાંથી મહિલા ક્રિકેટને મોટો વેગ મળ્યો છે.
તેમણે આ પ્રસંગે ઘોષણા કરતા કહ્યું કે BCCI એ સમગ્ર ટીમ – ખેલાડીઓ, કોચ માટે 51 કરોડ રૂપિયાના ઈનામની પણ જાહેરાત કરી છે. અમે ટીમ અને સપોર્ટ સ્ટાફ સાથે કામ કરી રહ્યા છીએ.”