Gujarat

સુરેન્દ્રનગરમાં આગઝરતી 44 ડિગ્રી ગરમી

ગાંધીનગર : ગુજરાતમાં ઉનાળાનો કાળો કહેર યથાવત્ રહ્યો છે. આજે રાજ્યમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ હતી, જ્યાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં વધુ 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ યથાવત્ રહી શકે છે.
હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યના અન્ય શહેરોમાં પણ ભારે ગરમીનો અનુભવ થયો હતો. રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે કંડલા એરપોર્ટ પર પણ 43 ડિગ્રી સુધી પારો પહોંચ્યો હતો. અમરેલી, ડીસા, વલ્લભ વિદ્યાનગર અને વડોદરામાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભૂજ અને કંડલા પોર્ટમાં 41 ડિગ્રી, ભાવનગર, કેશોદ અને સુરતમાં 40 ડિગ્રી, દમણમાં 38 ડિગ્રી, મહુવામાં 37 ડિગ્રી અને નલિયામાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહ્યું હતું, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ તાપમાન સામાન્ય કરતા ઉપર નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે મધ્ય પાકિસ્તાન અને આસપાસના પંજાબ-રાજસ્થાન વિસ્તારમાં સર્જાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ યથાવત્ છે. ઉપરાંત કોમોરિન વિસ્તારથી મધ્યપ્રદેશ સુધી પવનની દિશામાં વિક્ષેપ સર્જાયો છે. રાજ્યમાં નીચલા સ્તરે પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગરમીમાં વધારો થઈ રહ્યો છે.
હવમાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં 9 થી 15 મે દરમિયાન ગરમ અને ભેજવાળું વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવ જિલ્લામાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારો માટે હવામાન વિભાગે મુખ્યત્વે ખુલ્લા આકાશની આગાહી કરી છે. શહેરમાં આવતીકાલે મહત્તમ તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.બીજી તરફ આવતીકાલ તા.9 મેના રોજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

Most Popular

To Top