Top News

More Posts

   The Latest

Most Popular

ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું તેની સ્મૃતિરૂપે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે નવી દિલ્હીમાં રાજપથ ખાતે ગણતંત્ર દિનની ઉજવણી થાય છે. આ ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે કોઈ દેશના વડા પણ સામેલ થાય છે પરંતુ આ વર્ષે આમંત્રિત અતિથિ બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોહસન કોરોનાના કારણે ઉપસ્થિત રહેવાના નથી. 26 જાન્યુઆરીના દિવસે જેમ ગણતંત્ર દિવસની ઉજવણી થાય છે, એ રીતે ઠીક તેના દસ દિવસ અગાઉ દિલ્હીમાં અને દેશનાં અન્ય સૈન્ય મુખ્ય મથકો પર ‘સૈન્ય દિન’ ઉજવાય છે. દર વર્ષે 15 જાન્યુઆરીનો આ દિવસ ફિલ્ડ માર્શલ કોદન્દેરા એમ. કરીઅપ્પાની યાદગીરીમાં ઉજવાય છે.

1949માં આ દિવસે કોદન્દેરા એમ. કરીઅપ્પા પ્રથમ ભારતીય કમાન્ડર-ઇન-ચીફ દેશને મળ્યા હતા. સૈન્ય દિને દિલ્હીના સૈન્ય મુખ્ય મથક પર પરેડનું આયોજન થાય છે અને સાથે-સાથે જાબાંઝ સૈનિકોને સન્માનવામાં આવે છે. જેમ 26 જાન્યુઆરીનું બંધારણ લાગુ થયાના દિન તરીકે મહત્ત્વ છે, તેવું જ મહત્વ સૈન્ય બેડામાં 15 જાન્યુઆરીનું છે. આ દિવસે વિશેષ રીતે ભારતના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ ફિલ્ડ માર્શલ કોદન્દેરા એમ. કરીઅપ્પાને યાદ કરવામાં આવે છે. ભારતીય સૈન્યમાં અત્યાર સુધી ફિલ્ડ માર્શલનું બિરૂદ બે જ સૈન્ય ઓફિસરને મળ્યું છે; પ્રથમ હતા સૅમ માણેકશા અને બીજા કે. એમ. કરીઅપ્પા.

સૅમ માણેકશાને ફિલ્ડ માર્શલનું સન્માન નિવૃત્તિ અગાઉ 1973માં આપવામાં આવ્યું હતું, જ્યારે કરીઅપ્પાને 1983માં આ સન્માન મળ્યું હતું. કરીઅપ્પાની આ ટૂંકી ઓળખ છે પણ તેમના સૈન્ય કારકિર્દી અને વ્યક્તિત્વનાં અનેક એવાં પાસાં છે જે અંગેના કિસ્સાઓ જાણીતા બન્યા નથી. આજકાલ એવો ટ્રેન્ડ થઈ ગયો છે કે વ્યક્તિની આભા ટકાવી રાખવા માટે જે-તે વ્યક્તિની આસપાસ વીરકથાઓ ઘડવામાં આવે. જો કે આ વીરોની છબિ માત્ર કોઈની ચૅટ જાહેરમાં આવી જવાથી ધોવાઈ જાય છે!

1919માં માત્ર વીસ વર્ષની ઉંમરે યુવાન કરીઅપ્પા તત્કાલિન દેશના બ્રિટિશ સૈન્યમાં જોડાઈ ચૂક્યા હતા અને બીજા જ વર્ષથી તેઓને મુંબઈમાં એક સૈન્ય રેજિમેન્ટના હંગામી લેફ્ટનન્ટ તરીકે પદ મળ્યું હતું. બસ આ પદ સાથે તેઓની ટ્રાન્સફર મુંબઈના સૈન્ય અંતર્ગત આવતી ‘નેપિઅર રાઇફલ્સ’માં થઈ. તે વખતે અંગ્રેજોનું રાજ વિશ્વના અનેક દેશોમાં હતું અને તેને ટકાવી રાખવા માટે યુદ્ધની નોબત પણ અવારનવાર આવતી. 1920-21માં આવા જ એક સંઘર્ષ વખતે યુવાન કરીઅપ્પા ઇરાકની ધરતી પર ગયા હતા. તેઓ પાછા ફર્યા ત્યાર પછી તેઓ કાયમી લેફ્ટનન્ટ બન્યા અને 1923માં તેઓને રાજપૂત રેજિમેન્ટમાં જોડાવાનું થયું અને આ જ રેજિમેન્ટમાં તેઓ સ્થાયી થયા.

ભારતીય સૈન્યમાં રેજિમેન્ટનો લાંબોલચક ઇતિહાસ છે અને તે પ્રમાણે આજે પણ રેજિમેન્ટ તેવાં નામથી ઓળખાય છે. 1857ના બળવા બાદ અંગ્રેજોએ નિશ્ચિત ક્ષેત્ર, ધર્મ અને વંશ આધારિત રેજિમેન્ટ બનાવવાનું આરંભ્યું હતું. આઝાદી બાદ સૌ પ્રથમ કોઈ એક રેજિમેન્ટમાં ધર્મ, ક્ષેત્રના કે વંશની પૃષ્ઠભૂમિ વિના દરેક સૈનિક ભારતીય બનીને પ્રવેશ મેળવી શકે તેવી પ્રથમ ‘મેકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રી’ બ્રિગેડ ઑફ ધ ગાર્ડનો ખ્યાલ કે. એમ. કરીઅપ્પાએ જ આપ્યો હતો. આ ઇન્ફન્ટ્રીને ‘ઑલ ઇન્ડિયા, ઑલ ક્લાસ’ની ઓળખ મળી છે. ‘બ્રિગેડ ઑફ ધ ગાર્ડ’ની સફળતા જોઈને જ આજે સૈન્યમાં ‘મેકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રી’નો ખ્યાલ વધુ વિકસ્યો છે.

બ્રિટિશ સૈન્યમાં ભારતીય સૈનિકોનું કામ પડકારભર્યું હતું, પછી તે ઑફિસર કક્ષાનો કેમ ન હોય? તે કાળે વિશ્વમાં અવારનવાર યુદ્ધના મોરચે જવાનું થતું. આ જ કારણે તે સમયે બ્રિટિશ સૈન્ય સાથે જોડાયેલા સૈનિકોને ટ્રેઇનિંગ પૂરા વિશ્વભરમાં મળતી. આવા જ એક કાર્યક્રમ અંતર્ગત 1925માં કરીઅપ્પાને અમેરિકા, જાપાન, ચીનમાં પ્રવાસ કરવાની તક મળી. તેઓ અહીંયા વિવિધ દેશોના સૈનિકો અને નાગરિકો સાથે રૂબરૂ થયા. આ પ્રવાસ તેમના સૈન્ય કારકિર્દી માટે ખૂબ ઉપયોગી રહ્યો અને પછી તેમને સૈન્યમાં સ્થાયી કૅપ્ટનનું પદ મળ્યું. આ દરમિયાન તેમણે અંગ્રેજો સાથે સારો એવો ઘરોબો કેળવ્યો હતો.

માત્ર ચાળીસ વર્ષની ઉંમર સુધી બ્રિટિશ સૈન્ય દ્વારા મળેલાં એક્સ્પોઝરના કારણે તેમણે અંગ્રેજો દ્વારા સૈન્ય ટ્રેઇનિંગ માટે કાર્યરત શાળા-કૉલેજમાં વધુ ટ્રેઇનિંગ મેળવી. એવું કહેવાય છે કે, ‘સ્મોલ આર્મ્સ સ્કૂલ’ અને ‘રોયલ સ્કૂલ ઓફ આર્ટિલરી’માં ટ્રેઇનિંગ મેળવનારા પ્રથમ ભારતીય હતા. કરીઅપ્પાની આ શિખવાની ધગશ દ્વારા જ તેમને 1938માં મેજરનું પદ મળ્યું. અત્યાર સુધી જે અનુભવ-પદ કરીઅપ્પાને મળ્યાં હતાં તેની ખરી પરીક્ષા શરૂ ત્યારે થઈ જ્યારે બીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગવા માંડ્યા. ત્યારે પણ અંગ્રેજોએ ભારતીયોને ફ્રન્ટ પર મોકલ્યા. આ દરમિયાન જ અંગ્રેજોએ સૈન્યને વધુ ભારતીય સ્વરૂપ મળે તે અર્થે એક કમિટિની રચના કરી હતી. ‘સ્કીન કમિટિ’નામની આ કમિટિએ તે વખતે સૌથી વધુ અનુભવ ધરાવતા કરીઅપ્પા સાથે ખાસ્સી ચર્ચા કરીને નિર્ણય ફેરફાર અંગેના નિર્ણય લીધા હતા. જો કે કમિટિ સામે કરીઅપ્પાએ એ વાત ખૂલીને મૂકી હતી કે બ્રિટિશ સૈન્યમાં ભારતીય અધિકારી અને સૈનિકોને યોગ્ય માનપાન તો નથી જ મળતાં પણ જ્યારે પ્રમોશન, અપોઇન્ટમેન્ટ અને અલાવન્સની વાત આવે છે ત્યારે યુરોપિયનોને જ પ્રાધાન્ય આપવામાં આવે છે.

બ્રિટિશરોને કરીઅપ્પાનાં સૂચનો યોગ્ય લાગ્યાં હશે અને એટલે જ તેઓને બ્રિગેડ મેજરનું પદ મળ્યું અને મધ્ય પાકિસ્તાનમાં આવેલા દેરાજતમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું. અહીંયાથી જેમ-જેમ વિશ્વયુદ્ધનું વલણ બદલાતું ગયું તેમ તેમનાં પોસ્ટિંગનાં સ્થળ પણ બદલાતાં ગયાં. 1941-42 વર્ષમાં તેઓ ઇરાક, ઇરાન અને સિરિયાના ફ્રન્ટ પર રહ્યા. પછીના બે વર્ષ બર્મા જવાનું બન્યું. પછી તો તેઓને બટાલિયનનું નેતૃત્વ કરવા મળ્યું, તેઓ અંગ્રેજરાજમાં બટાલિયનનું નેતૃત્વ કરનારા પ્રથમ ભારતીય હતા. આઝાદીના દિવસો ગણાઈ રહ્યા હતા તેમ સૈન્યના વધુ ઊંચાં પદ તેમને સોંપાતાં ગયાં. 1945માં તેઓ બ્રિગેડિયરના પદે આવ્યા અને તે વર્ષે જ્યારે તેઓને વઝિરિસ્તાનમાં બન્નુ ફ્રન્ટિયર બ્રિગેડના કમાન્ડર તરીકે મોકલવામાં આવ્યા ત્યારે પાકિસ્તાનના બીજા રાષ્ટ્રપતિ પદે બિરાજનારા અયુબ ખાને તેમના હાથ નીચે સેવા બજાવી હતી! અહીંયા તેમનું અસાઇન્મેન્ટ સ્થાનિક કબીલાઓની ગતિવધિઓ પર અંકુશ મેળવવાનું હતું, પરંતુ અગાઉના કમાન્ડરે તે માટે બળપ્રયોગ કર્યો હતો, જ્યારે કરીઅપ્પાએ મિત્રતાભર્યું વલણ દાખવીને કબીલાઓને શાંત પાડ્યા હતા. ઇવન, તે વેળાએ જવાહરલાલ નેહરુ તે ક્ષેત્રની આસપાસ પ્રવાસે હતા, તેમણે જોયું કે જ્યાં સુધી કરીઅપ્પાનું ક્ષેત્ર હતું ત્યાં સ્થાનિકો કબીલાઓ શાંતિથી વર્તી રહ્યા હતા. બીજી જગ્યાએ તેવી સ્થિતિ નહોતી. નેહરુ તે વખતે કરીઅપ્પાથી ખૂબ પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત જ્યારે સુભાષચંદ્ર બોઝની આગેવાનીમાં તૈયાર થયેલી ‘ઇન્ડિયન નેશનલ આર્મી’ના જવાનોને કેદ કરવામાં આવ્યા અને તેમની સ્થિતિ જેલવાસ દરમિયાન બદતર હતી, ત્યારે તેમને તત્કાલ સુવિધા આપવાનો હુકમ કરીઅપ્પાએ જ આપ્યો હતો. તેઓની માનભેર મુક્તિ માટે કરીઅપ્પાએ પહેલ કરી હતી.

આઝાદી વખતે તેમના ભાગે એક વધુ જવાબદારીભર્યું કામ આવ્યું અને તે અંગ્રેજોના તાબા હેઠળના સૈન્યને ભારત અને પાકિસ્તાન એમ બે દેશોમાં ભાગ પાડવાનું. કરીઅપ્પાની આ ગાળા દરમિયાન એ ચિંતા ખૂબ રહી કે સૈન્યના ભાગલાની ભારત-પાકિસ્તાન સૈન્ય પર કાયમી નકારાત્મક અસર રહેશે પરંતુ આ ટાળી ન શકાય તેવું કાર્ય છેવટે તેમના હાથે જ થયું. કરીઅપ્પાની આગેવાની અંતર્ગત બે દેશોના સૈન્યની સંપત્તિની વહેંચણી થઈ. આ પછી પાકિસ્તાન સાથે થયેલાં કાશ્મીર મુદ્દાના સંઘર્ષમાં પણ કરીઅપ્પાની ભૂમિકા અગત્યની બની રહી. 1948માં જુલાઈ મહિનામાં કાશ્મીર ખીણના ક્ષેત્રમાં જ્યારે સરકાર દ્વારા ઓપરેશન કરવાની મનાઈ ફરમાવવામાં આવી ત્યારે કરીઅપ્પાએ આ વિસ્તારને બચાવવા સરકારના હુકમની અવગણના કરી ઓપરેશન કર્યું અને ભારતના અનેક વિસ્તારો કાયમ માટે સુરક્ષિત કર્યા.

15 જાન્યુઆરી 1949ના રોજ કરીઅપ્પા ભારતીય સૈન્યના કમાન્ડર ઇન-ચીફ બન્યા. જો કે સૈન્યની અતિ વ્યસ્ત કારકિર્દીને કારણે તેમનું અંગત જીવન ડામાડોળ થયું હતું. તેઓ પત્ની મુથુ મચીઆ પાસેથી વિવિધત રીતે ડિવોર્સ લીધા વિના અલગ થયા. જો કે કરીઅપ્પા ને મુથુનાં બે બાળકો છે, દીકરી નલિની અને દીકરો નંદા. દીકરો ઇન્ડિયન એર ફોર્સમાં જોઇન થયો અને એર માર્શલના પદ સુધી પહોંચ્યો. 1953માં સૈન્યમાંથી નિવૃત્તિ લીધા બાદ કરીઅપ્પાએ ન્યૂઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં રાજદૂત તરીકે સેવા આપી. તેઓને અમેરિકા અને બ્રિટિશ સરકાર દ્વારા સૈન્યના ઉચ્ચતમ સન્માન પણ આપવામાં આવ્યાં. કરીઅપ્પા અંગેની એક અગત્યની ઘટના અહીં નોંધવી રહી. 1965ના યુદ્ધ દરમિયાન કે. એમ. કરીઅપ્પાનો દીકરો જ્યારે પાકિસ્તાન સૈન્ય દ્વારા કેદ થયો અને પાકિસ્તાન સરકારે જાણ્યું કે તે ભારતના પ્રથમ કમાન્ડર ઇન ચીફનો દીકરો છે ત્યારે તત્કાલિન પાકિસ્તાન સૈન્યના જનરલ અયુબ ખાને રેડિયો પર એવી જાહેરાત કરી કે કરીઅપ્પાનો દીકરો અમારી કસ્ટડીમાં છે અને જુનિયર કરીઅપ્પા હોવાના નાતે અમે તેની મુક્તિની જાહેરાત કરીએ છીએ. જો કે કરીઅપ્પાએ અયુબ ખાનની ઓફર એમ કહીને ઠુકરાવી કે પાકિસ્તાનની જેલમાં બંધ તમામ ભારતીય સૈનિક મારા દીકરા છે એટલે પછી કરીઅપ્પાના દીકરાની મુક્તિ વર્ષો બાદ પાકિસ્તાનની જેલોમાં બંધ અન્ય ભારતીય કેદીઓ સાથે જ થઈ હતી.

To Top