National

પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરી કેમ? તેની પાછળ વર્ષો જૂનો ઇતિહાસ છે.

ભારતનો સ્વાતંત્ર્ય દિન 15 ઓગસ્ટ ભારતના રાજનેતાઓએ પસંદ કર્યો ન હતો. લોર્ડ માઉન્ટબેટને આ દિવસ ભારતનાં લોકો પર લાદી દીધો હતો કારણ કે દ્વિતીય વિશ્વ યુદ્ધમાં તે દિવસે જાપાને શરણાગતિ સ્વીકારી હતી. તેની વિરુદ્ધમાં, પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરી ભારતનાં લોકોની પસંદગી હતી. તેની પાછળ વર્ષો જૂનો ઇતિહાસ છે.

ડિસેમ્બર 1929માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે જવાહરલાલ નહેરુની પસંદગી થઇ હતી. તે સમયે ‘પૂર્ણ સ્વરાજ’ ઠરાવ પસાર કરાયેલ હતો. બ્રિટિશ તાજે ભારતનાં લોકોને માત્ર સ્વાતંત્ર્યથી વંચિત કર્યા ન હતા પરંતુ ભારતનાં લોકોનું આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક શોષણ કરેલ હતું. 150 શબ્દોના આ ઠરાવમાં જણાવાયેલ કે ભારતનાં લોકોને આ શોષણથી મુકત કરાવવા પૂર્ણ સ્વરાજથી ઓછું કાંઇ ન ખપે. કોંગ્રેસે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં જાહેર કરેલ કે અમે દયા નહીં, ન્યાય માગીએ છીએ. 26 જાન્યુઆરી 1930 ના રોજ મધ્યરાત્રિએ નેહરુએ સ્વરાજનો ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. કોંગ્રેસે તે દિવસ સ્વાતંત્ર્ય દિવસ દેશભરમાં ઉજવવા હાકલ કરી હતી. ત્રિરંગો ધ્વજ ફરકાવવા ઉપરાંત, ચરખો કાંતવો, અસ્પૃશ્યોની સેવા તેમ જ હિંદુ-મુસલમાનોના મેળાવડા યોજી સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઉજવવા અપીલ કરી હતી. લોકોએ સ્વયંભૂ અને કોઇ પણ જાતનાં વકતવ્યો વગર ઠેરઠેર પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞા લીધી હતી.

1930 ના આ 26 જાન્યુઆરી બાદ દર વર્ષે 26 જાન્યુઆરી સ્વાતંત્ર્ય દિન તરીકે દેશમાં ઉજવાતો હતો. તે સમયે ભારત પરતંત્ર હતું અને આઝાદી મેળવવાની બાકી હતી. છતાં દેશનો આ માહોલ હતો. બ્રિટિશરોની હકૂમતનો 15 ઓગસ્ટ 1947 ના રોજ અંત આવ્યો તેના 894 બાદ આ દિવસ પ્રજાસત્તાક દિન તરીકે પસંદ કરાયો હતો. 26 જાન્યુઆરી 1950 ના રોજ સરદાર પટેલે પોતાના ભાષણમાં કહ્યું ‘પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞા બાદ બરાબર ૨૦ વર્ષે આ દિવસ આવ્યો છે. આપણે ભલે 15 ઓગસ્ટ 1947 ના રોજ આઝાદ થયા પરંતુ આપણે લીધેલ પ્રતિજ્ઞાના અર્થમાં તે પૂર્ણ સ્વરાજ ન હતું. આજે તે પ્રતિજ્ઞા પૂરી થઇ છે.

26 જાન્યુઆરી 1950 સવારે 10 કલાક 18 મિનિટે ભારતને સાર્વભૌમ, લોકશાહી અને પ્રજાસત્તાક રાજય, રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં યોજાયેલ ભવ્ય સમારંભમાં જાહેર કરાયેલ. તેની 6 મિનિટ બાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ડૉ. રાજેન્દ્રપ્રસાદની શપથવિધિ યોજાઇ હતી. નિવૃત્ત થતાં ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીએ ભારતને પ્રજાસત્તાક રાજય તરીકે જાહેર કરેલ અને જણાવેલ કે ભારત સંઘ અને તેનાં રાજયો બંધારણની જોગવાઇઓ અનુસાર શાસન કરશે. તે સમયે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ મહેમાન હતા. રાષ્ટ્રપતિ ખાસ શણગારેલ બગીમાં ત્યાંથી ઇરવીન સ્ટેડિયમ (હાલે ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ) બપોરે ૩-૪૫ કલાકે હંકારી ગયા હતા. ત્યાં સૈન્યની ત્રણે પાંખના વડાઓ અને ૩૦૦૦ સૈનિકો હાજર હતા. આ લશ્કરી પરેડ 15000 લોકોએ નિહાળી હતી.

1951 થી આ લશ્કરી પરેડ રાજપથ પર યોજાય છે. 1953 ના વર્ષથી નહેરુએ આ પરેડમાં પ્રદર્શનો અને સાંસ્કૃતિ કાર્યક્રમોના ટેબ્લોઝ દાખલ કરાવ્યા. આ પરેડ સંપૂર્ણપણે સંરક્ષણ મંત્રાલયના અંકુશ હેઠળ રહે છે.ડિસેમ્બર 1949માં સરકારે એક હુકમ પ્રગટ કરી તમામ સરકારી ઇમારતો પરથી બ્રિટિશ તાજની નિશાનીઓ હટાવી, 26 જાન્યુઆરી 1950 ના રોજ અશોકચક્રથી સુશોભિત કરવા હુકમ કરેલ હતો. 15 ઓગસ્ટ 1947 સ્વાતંત્ર્ય દિન તરીકે આપણે ઉજવી રહ્યા છીએ પરંતુ લોકશાહી, સાર્વભોમ અને પ્રજાસત્તાક રાજય તરીકે આપણે 26 જાન્યુઆરી 1950ના રોજ સ્થાપિત થયા છીએ.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top