SURAT

સુરતના આ વિસ્તારમાં રિનોવેશન દરમિયાન તોપનો જથ્થો મળ્યો, અધધ આટલી તોપો મળી આવી

સુરત: (Surat) સુરત ઐતિહાસિક ઘરોહરોનું શહેર છે. શહેરના ખુણે ખુણે ઇતિહાસ (History) ધરબાયેલો પડયો છે. ખાસ કરીને સુરત મોગલો અને બાદમાં અંગ્રેજો માટે પણ વ્યાપારની દ્રષ્ટીએ મહત્વનું શહેર હોવાથી અહી યુદ્ધ માટે કાયમ જરૂરી શસ્ત્રસરંજામના ભંડારો ખડકાયેલા રહેતા હતા. કહેવાય છે કે, સુરતના કોટ પર ઠેક ઠેકાણે તોપ તૈનાત કરાઇ હતી જેની સંખ્યા સેંકડોમાં હતી, તેથી જ અવાર નવાર શહેરના કોઇને કોઇ ખુણે ખોદકામ થાય ત્યારે તોપ (Cannons) મળી આવે છે. આવુ જ હવે વરાછા ઝોનમાં સમાવિષ્ટ મનપાના દબાણ ડેપોમાં થયું છે. અહી દબાણ ડેપોના રીનોવેશન દરમિયાન 17 તોપ મળી આવતા કુતુહલ ફેલાયું હતું.

વિસ્તૃત વિગતો મુજબ વરાછા ઝોનમાં બોમ્બે માર્કેટ નજીક મનપાનો દબાણ ડેપો છે. આ ડેપોનું રીનોવેશનનું કામ હાલ ચાલી રહયું છે. ત્યારે મનપા દ્વારા જપ્તકરાયેલી લારીઓ અને અન્ય સામાનનો કાટમાળ ઉઠાવાઇ રહયો હતો ત્યારે જમીનમાં અર્ધી દટાયેલી અવસ્થામાં 14 જેટલી તોપ મળી આવતા વરાછા ઝોનનું તંત્ર પણ ચોંકી ઉઠયું હતું. અને મનપાના હેરીટેઝ વિભાગને જાણ કરીને આ તોપ યોગ્ય જગ્યાએ મુકવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, સુરત શહેરના ભવ્ય ઇતિહાસ વિશે સૌ કોઈ વાકેફ છે. સદીઓ અંગ્રેજો-મુઘલો સુરત શહેરમાં આક્રાંતા તરીકે રહ્યા હોવાથી આજે પણ ઐતિહાસિક વસ્તુઓ મળી રહે છે. આજે પણ અનેક પુરાતત્વ વિભાગ માટે સંશોધન કરી શકાય તેવી ચીજવસ્તુઓ અને ઇમારતો સુરત શહેરમાં જોવા મળે છે. આપણો વારસો અન્ય દેશમાંથી લાવવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સુરતમાં બિનવારસી હાલતમાં ઐતિહાસિક તોપ મળી આવી છે. જેને લઈ અનેક સવાલો સામે આવી રહ્યા છે.

મનપાની ઐતિહાસિક ધરોહરો બાબતે નિષ્કાળજી છતી થઇ
સુરતની જૂની બોમ્બે માર્કેટ નજીક આવેલા મહાનગરપાલિકાના દબાણ ડેપોમાંથી 17 જેટલી બિનવારસી ઐતિહાસિક તોપ મળી હાલ રીનોવેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ તોપ બનીવારસી હાલતમાં અડધી દટાયેલી અને કાટ ખાઇ રહેલી સ્થિતીમાં હતી, જણાકારોના મત મુજબ દોઢેક દાયકા પહેલા કોઇ જગ્યાએથી ખોદકામ દરમિયાન આ તોપો મળી આવી હતી. અને ત્યારબાદ આ તોપના જથ્થાને દબાણ ખાતાના પ્લોટમાં મુકયા બાદ તંત્રવાહકો તેને ભુલી ગયા હતા બાદમાં દબાણ ખાતા દ્વારા જપ્ત કરાતો સામાન તેના પર નંખાતો ગયો અને તોપ દટાઇ ગઇ હવે ઓફિસના રીનોવેશનના કામમાં ખોદકામ દરમિયાન તોપ મળી આવતા મનપાના તંત્રની ઐતિહાસિક ધરોહરો બાબતે નિષ્કાળજી પણ છતી થઇ છે.

Most Popular

To Top