World

G20 Summit 2023: પર્યાવરણ અને આબોહવા માટે સેટેલાઇટ મિશન શરૂ કરવાનો PM મોદીનો પ્રસ્તાવ

નવી દિલ્હી: (New Delhi) વડાપ્રધાન મોદીએ (PM Modi) G20 સમિટમાં કહ્યું કે અમે વૈશ્વિક બાયોફ્યુઅલ એલાયન્સ બનાવી રહ્યા છીએ અને ભારત તમને આ પહેલમાં જોડાવા માટે આમંત્રિત કરે છે. ભારતે પર્યાવરણ અને આબોહવા નિરીક્ષણ માટે G20 સેટેલાઇટ મિશન (Satellite Mission) લોન્ચ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

વિશ્વના ટોચના નેતાઓએ આબોહવા મોરચે લડવા સહિત વિશ્વની સામેના વિવિધ પડકારોનો સામનો કરવાની તાત્કાલિક જરૂરિયાત માટે હાકલ કરી હતી. બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે નાણાકીય કટોકટી પછી વૈશ્વિક વૃદ્ધિ પુનઃસ્થાપિત કરવા માટે G20 નેતાઓ પ્રથમ વખત 15 વર્ષ પહેલાં એકસાથે આવ્યા હતા. અમે હવે મોટા પડકારના સમયમાં મળીએ છીએ. વિશ્વ ફરી એકવાર નેતૃત્વ પ્રદાન કરવા માટે G20 તરફ જોઈ રહ્યું છે. હું માનું છું કે આપણે સાથે મળીને આ પડકારોનો સામનો કરી શકીશું.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ જણાવ્યું હતું કે તેમના દેશના G20 પ્રમુખપદ દરમિયાન ક્લાઇમેટ ચેન્જ સામે વૈશ્વિક અભિયાન માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. ગ્રહનું ટકાઉપણું, સંતુલિત આબોહવાના એજન્ડા સાથે અમે 2025માં ‘COP 30’ સુધી પહોંચવા માંગીએ છીએ.

G20 સમિટ 2023 નવી દિલ્હીમાં યોજાઈ રહી છે. 19 દેશો અને યુરોપિયન યુનિયનના નેતાઓ અહીં વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી G20ની સાથે 20 અન્ય બેઠકો પણ કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સહિત ઘણા નેતાઓ જી-20 સમિટમાં ભાગ લેવા આવ્યા છે. G20 સમિટમાં ચીનને નજરઅંદાજ કરવાની તૈયારીઓ થઈ રહી છે. પીએમ મોદી રવિવાર સુધી જે નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી રહ્યા છે તેમાં ચીનના વડાપ્રધાન લી ક્વીંગ સામેલ નથી.

G-20 સમિટનું બીજું સત્ર ચાલુ છે. આ દરમિયાન નેતાઓના ઘોષણાપત્ર પર સહમતિ બની છે. નવી દિલ્હીમાં G-20નો સંયુક્ત ઢંઢેરો બહાર પાડવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આના પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે અમારી ટીમની મહેનત રંગ લાવી છે.

બીજી તરફ આફ્રિકન યુનિયન શનિવારે ભારતની G20 અધ્યક્ષતા હેઠળ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોના જૂથનું કાયમી સભ્ય બની ગયું છે. 1999 માં G20 ની સ્થાપના થઈ ત્યારથી આ જૂથનું પ્રથમ વિસ્તરણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસીય G20 સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરતા 55 દેશોના આફ્રિકન યુનિયનને નવા સભ્ય તરીકે સામેલ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને તમામ સભ્ય દેશોએ સ્વીકારી લીધો હતો.

બીજી તરફ વડાપ્રધાન મોદીએ શનિવારે સવારે ભારત મંડપમ ખાતે સવારે 9.20 થી 10.37 સુધી વિશ્વભરના વિદેશી મહેમાનોને મળીને પોતાને અને ભારતને એક અલગ સ્થાન પર બિરાજમાન કર્યું. વિદેશી બાબતોના નિષ્ણાતોનું કહેવું છે કે તેમના 77 મિનિટના સ્વાગત સમારોહમાં વડા પ્રધાને G20માં ભાગ લેનારા નેતાઓને હાથ જોડીને ન માત્ર અભિવાદન કર્યું હતું પરંતુ તેમની બોડી લેંગ્વેજ દ્વારા સમગ્ર વિશ્વને એક મોટો સંદેશ પણ આપ્યો હતો. બોડી લેંગ્વેજ એક્સપર્ટ્સ પણ માને છે કે વડાપ્રધાનના 77 મિનિટના સ્વાગતને કારણે વિશ્વની લગભગ 80 ટકા વસ્તીમાં ભારતની એક અલગ છબી ઉભી થઈ હતી.

Most Popular

To Top