ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાઓના આયોજન અંગે ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે સમીક્ષા હાથ ધરાઈ હતી. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે રાજ્યના વિદ્યાર્થીઓ ભયમુક્ત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ધોરણ 10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2026 દરમિયાન યોજાશે, જેમાં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ જ સમયગાળા દરમિયાન ધોરણ 12 સામાન્ય પ્રવાહના 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન યોજાશે, જેમાં 1.19 લાખથી વધુ વિદ્યાર્થીઓ સામેલ થશે. ઉપરાંત 1.35 લાખથી વધુ વિદ્યાર્થીઓ ગુજકેટ-2026 પરીક્ષા આપશે. આમ કુલ મળી 15.27 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેશે.
રાજ્યમાં બોર્ડ પરીક્ષા માટે 146 ઝોન, 1,701 કેન્દ્રો, 5,565 બિલ્ડિંગ અને 53,764 બ્લોક ગોઠવવામાં આવ્યા છે.
ગુજકેટ-2026ની 34 ઝોન, 34 કેન્દ્રો, 658 બિલ્ડિંગ અને 6,803 બ્લોકમાં પરીક્ષા યોજાશે.
બેઠક દરમિયાન જિલ્લાવાર સમીક્ષા કરાઈ હતી. ખાસ કરીને પ્રશ્નપત્રોના સ્ટ્રોંગરૂમ પર હથિયારધારી પોલીસ બંદોબસ્ત, કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા, જાહેરનામાની પ્રસિદ્ધિ, એસ.ટી. બસોના રૂટની ગોઠવણી તેમજ અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાએ સંવેદનશીલ જિલ્લાઓ અને કેન્દ્રોમાં વિશેષ તકેદારી રાખવા, મેટલ ડિટેક્ટર મશીન ગોઠવવા તેમજ દરેક પરીક્ષા કેન્દ્ર પર ‘ફર્સ્ટ એઇડ’ ટીમ સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી. વિદ્યાર્થીઓ નિર્ભય અને અનુકૂળ વાતાવરણમાં પરીક્ષા આપે તેવી વ્યવસ્થા કરવા ભાર મૂકાયો હતો.