ગાંધીનગર,તા.12
પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 1 ઓક્ટોબર, 2021થી અમલમાં આવેલી AMRUT 2.0 યોજનાનો ગુજરાતમાં હરિત પ્રભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. શહેરોને ‘વૉટર સિક્યોર’ અને આત્મનિર્ભર બનાવવાના ધ્યેય સાથે જળસ્ત્રોતોના પુનર્જીવન, નોન-રેવેન્યુ વોટર (NRW)માં ઘટાડો અને શુદ્ધ ગંદા પાણીના પુનઃઉપયોગ સાથે—હવે નગરપાલિકા વિસ્તારોમાં ગ્રીન સ્પેસના વિકાસ પર પણ જોર આપવામાં આવી રહ્યું છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ₹117.56 કરોડના ખર્ચે કુલ 131 બગીચાઓ વિકસિત કરવાનો લક્ષ્યાંક નક્કી થયો છે. જેમાંથી 70 બગીચાઓનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે 61 બગીચાઓનું કાર્ય પ્રગતિમાં છે. આ પહેલથી શહેરી હવાની ગુણવત્તામાં સુધારો, હરિત આવરણનો વિસ્તરણ અને સમુદાયકેન્દ્રિત શહેરી વાતાવરણનું નિર્માણ થવાનું લક્ષ્ય છે.
લાઠી નગરપાલિકામાં બંજર બનેલું ભવાની ગાર્ડન હવે હરિયાળું નંદનવન બની ગયું છે. ₹1.26 કરોડના ખર્ચે 10,936.35 ચો.મી. વિસ્તારમાં પુનઃવિકાસ કરાયેલા આ બગીચામાં દેશી પ્રજાતિના વૃક્ષો, વૉકવે, ખુલ્લો લોન, બાળકો માટે પ્લે એરિયા, ઓપન જિમ, યોગ અને નોલેજ સેન્ટર જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. બગીચાના મધ્યમાં શ્વેત અશ્વોના આકર્ષક ફાઉન્ટેન સ્કલ્પચરે સૌંદર્યમાં વધારો કર્યો છે. પક્ષીઓ માટે કુદરતી નિવાસસ્થાન ઉભું થાય તે રીતે વાવેતર અને ડિઝાઇન કરવામાં આવી છે.
પાલનપુર નગરપાલિકામાં ₹2.25 કરોડના ખર્ચે 10,000 ચો.મી. વિસ્તારમાં કૈલાસવાટિકા ગાર્ડનનો પુનઃવિકાસ થયો છે. અહીં બાળકો માટે રમવાના સાધનો, દીવ્યાંગો માટે વિશિષ્ટ સુવિધાઓ, ગઝેબો અને બેઠક વ્યવસ્થા જેવી સુવિધાઓ ઉમેરાઈ છે. કૈલાસવાટિકા હવે શહેરીજનો માટે આરામ અને મનોરંજનનું કેન્દ્ર બની છે.
AMRUT 2.0 હેઠળ ઉભા થનારા આવા બાગ-બગીચાઓ સ્થાનિક જૈવવિવિધતાને ટેકો આપે છે, ઓછા પાણી અને જાળવણીમાં ટકાઉ રહે છે અને ગીચ શહેરોમાં પર્યાવરણનું સંતુલન જાળવે છે.એકંદરે, અમૃત 2.0 દ્વારા ગુજરાતના નગરોમાં હરિત વિસ્તારોનો વ્યાપ વધતા શહેરી જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થઈ રહ્યો છે—શહેરો વધુ ટકાઉ, સ્થિતિસ્થાપક અને સુખાકારી તરફ આગળ વધી રહ્યા છે.