Gujarat

અમદાવાદના વસ્ત્રાપુરમાં બિલ્ડિંગમાં ભીષણ આગ

અમદાવાદ: અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ITC નર્મદાની બાજુમાં આવેલી શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં બપોરના સમયે અચાનક ભીષણ આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. ફાયર વિભાગ દ્વારા આગના કારણે બિલ્ડિંગના 8મા અને 9મા માળે ફસાયેલા 100થી વધુ લોકોને રેસ્કયુ કરાયા હતા.

ધુમાડાના કારણે ચારથી પાંચ લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નહતી.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ વસ્ત્રાપુર વિસ્તારમાં આઈટીસી નર્મદાની બાજુમાં આવેલી શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં બપોરના સમયે આગ લાગી હતી, જેના પગલે બિલ્ડીંગમાં નાસભાગ ગઈ હતી. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડેનો થતાં 8થી 10 ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, પ્રહલાદનગર અને મણિનગર ફાયર સ્ટેશનની ટીમોએ સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં 25થી વધુ ફાયરકર્મીઓએ ભારે મહેનત બાદ બિલ્ડિંગમાં ફસાયેલા 100થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

આગના ધુમાડાના કારણે લોકો જીવ બચાવવા બિલ્ડિંગના ધાબા પર પહોંચી ગયા હતા. ફાયર ટીમે સ્નોર્કલની મદદથી 100થી વધુ લોકોનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. આગ લાગવાનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Most Popular

To Top