Gujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલ અંગદાન ક્ષેત્રે દેશભરમાં અગ્રેસરછેલ્લા છ વર્ષમાં 240 દાતાઓ દ્વારા 1032 અંગો અને પેશીઓનું દાન

અમદાવાદ,તા.15
અમદાવાદની સિવિલ હોસ્પિટલ આજે અંગદાન ક્ષેત્રે સમગ્ર દેશમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી રહી છે. સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં મહેસાણાના 29 વર્ષીય બ્રેઈનડેડ યુવકના પરિવારે અંગદાનનો નિર્ણય લઈને ત્રણ દર્દીઓને નવજીવન આપ્યું છે.

માહિતી મુજબ મહેસાણા જિલ્લાના વતની અને વ્યવસાયે ડ્રાઈવર ધર્મેન્દ્ર દરબારને ગત 4 મે, 2026ના રોજ કડી નજીક માર્ગ અકસ્માત નડ્યો હતો. ગંભીર ઈજાઓને કારણે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મેડિસિન વિભાગના ડૉ. જીતુ પરીખ અને તેમની ટીમ દ્વારા સતત સારવાર આપવામાં આવી હતી, પરંતુ તમામ પ્રયાસો છતાં 14 મેના રોજ તેમને ‘બ્રેઈન ડેડ’ જાહેર કરવામાં આવ્યા હતા.આ કપરા સમયમાં જાગૃત નાગરિક પી.એસ. પટેલ તેમજ પરિવારજનો મહેન્દ્રભાઈ ઝાલા અને લાલસિંહ ઝાલાની સમજાવટ બાદ ધર્મેન્દ્રભાઈના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપી હતી. તેમના દ્વારા એક લીવર અને બે કિડનીનું દાન કરવામાં આવ્યું, જેના કારણે ત્રણ ગંભીર દર્દીઓને નવજીવન મળવાનું શક્ય બન્યું છે.

સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા છ વર્ષ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં કુલ 240 અંગદાતાઓ દ્વારા 794 અંગોનું દાન પ્રાપ્ત થયું છે. ઉપરાંત 194 ચક્ષુદાન અને 44 સ્કિન દાન સહિત કુલ 238 પેશીઓનું દાન મળ્યું છે. આમ, કુલ 1032 અંગો અને પેશીઓના દાન દ્વારા અનેક પરિવારોમાં નવી આશા અને ખુશીઓ લાવવામાં સિવિલ હોસ્પિટલ નિમિત્ત બની છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં હોસ્પિટલમાં 443 કિડની, 214 લીવર, 76 હૃદય, 34 ફેફસાં, 19 સ્વાદુપિંડ, 6 હાથ અને 2 નાના આંતરડાના દાન પ્રાપ્ત થયા છે. આ અંગદાનના માધ્યમથી અનેક દર્દીઓને નવું જીવન મળ્યું છે અને સમાજમાં અંગદાન પ્રત્યે જાગૃતિ પણ વધી રહી છે.સિવિલ હોસ્પિટલ દ્વારા અંગદાન ક્ષેત્રે કરવામાં આવી રહેલી કામગીરી આજે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બની રહી છે.

Most Popular

To Top