ગાંધીનગર,તા.15
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના સાનિધ્યમાં ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-2 ખાતે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રતિનિધિઓ તથા વિવિધ વર્ગના આરોગ્ય કર્મચારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ખાતાકીય પરીક્ષા, ઉચ્ચત્તર પગાર ધોરણ, પંચાયત હસ્તકના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરના પ્રશ્નો સહિત વિવિધ માંગણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આરોગ્ય મંત્રીએ કર્મચારીઓની રજૂઆતો સંવેદનશીલતા અને સહાનુભૂતિપૂર્વક સાંભળી કર્મચારીહિતને કેન્દ્રસ્થાને રાખી યોગ્ય અને હકારાત્મક નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓ માત્ર કર્મચારી નહીં પરંતુ જનસેવાના પવિત્ર કાર્યમાં જોડાયેલા આરોગ્ય વ્યવસ્થાના મજબૂત આધારસ્તંભ છે અને તેમના હિતોના રક્ષણ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
આ ઉપરાંત આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મહિસાગર જિલ્લાના કોયડમ ખાતે આવેલી ધન્વંતરી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ સંબંધિત મુદ્દે પણ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. NCISM દ્વારા કોલેજમાં વિવિધ શૈક્ષણિક અને પ્રાયોગિક ખામીઓ નોંધાયા બાદ વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખી જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
નિરીક્ષણ દરમિયાન હોસ્પિટલમાં દર્દીઓની હાજરી, સ્ટાફની ઉપલબ્ધતા, લાઇબ્રેરી અને પ્રયોગશાળાઓ સહિતની સુવિધાઓમાં ખામીઓ સામે આવી હતી. વિદ્યાર્થીઓના અભ્યાસ અને ભવિષ્ય પર કોઈ પ્રતિકૂળ અસર ન પડે તે માટે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને અન્ય માન્ય કોલેજોમાં સમાવવામાં આવે તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.આરોગ્ય મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. રાજ્ય સરકાર દરેક વિદ્યાર્થીને ગુણવત્તાસભર શિક્ષણ અને યોગ્ય સુવિધાઓ મળે તે માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.”