Gujarat

વિડીયો કોન્ફરન્સિંગ, EV વાહનો અને સાદગીભર્યા સરકારી કાર્યક્રમો પર ભાર

ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કરેલી કરકસર અને સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગની અપીલને અનુસરી ગુજરાત સરકારે મહત્ત્વત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સરકારી ખર્ચમાં ઘટાડો, ઈંધણ બચત અને પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખી નવી માર્ગદર્શિકા અમલમાં મુકવામાં આવી છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ હવે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ માત્ર જરૂરી હોય ત્યારે જ પ્રવાસ કરવાના રહેશે. વિડીયો કોન્ફરન્સિંગ, ટેલિફોન અને ઈ-મેઈલ જેવા ડિજિટલ માધ્યમોનો વધુમાં વધુ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા બહારની મુસાફરી અને પ્રત્યક્ષ બેઠકોને શક્ય હોય ત્યાં સુધી ટાળવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે અન્ય રાજ્યો અથવા કેન્દ્ર સરકાર સાથેની બેઠકોમાં પણ શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન માધ્યમથી જોડાવું રહેશે. અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ, તાલીમ, પરિસંવાદો અને કોન્ફરન્સમાં ભાગ લેવા પર પણ મર્યાદા મુકવામાં આવી છે.

સરકારી વાહનોના ઉપયોગમાં પણ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. એકથી વધુ હવાલો ધરાવતા અધિકારીઓએ વધારાના વાહનો ‘સરકારી વાહન પુલ’માં જમા કરાવવા પડશે. સાથે જ જ્યાં ઈલેક્ટ્રિક વાહન (EV) અથવા હાઈબ્રિડ વાહન ઉપલબ્ધ હોય ત્યાં તેનો જ ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. અધિકારીઓ અને કર્મચારીઓને ખાનગી વાહનોની જગ્યાએ મેટ્રો, એસ.ટી. બસ અને રેલવે જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
જાહેર સુવિધાને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેનનો સમય હવે રાત્રે 11 વાગ્યા સુધી લંબાવવાનો પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, તમામ સરકારી સંસ્થાઓમાં સ્વદેશી ચીજવસ્તુઓ, સ્થાનિક ઉત્પાદનો અને MSME એકમોને પ્રાધાન્ય આપતી ખરીદી નીતિને વધુ મજબૂત બનાવાશે. સરકારે તમામ સરકારી કાર્યક્રમો સાદગીપૂર્વક યોજવા અને લોકાર્પણ જેવા કાર્યક્રમોમાં વર્ચ્યુઅલ પદ્ધતિ અપનાવવા સૂચના આપી છે. આગામી છ મહિનામાં તમામ સરકારી કેન્ટીનોમાં PNG ગેસ કનેક્શન ફરજિયાત બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. કેબિનેટ પ્રવક્તા જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી હતી કે હાલ રાજ્ય સરકારે ‘વર્ક ફ્રોમ હોમ’ અંગે કોઈ સર્વસામાન્ય નિર્ણય લીધો નથી. જોકે, પરિસ્થિતિ પ્રમાણે સંબંધિત વિભાગના વડા જરૂરી નિર્ણય લઈ શકશે.

Most Popular

To Top