Gujarat

કોંગ્રેસમાં આંતરિક ‘ભૂકંપ’: ભરૂચમાં મુમતાઝ પટેલ નારાજ, તો અમદાવાદમાં શૈલેષ પરમારે કબૂલી સંગઠનની નબળાઈ !

ગાંધીનગર,તા.16

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદાનમાં એક તરફ ભાજપ બિનહરીફ બેઠકો સાથે મજબૂત બની રહી છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને સંગઠનની નબળાઈઓ સપાટી પર આવી રહી છે. ભરૂચમાં કોંગ્રેસ અગ્રણી મુમતાઝ પટેલની એક પોસ્ટ અને અમદાવાદમાં કોંગી વિધાનસભા પક્ષના ઉપનેતા શૈલેષ પરમારના એકરારથી રાજકારણ ગરમાયું છે.

ભરૂચ: “એકજૂટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી” – મુમતાઝ પટેલ

કોંગ્રેસના પીઢ દિવંગત નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી એક પોસ્ટે ભરૂચ કોંગ્રેસમાં ખળભળાટ મચાવી દીધો છે. પ્રચાર માટે આમંત્રણ મળ્યા બાદ તેમણે પાર્ટીને સ્પષ્ટ અને કડવો સંદેશ આપ્યો છે.

  • કડવું સત્ય: મુમતાઝ પટેલે લખ્યું હતું કે, “એકજૂટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી. પહેલા આંતરિક ગોઠવણી કરીને એક થવું પડશે, નહીં તો પ્રચાર ફક્ત ઔપચારિકતા બની રહેશે.”
  • જીતનો મંત્ર: તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જો ચૂંટણી જીતવી હોય તો પહેલા પાર્ટીએ અંદરોઅંદરના મતભેદો દૂર કરી પોતાની જાતને મજબૂત કરવી પડશે.
  • રાજકીય સંકેત: ભરૂચમાં બેઠકોની વહેંચણી અને સ્થાનિક નેતૃત્વ વચ્ચે ચાલી રહેલા વિવાદોને મુમતાઝની આ પોસ્ટે ખુલ્લા પાડી દીધા છે.

અમદાવાદ – સંગઠનની ક્ષતિઓને કારણે મેન્ડેટમાં લોચો !

બીજી તરફ, અમદાવાદના ધારાસભ્ય અને વિધાનસભા પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે પણ કોંગ્રેસના સંગઠન સ્તરે રહેલી નબળાઈઓનો સ્વીકાર કર્યો છે.

  • આત્મમંથન: પરમારે સ્વીકાર્યું હતું કે સંગઠન સ્તરે રહેલી ખામીઓને કારણે જ કેટલીક જગ્યાએ ઉમેદવારોને સમયસર ‘મેન્ડેટ’ મળી શક્યા નથી, જે ટેકનિકલ ખામી પક્ષ માટે ભારે પડી છે.
  • ભાજપ પર પ્રહાર: જોકે, પરમારે સરકારી તંત્ર અને ભાજપ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ પોલીસ અને સરકારી તંત્રનો ઉપયોગ કરીને લોકશાહીને નુકસાન કરી રહી છે અને કોંગ્રેસના ઉમેદવારો પર દબાણ લાવી રહી છે.ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરીને કામ કરી રહ્યું છે. સરકારી તંત્ર અને પોલીસનો ઉપયોગ કરીને ઉમેદવારો પર દબાણ લાવવામાં આવી રહ્યું છે.

ચૂંટણી સમયે કોંગ્રેસ માટે કપરા ચઢાણ

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જ્યારે ભાજપ એકતરફી સત્તા કબજે કરી રહી છે, ત્યારે કોંગ્રેસના મોટા નેતાઓ દ્વારા જાહેરમાં વ્યક્ત કરવામાં આવતી નારાજગી અને સંગઠનની ખામીઓ કાર્યકરોના મનોબળને તોડી શકે છે. ભરૂચથી લઈને અમદાવાદ સુધી કોંગ્રેસ માટે આંતરિક વિખવાદ અત્યારે સૌથી મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે.

Most Popular

To Top