Gujarat Election - 2022

ગુજરાતમાં ભાજપ નહીં મોદી લડે છે !, તમે શું માનો છો?

મહેસાણાની જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ વખતે હું નહીં, અહીં સ્ટેજ પર બેઠેલા નેતાઓ કે ઉમેદવારો નહીં પણ ગુજરાતની જનતા ચૂંટણી લડી રહી છે. પણ વાસ્તવિકતા જુદી છે. સાચા અર્થમાં જોઈએ તો ગુજરાતમાં કોંગ્રેસ અને આપ સામે ભાજપ કરતાં વધુ નરેન્દ્ર મોદી લડતા હોય એવું લાગી રહ્યું છે. એવું લાગવાના કારણો એક નહીં અનેક છે. ગુજરાતમાં કોઈ પણ મોટો નિર્ણય નરેન્દ્ર મોદીને પૂછ્યા વિના લેવાતો નથી. વિજય રૂપાણીની આખીયે સરકાર બદલી નાખવામાં આવે અને એમની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલની પસંદગી થાય ત્યાંથી માંડી ઉમેદવારોની પસંદગીમાં મોદીનું ધાર્યું થાય છે. કોંગ્રેસમાં લોકશાહી નથી, ગાંધી પરિવાર કહે એમ જ થાય છે એવો આક્ષેપ ભાજપ કરતો રહે છે અને એ વાત સાચી પણ છે. અને એમ જ ભાજપમાં મોટાભાગના નિર્ણયો મોદી કહે એમ થાય છે એ વાત પણ ખોટી નથી.

ગુજરાતના ઉમેદવારોની પસંદગી માટે દરેક બેઠક પર સેન્સ લેવાનું નાટક જરૂર થાય છે પણ આખરી પસંદગી થઈ એ મુજબ સ્પષ્ટ થાય છે કે મોદી – શાહની જોડી જ આખરી નિર્ણય લે છે. આ વાત પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પણ મહોર લગાડી છે. રાજકોટ દક્ષિણ પર ખોડલધામના રમેશ ટીલાળાની પસંદગી શું બતાવે છે? અમદાવાદમાં ઉમેદવારોની પસંદગીમાં તો અમિત શાહનું પણ ચાલ્યું નથી એમ માનવામાં આવે છે.

ગુજરાતમાં નરેન્દ્ર મોદી હતા એ કાર્યકાળમાં પણ ભાજપની બેઠકો ઘટતી ચાલી છે. સૌથી વધુ 127 બેઠકો આવી અને 2017માં એ ઘટતા ઘટતા 99 થઈ ગઈ. આ કારણે તો મોદીએ ગુજરાતની ચૂંટણીનું સુકાન પોતાના હાથમાં લીધું નથી ને? કારણ કે આપ મેદાનમાં છે અને આઅ વેળાની ચૂંટણી મુશ્કેલ પણ બની છે. અને આમે ય એ વાત વાસ્તવિકતા છે કે, ભાજપને ભાજપના નામે નહીં પણ મોદીના નામે મત મળે છે. એના બે દાખલા આપી શકાય એમ છે. લોસએન્જલસમાં રહેતા ગુજરાતી બીજનેસમેન યોગી પટેલ કહે છે કે, મારે ત્યાંથી હજારો લોકો ભારત આવ્યા છે ,આવી રહ્યા છે અને એ માત્ર મોદીના કારણે. અમે ભાજપ ને નહીં પણ મોદીને માનીએ છીએ.

બીજો એક કિસ્સો  એ છે કે, રાજકોટમાં અરવિંદ કેજરીવાલનો રોડ શો હતો અને એક વાહનમાં એક પત્રકાર મહિલાઓને પૂછતાં હતા. આખરમાં એમણે પૂછ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રીણું નામ જાણો છે? એક પછી નવેક મહિલાઓને આ પ્રશ્ન પૂછાયો, બધાનો જવાબ એક જ હતો, મોદી. ભૂપેન્દ્ર પટેલનું નામ કોઈને ખબર નહોતી. મોદીએ આ હદે પોતાની ઇમેજ બનાવી છે. એક કલ્ટ પેદા કર્યો છે. તમે જોજો કે, ગુજરાત સરકારની જાહેરખબરમાં મુખ્યમંત્રી સાથે મોદીનો ફોટો તો હોય જ છે અને એ મુખ્યમંત્રીના ફોટા કરતાં મોટો હોય છે.

તમે મોદીની કોઈ પણ જાહેર સભામાં જોજો. એ આવે ત્યાં સુધીમાં મંત્રીઓ કે અન્ય નેતાઓના ભાષણો પૂરા કરી દેવામાં આવે છે. એ ગુજરાતમાં હતા ત્યારથી જ એમણે આ પદ્ધતિ શરૂ કરી હતી. હવે એ વધુ ચુસ્ત બનાવી છે. એ આવે ત્યારે માત્ર મુખ્યમંત્રીનું જ પ્રવચન બાકી રહે છે. સી આર પાટીલનું ય મહત્વ એટલું હોતું નથી. હા, અમિત શાહની સભાઓ અલગ થાય છે. જો કે, બંને સાથે નથી હોતા. ચૂંટણી જાહેર થઈ એ પહેલા અને એ પછી મોદીની સભાઓ અવિરત ચાલી રહી છે. એ થાકતા પણ નથી અને લોકોમાં એ વાત પણ ચર્ચામાં રહે છે કે, જુઓ આ એકલો માણસ લડે છે. રાજકોટથી જામનગર એક કામ માટે જતાં હતા તો ડ્રાઈવર બોલ્યો , મોદી એકલા કેટલું કરે?

મોદી કોઈને ક્રેડિટ પણ જલદી આપતા નથી. ભાજપના જ એક આગેવાનની નાની દીકરી કે ભાજપ વિષે કડકડાટ બોલે છે એને મોદી સાંભળે છે ત્યારે એ ફ્રેમમાં એ બંને સિવાય કોઈ નજરે પડતું નથી. દીકરીએ પહરેલા ખેસ પર ઓટોગ્રાફ કરવા માટે કોઈ મોબાઈલ ટેકા માટે આપે છે અને નજીક રહે છે તો મોદી તુરંત કહે છે કે, ભલે ભાઈ … પેલા ભાઈ ફ્રેમમાંથી ખસી જાય છે. આવી ઘટના એકલ દૉકલ નથી. ચૂંટણીના મુખ્ય સૂત્ર પણ એ જ નક્કી કરે છે. બધુ મોદી જ નક્કી કરે છે. મોદી પક્ષ કરતાં મોટાં થઈ ગયા છે. લાર્જર ધેન લાઈફ. અને એ વાતે ય સાચી છે કે, મોદી બ્રાન્ડ જ બજારમાં ચાલે છે.

Most Popular

To Top