Gujarat Election - 2022

ઈશુદાન ગઢવીએ ચૂંટણીમાં PM મોદી પાસે એવી શું મદદ માંગી કે લોકો ચોંકી ગયા

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીજીનાં માતુશ્રી તમને મોટે ભાગે શ્વેત વસ્ત્રોમાં જોવા મળે છે જયારે, ગુજરાતના મુખ્ય મંત્રી પદના આપના ઉમેદવાર ઈશુદાન ગઢવીનાં માતુશ્રી તમને મોટે ભાગે શ્યામ વસ્ત્રોમાં જોવા મળે છે. ઈશુદાન ગઢવીનાં પત્ની પણ અનેક વાર શ્યામ વસ્ત્રોમાં જોવા મળ્યાં છે…આમ આદમી પાર્ટીએ એક સમારંભ કરીને તેમાં પોતે ચૂંટણી જીતે તો તે બાદ કોને મુખ્યમંત્રી બનાવશે તેની જાહેરાત કરેલી અને, તેમાં ઈશુદાનનું આખું કુટુંબ સમારંભમાં હાજર હતું…ઈશુદાનનાં ભલાં-ભોળાં માતુશ્રી ચહેરા પર તે વેળા પોતાનો લાડકવાયો મુખ્યમંત્રી બની ગયો હોય તેવી ભાવરેખાઓ સ્પષ્ટ વર્તાઈ રહી હતી, તેમને ઈશુદાનનાં ઓવારણાં લઇ રહેલાં નિહાળવાંનો લ્હાવો મેં લીધો હતો.

ઘણાં એવું પણ માને છે કે, આમ આદમી પાર્ટી પોતાના તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને ઉતારવાની હતી પણ, થોડાક અરસા પહેલાં જ ગોપાલ ઇટાલિયાએ નરેન્દ્ર મોદીનાં માતુશ્રીને પોતાનું અપમાન લાગે તેવી ટીપ્પણી જાહેરમાં કરી હતી અને, લોક-લાગણી ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં ભાજપ ભણી વહી નહિ જાય તેવા હેતુથી ગોપાલ ઇટાલિયાને હમણાં બાજુ રાખવામાં આવ્યા છે ! મેં ઈશુદાનને જયારે એમ પૂછ્યું કે, આપ જીતે તો તમે મુખ્યમંત્રી હશો તો…ગોપાલ ઇટાલિયા શું હશે ? તો, પળના ય વિલંબ વગર ઈશુદાન બોલ્યા કે ગોપાલ ગૃહમંત્રી હશે !

ઈશુદાન પોતે પહેલાં પત્રકાર હતા…રાજકારણમાં આવ્યા તે પહેલાં તેઓ મીડિયામાં વધુ ચમક્યા કરતા હતા…રાજકારણમાં આવ્યા બાદ તેઓ મીડિયામાં હવે ખૂબ ઓછું ચમકે છે ! ભાજપના ઉમેદવારો તમને ભાજપના હોય તેવું લાગે નહિ,પણ આ ઈશુદાન તો આમ આદમી જેવો જ લાગે-આમ આદમી પાર્ટીનો હોય તેવું જ લાગે ! ભારતમાં જેમ પ્રજા જ્ઞાતિ બનાવે છે તેમ, સરકાર પણ જ્ઞાતિ બનાવે છે . એમ કહે છે કે, ગુજરાતની ૪૮% વસ્તી ઓબીસીમાં આવે છે ! અને, ઈશુદાન પણ ઓબીસીમાં જ આવેલા હોઈને તેઓ ૪૮% મત પોતાની તરફેણમાં સાવ આસાનીથી પડી જશે તેવી ધારણા સેવે તો તેમાં કંઈ જ નવું નથી.

અને, એટલે જ ઈશુદાન ઓબીસીના સભ્યો પાસે કદાપી મત માંગવા જતા નથી. આપની સરકાર ગુજરાતમાં બને તે માટે મદદરૂપ થવા સારું ઈશુદાન સાવ સહજભાવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફેવર માંગે ! અને, તે પણ ચોરી-છૂપીથી નહીં-સરેઆમ એટલે કે જાહેરમાં માંગે ! ઈશુદાનની પત્નીને તમે પૂછો કે, તમને પત્રકાર ઈશુદાન વધુ ગમે કે પછી રાજકારણી ઈશુદાન ? તો, તેઓ તરત જવાબ આપશે કે…પત્રકાર ઈશુદાન ! અને, થોડું આગળ વધીને થોડુંક શરમાઈને સંકોચ અનુભવીને નજર નીચી કરીને કારણ પણ જણાવશે…(તમારે કારણ પૂછવું નહિ પડે !) કે, પત્રકાર હતા ત્યારે ઘરમાં રહેતા હતા અને રાજકારણી બન્યા પછી તો છેલ્લા ધોધ વરસમાં માંડ એક મહિનો ઘરમાં રહ્યાં છે !!

આમ તો, ઈશુદાનને પણ સમાજમાં પોતાની ભૂમિકા પત્રકાર તરીકેની હોય તે જ ગમે છે પણ, તેઓ કહે છે તેમ પત્રકાર બોલી શકે છે-બતાવી શકે છે પરંતુ તે કંઈ કરી શકતો નથી ! આમ, કૈંક કરવા માટે તેઓ રાજકારણમાં આવ્યા હોવાનો તેમનો એકરાર છે. મેં ઈશુદાન બોલે ત્યારે એમના “સ” અને “શ” સંબંધિત ઉચ્ચારોની હંમેશા નોંધ લીધી છે…મને એમાં ખૂબ ગમ્મત ત્યારે પડે છે કે જયારે ઈશુદાન “સબ”ને બદલે “શબ” ઉચ્ચાર કરતા પકડાઈ જાય ! પત્રકારત્વ ક્ષેત્રે પોતે “ટોચ” પર હતા એવું બોલવા જતાં “ટોર્ચ” પર હતા એવું તેમનાથી બોલાઈ જાય ત્યારે મને ખૂબ મઝા આવે ! ઉચ્ચારો વિષયક અજ્ઞાન માટે આપણે ઈશુદાનને માફ જ કરવાના રહે કેમ કે, અમિત શાહને પણ આપણે તે બાબત ખૂબ માફ કરી ચૂક્યાં છીએ ! ઉચ્ચારોની ભૂલ કરતાં માણસો ખૂબ બિન્દાસ્ત હોય છે અને તેઓ મોટાં અશક્ય કામો પાર પાડવાને જ સર્જાયેલાં હોય છે.

ઈશુદાનના પિતા નવરાત્રીમાં માતાજીનો અખંડ દિવો કરતાં અને, તેઓ માતાજીના પ્રખર ભગત હતા. એમ તો, આપણે માતાજીની વાત કાઢીએ તો ઈશુદાન પણ સોનલ મા-મોગલ મા ને એવાં બધાં આપણે કદી નહિ સાંભળ્યાં હોય તેવાં નામ ઉચ્ચારે ! ઈશુદાન દ્વારકાધીશના પણ પરમ ભક્ત અને, પોતાનું વતન પીપલીયા ગામ દ્વારકા જીલ્લાનું એક ગામ છે તે વાત પર ખૂબ જ ગર્વ ધરાવે ! રાતે સુઈ જાય ત્યારે ઈશુદાન પાસે બીજું કોઈ હોય કે નહિ હોય પણ તેમની ડાયરી અને પેન અચૂક હોય તેની ખાતરી આપી શકો.અધરાતે-મધરાતે પોતાની ભાવિ સરકારની કોઈ યોજનાનો મનમાં ખ્યાલ આવે કે તરત ઈશુદાન મનમાં રાખી નહિ મૂકતાં તરત જ ડાયરીમાં ટપકાવી દે ! આવા ઈશુદાન ગઢવીને અત્યારે ચૂંટણી જીતવાની કશી ફિકર નથી પણ,ફિકર એક જ વાતની છે કે…પોતે ૩૯ના થઇ ગયા છે ને હવે, વીસ જ વર્ષ કામ કરવા માટે બાકી છે ! ભાજપની ૭૫ વર્ષની વયમર્યાદાને થોડી સાંકડી કરી ઈશુદાને ૬૦ વર્ષની કરી આપી હોય તેવું લાગે છે ! – ડો.કૌશિક કુમાર દીક્ષિત

Most Popular

To Top