Gujarat Election - 2022

‘હું CM હતો, હું CM છું અને હું CM રહેવાનો છું !’, વિજય રૂપાણી આવું કેમ બોલે છે?

એક મોટો કાળો બૂટ ! દૂરથી જુઓ તો, બૂટને બદલે સેન્ડલ જેવું પણ લાગે ! બૂટમાં ગોઠવાયેલું એક માઈક અને, માઈક ઉપર વિજય રૂપાણી ! જયારે, ૨૦૧૬ની સાલમાં વિજય રૂપાણી સૌ પ્રથમ વાર ગુજરાતના (૧૬મા) મુખ્ય મંત્રી બન્યા હતા ત્યારે એક જાણીતા કાર્ટૂનીસ્ટે વિજય રૂપાણીનું આવું કાર્ટૂન દોરેલું ! એ કાર્ટૂનમાં માઈક ખૂબ નાનું દેખાતું હતું તેમજ બૂટ એટલો મોટો દેખાડવામાં આવેલો કે, વિજય રૂપાણી એ બૂટ કરતાં ખૂબ નાના દેખાતા હતા. એ કાર્ટૂનનું શીર્ષક ‘શપથ સમારોહ’ એવું હતું ! એ બૂટ કોનો હતો તેમજ એક જ બૂટ કેમ અને, જોડીમાંનો બીજો બૂટ ક્યાં ગયો તેનો ફોડ કાર્ટૂનીસ્ટે આજ સુધી પાડ્યો નથી. તમે ઉપરનું કાર્ટૂન ક્યાંકથી શોધી કાઢજો અને તેનો અભ્યાસ કરજો કારણ કે, તે વગર વિજય રૂપાણીની સાચી ઓળખ બાકી રહી જશે !

વિજય રૂપાણી ગુજરાતના ૧૬મા મુખ્ય મંત્રી તરીકેની પણ ઓળખ ધરાવે છે. પાંચ વર્ષથી વધુ રાજ કર્યું હોય તેવા ફક્ત ચાર જ મુખ્યમંત્રીઓ ગુજરાતને મળ્યા છે જેમાં વિજય રૂપાણી પણ સ્થાન ધરાવે છે. દેશ આઝાદ થયો પછી, આખા દેશનાં વિવિધ રાજ્યોના અત્યારપર્યંતના તમામ મુખ્યમંત્રીઓની યાદી બનાવીએ તો…ભારત બહાર જન્મેલા એક માત્ર મુખ્યમંત્રી તે આ વિજય રૂપાણી ! રૂપાણીનો આ વિક્રમ હજુ કોઈની નજરે ચડ્યો નથી.

જયારે, ૨૦૧૯ના સપ્ટેમ્બરમાં ગુજરાતના પાલીતાણાને વિશ્વનું સર્વ પ્રથમ શાકાહારી શહેર જાહેર કરવામાં આવેલું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી આ વિજય રૂપાણી હતા ! રૂપાણી પોતે ચુસ્ત જૈન અને, શાકાહારના પાકા હિમાયતી…એટલે સુધી કે, એક વાર એમણે દૂધ પણ કાયમ માટે છોડી દેવાનું વિચારેલું ! અને, પાલીતાણાને શાકાહારી શહેર જાહેર કર્યા બાદ આખું ગુજરાત એમનું ટાર્ગેટ હતું…તેઓ આખા ગુજરાતને શાકાહારી રાજ્ય બનાવવાની કોશિશોમાં રત હતા પણ, અચાનક એક રાતે રૂપાણી પર કોઈકનો ફોન આવ્યો અને એમને ગુજરાતના મુખ્યમંત્રી પદની ખુરશી છોડી દેવા કહ્યું ને રૂપાણી પણ એવા કે, રાતે ફોન આવ્યો ને બીજે જ દિવસે સવારે રાજ્યપાલના હાથમાં રાજીનામું ધરી દીધું ! આ વાત પણ, બરાબર એક વર્ષ સુધી રુપાણીએ છુપી રાખેલી ! પોતાને બીજેપી તરફથી પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા ત્યારે આ વાતનો ઘટસ્ફોટ રુપાણીએ કર્યો !   

રૂપાણીને એક દિકરી જેનું નામ રાધિકા છે, જયારે રૂપાણીને રાતોરાત રાજીનામા માટે મજબૂર કરવામાં આવ્યા હતા ત્યારે લંડન બેઠાં બેઠાં આ રાધિકાએ ફેસબુક પર એક પોસ્ટ મૂકેલી અને નરેન્દ્ર મોદીને ( તે સમયે પણ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન હતા !) લલકારેલા ! કે, ગુજરાતમાં જયારે સ્વામી નારાયણ મંદિર પર આતંકી હુમલા થયેલા ત્યારે મારા પિતા ત્યાં દોડી જનાર સર્વ પ્રથમ શખ્સ હતા અને નરેન્દ્ર મોદી કરતાં પણ વહેલા તેઓ ત્યાં જઈ પહોંચ્યા હતા !  રૂપાણી સરકાર રાતોરાત હતી-ન હતી થઇ ગઈ તે પછી, એકાદ વરસ બાદ રૂપાણીને ભાજપના પંજાબના પ્રભારી બનાવાયા…રૂપાણી સરકારના અન્ય મંત્રીઓ-સચિવો-સંત્રીઓ વગેરેના તો કોઈ સમાચાર જ નથી ! હા, વચમાં નીતિન પટેલને (જેઓ રૂપાણી સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા) રસ્તે રખડતી કોઈ ગાયએ પાડી નાખેલા ત્યારે ટચુકડી જાહેરખબર જેવા એ સમાચાર લોકો વચ્ચે રમતા થયા હતા !

રૂપાણીને બીજેપીના પંજાબના પ્રભારી બનાવાયા બાદ, તેમણે પંજાબમાં ભાજપનું શું ભલું કર્યું તેના કોઈ સમાચાર પ્રજાને વાંચવા-સંભાળવા મળ્યા નથી. રાજકોટના અનેક નવજુવાનીયાઓને એ વાતે ઘણું કુતુહલ રહેતું જોવા મળે છે કે, વિજયકાકાનું ખરેખર જ પંજાબ સાથે કોઈ જૂનું કનેક્શન હશે !? એમ ને એમ તો, એમને પંજાબના કશા અનુભવ વગર પ્રભારી ઓછાં બનાવી દેવાયા હશે ?!

વિજય રૂપાણી માટે એવી એક સામાન્ય છાપ લોકોમાં પ્રવર્તે છે કે, તેઓ ખૂબ ઓછું બોલે છે અને જે પણ બોલે છે તે ખૂબ જોખી-જોખીને બોલે છે…પણ, એ માન્યતા ઘણી વાર ભૂલભરેલી માલમ પડે એવું એવું તેઓ જાહેરમાં બોલ્યા છે ! નરેન્દ્ર મોદી વિષે તેઓ કંઈ પણ બોલે ત્યારે તેમને બિલકુલ ભાન નહિ રહે ! કોઈ નેતા એવું બોલી શકે કે, ૨૦૨૪માં નરેન્દ્ર મોદીએ આવું કર્યું છે અથવા આવું કહ્યું છે !? હજુ, ૨૦૨૪ને બે વર્ષની વાર છે. પણ, રૂપાણી એવું બોલે….ભવિષ્ય અને વર્તમાન વચ્ચેનું અંતર એમને માટે જાણે કે શૂન્ય થઇ ગયું હોય !

કોઈ પત્રકાર એમને પૂછે કે, ગુજરાતમાં બે લાખથી વધુ વિદ્યાર્થીઓ દર વર્ષે ગુજરાતીમાં કેમ નાપાસ થાય છે તો રૂપાણી જાણે કે પોતાને ખબર જ નહિ હોય તેમ આશ્ચર્યમાં ડૂબી ગયા હોય તેવો દેખાવ પણ કરે ! અનેક વાર આપણે એવું જોયું છે કે, મંચ પર ભરી સભામાં નાયબ મુખ્યમંત્રી પટેલ શબ્દ-શબ્દ એમને બોલાવી રહ્યા હોય તે મુજબ જ રૂપાણી વક્તવ્ય આપે ! અમેરિકાના વડાપ્રધાન અમેરિકાથી વિમાનમાં સીધા અમદાવાદ આવે (મુંબઈ-દિલ્હી ઉતર્યા વગર !) તેને રૂપાણી બહુ મોટી વાત ગણાવે !  મેં એક વાર રૂપાણીને પૂછેલું કે, ૨૫-૨૫ કરોડ આપીને આ બીજેપી કોન્ગ્રેસના ધારાસભ્યોને ખરીદે છે તે ભાજપ કોંગ્રેસ જ બની ગઈ નહિ કહેવાય ? ત્યારે એમણે ઠંડે કલેજે જવાબ આપેલો કે….૨૫ કરોડમાં તો એક ધારાસભ્ય નહિ પણ આખી કોંગ્રેસ આવી જાય ! 

મને યાદ છે કે, રૂપાણી જયારે પહેલવહેલી વાર મુખ્યમંત્રી બનેલા ત્યારે એમણે કહેલું કે હું વન-ડે રમવા નથી આવ્યો…હું તો ૨૦-૨૦ રમવા આવ્યો છું !  લોકો ભલે, સીએમનો મતલબ મુખ્યમંત્રી સમજે પણ વિજય રૂપાણી જાહેરમાં સમજાવે કે…હું સીએમ હતો-હું સીએમ છું અને હું સીએમ રહેવાનો છું ! પછી, લોકોને જરા નવાઈ લાગે તે પહેલાં જ હળવેકથી ચોખવટ પણ કરી દે કે…સીએમનો અર્થ મુખ્યમંત્રી નથી પણ-એનો અર્થ “કોમન મેન” એટલે કે સામાન્ય માણસ એવો કરવાનો છે.  અત્યારે તમે જે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સીઆર પાટીલને નિહાળી રહ્યા છો તે પદ પર પણ રૂપાણી ૨૦૧૬માં આરૂઢ થયા હતા પણ, પ્રદેશપ્રમુખ તરીકેનો એમનો તે અવધિ સાતેક મહિનાનો જ રહ્યો અને પછી તેઓ ગુજરાતના સીએમ બની ગયા હતા ! ગુજરાતની પ્રજાનો બહુ મોટો વર્ગ જે વર્તમાન સીએમ ભૂપેન્દ્ર પટેલને સીએમ તરીકે સ્વીકારી નથી શકતો તે આ દિવસોમાં વિજય રૂપાણીને ખૂબ જ મિસ કરી રહ્યો હશે એમાં કોઈ સંદેહ નથી.  
           

– ડો.કૌશિક કુમાર દીક્ષિત                

Most Popular

To Top