Columns

જાહોજલાલી ભોગવતું પ્રાચીન ભરૂચ બંદર કયારે અને કેમ પડી ભાંગ્યું?

પ્રાચીન ભરૂચ ઉપર આ અખબારમાં 7 લેખો પ્રસિધ્ધ થયા હતા. આ વિષય પરત્વે 8મો અને છેલ્લો લેખ છે અને તે અત્યંત મહત્ત્વનો છે. તેનું મુખ્ય કારણ એ છે કે આજની ઘટનાઓને સમજવામાં તે ઉપયોગી છે. ઇતિહાસ કોઇ સીધી પરીપાટી ઉપર ચાલતો નથી. તેની ઘટનાઓ અત્યંત જટિલ હોય છે. ઇતિહાસ અને ઐતિહાસિક ઘટનાઓના અર્થઘટનો ધીરગંભીર, શાંત અને સંયમશીલ (Sober) હોય છે. સાચા ઇતિહાસકારનો આશય સત્તાધારી રાજકારણીની જેમ પ્રોપેગેન્ડા કરવાનો નહીં પણ ભૂતકાળની ઘટનાઓના સારાં – નરસાં પાસાંઓ તપાસીને તેમાંથી સૂઝસમજ પ્રાપ્ત કરવાનો છે. તે પ્રમાણે હું કરતો આવ્યો છું. આ લેખનો વિષય તો પ્રાચીન ભરૂચના પતનને લગતો છે.

તેમ છતાં તેને સમજવા માટે આધુનિક ઘટનાઓને કેન્દ્રમાં રાખી છે. આપણે તાજેતરની જ વાત કરીએ તો કિરણ કાપૂરેએ તા. 19 જૂન, 2022ના ‘ગુજરાતમિત્ર’માં ‘ઇતિહાસ એટલે?’ શીર્ષક હેઠળ લેખ પ્રસિધ્ધ કર્યો અને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ટાંકયા કે ‘ઇતિહાસકારો માત્ર મુસ્લિમ સુલતાનો અને મુઘલો વિશે જ કેમ લખ્યા કરે છે? હિંદુ સામ્રાજયો અને સમ્રાટો વિશે કેમ લખતા નથી?’ કિરણભાઇએ તેનો કોઇ સ્પષ્ટ ઉત્તર આપ્યો નથી પણ ખરી વાત એ છે કે ભારતના ઇતિહાસકારોએ માત્ર મુસ્લિમ ઇતિહાસની વાત કરી નથી, એમણે પ્રાચીન હિંદુ, જૈન અને બૌધ્ધ ઇતિહાસની ગૌરવગાથાનું મબલક પ્રમાણમાં આલેખન કર્યું છે.

તેથી અમિતભાઇ શાહ અને એમના જેવી વિચારસરણી ધરાવતા નેતાઓને એટલું જ કહેવાનું કે ભારતના સુપ્રસિધ્ધ વ્યવસાયી ઇતિહાસકારોએ જેટલું ઐતિહાસિક સાહિત્ય મુસ્લિમ આક્રમણો પહેલાંના ભારતનું તેમ જ મુસ્લિમ શાસનનો 19મા સૈકામાં પરાભવ થયા પછીનું – સ્વાતંત્રયસંગ્રામ અને સમાજ પરિવર્તનનું સાહિત્ય રચ્યું છે, તેના પ્રમાણમાં ‘મુસ્લિમ યુગ’નું સાહિત્ય ઘણું અલ્પ પ્રમાણમાં લખ્યું છે. આ કોટિના ઇતિહાસકારોને હિંદુ કે મુસ્લિમ પ્રજાની વગોવણી કરવામાં નહીં, પણ ભારતીય સાંસ્કૃતિક વિચારસરણીના સંદર્ભમાં પ્રજાના ઉત્કર્ષ કે અધ:પતનની પ્રક્રિયા સમજવામાં રસ હતો પણ મહત્ત્વની વાત એ છે કે આજે ભારતના અને ખાસ કરીને ગુજરાતના ઇતિહાસકારોએ વેપાર – વાણિજ્ય અને આન્ત્રેપ્રીનોરશીપનો ઇતિહાસ, દેશવિદેશમાં વસતા ગુજરાતીઓનો (ગુજરાતી ડાયસ્પોરા) ઇતિહાસ, નારી ઇતિહાસ, નગરો અને ગામડાઓનો ઇતિહાસ, દલિતો, શ્રમજીવીઓ, ખેડૂતો, ઔદ્યોગિક કામદારો અને આદિવાસીઓનો ઇતિહાસ આશ્ચર્યજનક રીતે વિકસાવ્યો છે.

ખરું જોતાં તો વિદ્યાર્થીઓને આવા તાજગીભર્યા ઇતિહાસો શીખવવા જોઇએ. ઇતિહાસ એટલે માત્ર હિંદુ – મુસ્લિમ / કોમવાદ / રાષ્ટ્રવાદનો જ ઇતિહાસ નહીં, હકીકતમાં તો ફ્રિડમ મુવમેન્ટના ઇતિહાસ કરતાં પણ વધારે મહત્ત્વનો સબલ્ટર્ન હિસ્ટ્રી, વ્યાપાર – વાણિજ્યનો ઇતિહાસ છે. આજે જ્યારે હિન્દુસ્તાન અને પાકિસ્તાન માત્ર કોમી ઇતિહાસમાં રાચ્યા કરે છે, ત્યારે ઇંગ્લેન્ડ, અમેરિકા, ચીન, જાપાન, ફ્રાન્સ અને ઇટાલી જેવા વિકસિત દેશોની શાળા – કોલેજો – યુનિવર્સિટીઓમાં વ્યાપાર વાણિજ્ય, વિજ્ઞાન, ટેકનોલોજી, સમાજપરિવર્તન, ડાયસ્પોરા અને વિવિધ વિચારસરણીઓનો ઇતિહાસ ભણાવીને વિદ્યાર્થીઓની નવી નવી જિજ્ઞાસાઓને સંતોષવા ઉપરાંત તેમને જાહેરજીવન માટે તૈયાર કરે છે.

કિરણ કાપુરેએ જીવ બાળ્યો છે કે ‘ઇતિહાસની હકીકતો કયારેય આપણી સમક્ષ નિર્ભેળ તથ્યના રૂપમાં આવતી નથી.’ તેમણે કોમવાદી ઇતિહાસ સામે લાલબત્તી ધરી છે પણ પાકિસ્તાને આઝાદી પ્રાપ્ત કર્યા પછી શાળા – કોલેજોના વિદ્યાર્થીઓ માટે એ દેશમાં જે પાઠયપુસ્તકો લખાયા છે, તેમાં ઇ.સ. 708 થી 711 દરમિયાન સિંધ અને ભારત ઉપર આક્રમણો કરનાર મહંમદ બીન કાસીમ ‘પાકિસ્તાનના સ્થાપક’ છે! પાકિસ્તાનનો ઇતિહાસ ઇસ્વીસનની 11મી સદીથી શરૂ થાય છે, જ્યારે મહંમદ ગઝનીએ (ઇ.સ. 998 – 1041) સોમનાથ મંદિરને તોડયું હતું અને મંદિરમાંથી અઢળક સોનું લઇ ગયો હતો! પાકિસ્તાની પાઠયપુસ્તકોમાં મહંમદ ગઝની, મહંમદ તુઘલખ, અલાઉદ્દીન ખીલજી અને ઔરંગઝેબ ‘હીરો’ છે.

અકબર ‘વિલન’ છે! પાકિસ્તાન પાઠયપુસ્તકોમાંથી લોકમાન્ય તિલક, દાદાભાઇ નવરોજી, નહેરૂ, ડૉ. આંબેડકર, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, સરોજીની નાયડુ, મૃદુલા સારાભાઇ, ડૉ. રાજેન્દ્રપ્રસાદ, ચક્રવર્તી રાજગોપાલાચારી અને ચંદ્રશેખર આઝાદ જેવા રાષ્ટ્રવાદી નેતાઓનું નામ શોધ્યું પણ જડતું નથી. પાકિસ્તાનના વિદ્યાર્થીઓ મહંમદઅલી ઝીણા, ફાતીમા મીન્ના, મુહંમદ ઇકબાલ, લીયાકત અલીખાન, આગાખાન, ફઝલૂલ હક અને મુસ્લિમ લીગના અન્ય નેતાઓનું ભણે છે અને તેમના જીવનમાંથી બોધપાઠ મેળવે છે. અમિત શાહનો શો વાંક ગુન્હો?

પણ ગૃહપ્રધાનને એટલું જ કહેવાનું કે છેલ્લા 70 વર્ષથી આ દેશના હિંદુ તથા મુસલમાન ઇતિહાસકારોએ વિજ્ઞાન અને ટેકનોલોજી, વ્યાપાર – વાણિજ્ય, સામાજિક વિચારસરણીઓ અને સમાજપરિવર્તનના તેમજ તેની સાથે નારી તથા કચડાયેલા વર્ગોની જાગૃતિનો ઇતિહાસ ખૂબ મહેનતપૂર્વક લખ્યો છે. પાકિસ્તાનને જે કરવું હોય તે કરવા દો. આઝાદી બાદ હિંદમાં લોકશાહી અને લોકતંત્ર વિકસતું ગયું, જ્યારે પાકિસ્તાનમાં મિલિટરી ડિકટેટરશીપ વકરતી ગઇ! ભરૂચનો ઇતિહાસ આવા વ્યાપક બૌધ્ધિક અને અનુભવિક (Empirical) સંદર્ભમાં લખ્યો છે. ‘ગુજરાતમિત્ર’માં છેલ્લા 3 – 4 વર્ષથી ચાલતી કોલમમાં પ્રસિધ્ધ થયેલા લેખોમાંથી કેટલાક લેખો પસંદ કરીને ‘દક્ષિણ ગુજરાતનું લોકજીવન, નેતાઓ અને સમાજપરિવર્તન’ નામનું પુસ્તક તૈયાર કર્યું છે. જે ટૂંક સમયમાં પ્રસિધ્ધ થશે. તે જોવાથી કિરણભાઇ કાપૂરેએ ઉપસાવેલા મહત્ત્વના મુદ્દાઓનું સમાધાન થશે.

પ્રાચીન ભરૂચ કેમ પડી ભાંગ્યું?
મૌર્યકાળ, ક્ષત્રપકાળ, ગુપ્તકાળ અને મૈત્રકકાળ દરમિયાન (ઇ.પૂ. 322 થી ઇ.સ. 788) ભરૂચ જાહોજલાલી ભોગવતું સમગ્ર ભારતવર્ષનું મહાબંદર હતું. અલબત્ત દરિયાકાંઠે કાંપ, રેતી અને માટી પુષ્કળ પ્રમાણમાં જમા થવાથી ભરૂચનો દરિયાકિનારો નર્મદા નદીથી દૂર ખસવા માંડયો હતો. આ પ્રકારના ‘સિલ્ટીંગ પ્રોસેસ’ને લીધે ભરૂચ બંદરમાં મોટાં વહાણો લાંગરી શકતા નહીં. આવા કુદરતી કારણને લીધે ભરૂચ બંદર ધીમે ધીમે સંકોચાવા લાગ્યું હતું. આ નિયમ તમામ બંદરોને લાગુ પડે છે. ભૃગુકચ્છ પછી 700 વર્ષ સુધી જાહોજલાલી ભોગવતા સ્તંભતીર્થની (ખંભાત) કાંપ – રેતીની જમાવટને લીધે આ જ દશા થયેલી.

આમ છતાં ભૃગુકચ્છ બંદરના પતન માટે માનવીય કારણો પણ જવાબદાર હતા. આ કારણો આજે તો ખાસ સમજવા જેવા છે. કિરણ કાપૂરેના લેખ સાથે આ લેખને નિસ્બત છે. તે ફરી એક વખત વાંચવા જેવો છે. એમણે કાકાસાહેબ કાલેલકર જેવા મહાન કેળવણીકાર અને સાહિત્યકારની ઐતિહાસિક દૃષ્ટિ સ્પષ્ટ રીતે વ્યકત કરી છે. એમણે કાલેલકરને ટાંકયા છે : ‘હિંદુ જાતિ ક્ષીણ થઇ એ બતાવી, ખાસ એ વસ્તુ તરફ ધ્યાન આપવું જોઇએ કે મુસલમાનો આ દેશમાં આવવા લાગ્યા ત્યાર પછી 300 – 500 વરસે આખો દેશ તેમને તાબે થયો. એટલે ઇસ્લામની ચડાઇ એ કાંઇ એકાએક આવેલી રેલ નથી એ વાત સ્પષ્ટ થશે. એ જ વખતે ઇસ્લામનો ઇતિહાસ આપવો અને ખલિફાના રાજ્ય વિસ્તારની કલ્પના આપવી.’

અહીં ઇસ્લામ ધર્મ અને સામ્રાજયના ફેલાવાની ગુજરાત ઉપર શી ખરાબ અસર થઇ તે દર્શાવીશું. તે સમયના ગુજરાતના બંદરો ઉપરના આક્રમણો અરબોએ કર્યા હતા. તેમણે ભરૂચ ઉપરાંત ગુજરાતના અન્ય બંદરોનો વિનાશ સર્જવાના મરણતોલ પ્રયાસો કર્યા હતા. આ ભૂતકાળની વાત અત્યંત મહત્ત્વની છે. ચાલુ વર્તમાનકાળ મુજબ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એમની સરકારે આરબ વિશ્વના ઓવારણા લીધા છે. આરબ વિશ્વનું વ્યાપારી, રાજકીય અને વ્યૂહાત્મક મહત્ત્વ પીછાનીને નરેન્દ્ર મોદી મસ્જિદોમાં જાય છે. ‘મોદી સરકાર અને આરબ વિશ્વ’ ઉપર લેખો પ્રસિધ્ધ થયા છે. આરબ દેશો અને અન્ય મુસ્લિમ દેશોને શાંત પાડવા માટે ભારતીય જનતા પક્ષે નૂપુર શર્મા અને નવીનકુમાર જીંદાલને મહંમદ પયગંબરની ટીકા કરવા બદલ પક્ષમાંથી હાંકી કાઢયા છે.

કતાર, કુવૈત, ઇરાન, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, ઓમાન, UAE, બહરીન, માલદીવ અને ઇન્ડોનેશિયાના ‘ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશને’ ભારતને ધમકીઓ આપી છે કે મહંમદ પયગંબરની વિરુધ્ધ એક શબ્દનું પણ ઉચ્ચારણ થવું ના જોઇએ. નૂપુર શર્મા, તેજસ્વી સૂર્યા અને નવીન જીંદાલે નરેન્દ્ર મોદી અને BJP સરકારને મુશ્કેલીમાં મૂકી દીધા છે. એક અંગ્રેજી અખબાર મુજબ : ‘Ironically, it is the Arab world – littered with autocracies and undemocratic regimes – that is teaching India a lesson in harmony as it celebrates its 75th birthday.’
આરબોના દરિયાઇ હુમલા
ઇતિહાસ એમ કહે છે કે ઇસ્લામના સ્થાપક હજરત મોહમ્મદ પેગંબરે (ઇ.સ. 571 – 632) માનવતાવાદી અને સમતાવાદી ધર્મ સ્થાપ્યો હતો. એમણે લાખો આરબોની અંધશ્રદ્ધા દૂર કરીને સાચા ધર્મની ભાવના પ્રગટ કરી હતી.
તેમણે એવો ઉપદેશ આપ્યો હતો કે ‘ઇશ્વર એક જ છે, તે અસીમ છે, તેની મૂર્તિ હોઇ શકે નહીં. મૂર્તિપૂજા કરવી નહીં. ધર્મની બાબતમાં જબરદસ્તી કરવી નહીં. હત્યા કરવી નહીં.’મોહંમદ પેગંબર સાહેબના અવસાન બાદ ઇસ્લામ વીજળીવેગે વિશ્વના વિવિધ ભાગોમાં ફેલાયો. ભારતમાં તે સમયે ‘સુવર્ણયુગ’ કહેવાતું ગુપ્ત સામ્રાજય (ઇ.સ. 319 – 472) નષ્ટ થયું હતું. તેની સાથે મગધ અને ગુપ્ત સામ્રાજયનું પાટનગર પાટલીપુત્ર વેરવિખેર થઇ ગયું હતું. તેને પરિણામે દેશ વિવિધ રાજ્યવંશોમાં વિભાજીત થઇ ગયો. મધ્ય એશિયામાંથી હૂણોએ આક્રમણો કર્યા. મૈત્રક શાસકોએ (ઇ.સ. 470 – 788) ગુજરાત ઉપર રાજ્ય તો જમાવ્યું પણ ખરેખર તો એમના સમયથી જ ભરૂચ, ખંભાત, વેરાવળ, ઘોઘા, દ્વારકા અને સોપારા જેવા બંદરો પર આરબોના હુમલાઓ શરૂ થયા. સૌ પ્રથમ દરિયાઇ હુમલો આંતરરાષ્ટ્રીય બંદર ભરૂચ ઉપર થયો. અરબોએ ભૃગુકચ્છને ઇ.સ. 637માં લૂંટયું અને બાળ્યું. તે સમયના ગુર્જર પ્રતિહાર હિંદુ શાસકો આરબના આક્રમણોનો સામનો કરવામાં નિષ્ફળ ગયા હતા. મુસ્લિમો ઇસ્લામને કેન્દ્રમાં રાખીને વિશ્વમાં સામ્રાજયો સ્થાપવામાં સફળ થયા હતા. હવેથી ભરૂચ બંદરના હાલહવાલ થવાના હતા.

Most Popular

To Top