Gujarat

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ તંત્ર ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું હોવાનો કોગ્રેસનો ગંભીર આક્ષેપ

રાજ્ય ચૂંટણી પંચના સચિવને કાર્યવાહી કરવા માગણી

અમદાવાદ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 26 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે ગુજરાત પોલીસ સત્તાધારી પક્ષનો હાથો બની કોંગ્રેસના ઉમેદવારોને કાર્યકરોને કોઈપણ જાતની ફરિયાદ કે અરજી વગર વારંવાર પોલીસ સ્ટેશનમાં બોલાવી હેરાનગતિ કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેર પોલીસકર્મીઓએ માત્ર બીજેપીનો ખેસ પહેરવાનો બાકી રાખ્યો હોય તેવું લાગે છે, તેવા ગંભીર આક્ષેપ સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય ચૂંટણી આયોગના સચિવને પત્ર લખી નાગરિકોમાં અને જાહેર પ્રજામાં બંધારણીય સંસ્થાઓ પ્રત્યે લોકોમાં ભાવના જળવાઈ રહે તેવી કાર્યવાહી કરવા માંગ કરી છે.

પ્રદેશ કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય ચૂંટણી પંચના સચિવને રજુઆત કરતા કહ્યું છે કે ગુજરાત પોલીસ સત્તાધારી પક્ષનો હાથો બનીને કોંગ્રેસના ઉમેદવારોને કોઈપણ જાતની ફરિયાદ કે અરજી વગર પોલીસ સ્ટેશનમાં વારંવાર બોલાવીને હેરાનગતિ કરી રહેલ છે. જેમાં અમદાવાદ શહેરના પોલીસ કર્મીઓને માત્ર અને માત્ર BJP નો યુનિફોર્મ પહેરવાનો બાકી હોય તેવું લાગે છે. સત્તાધારી પક્ષ પોતાના ઉમેદવારોની હાર ભળી રહેલ હોવાથી અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ડરાવી ધમકાવીને પોલીસ સ્ટેશનમાં કોઈ કારણ વગર વાંક ગુના વગર બેસાડી રાખીને તેમનો સમય બગાડીને માનસિક રીતે પ્રતાડિત કરી રહેલી છે. હાલની પરિસ્થિતિ જોતા સરકારી કર્મચારીઓએ કોઈપણ રાજકીય પક્ષના કાર્યકર તરીકે કામ ન કરવું જોઈએ તેના બદલે તેઓ સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવવાના બદલે BJPના કાર્યકર તરીકે કામ કરી રહેલા દેખાઈ રહ્યા છે.

બંધારણમાં ભયમુક્ત રીતે દરેક ઉમેદવાર પોતાનો પ્રચાર કરી શકે અને નાગરિક પોતાના મતના અધિકારનો ઉપયોગ કરી શકે તેવું વાતાવરણ બનાવવાની જવાબદારી રાજ્ય ચુંટણી આયોગની છે. અમોએ વારંવાર આપ સમક્ષ પોલીસ કર્મીઓ બાબતે લેખિત ફરિયાદ કરેલ હોવા છતાં આજ દિન સુધી જવાબદારો સામે કોઈપણ પગલા લેવાયા નથી એવું દેખાઈ રહ્યું છે. નાગરીકોમાં અને જાહેર પ્રજામાં બંધારણીય સંસ્થાઓ પ્રત્યે લોકોની ભાવના જળવાઈ રહે તેવી ત્વરિત કાર્યવાહી કરવા અમારી માંગણી છે.

Most Popular

To Top