Science & Technology

કોડ M -2

બે વર્ષ પહેલાં જયારે OTT પ્લેટફોર્મ પોતાના પગ પર ઊભા રહેવાનો પ્રયત્ન કરી રહ્યું હતું ત્યારે બાલાજી ફિલ્મ્સની એક સારી સીરિઝ Zee -5 પર જોયેલી – કોડ M! એમાં મિલિટરી સેટઅપમાં ફેક એન્કાઉન્ટરની થીમ પર એક સરસ વાર્તા લેવામાં આવેલી. ત્યારે મિલિટરી ઇન્ટલિજન્સના મેજર મોનિકાના રોલમાં જેનિફર વિન્ગેટનો રોલ અમને ગમેલો. તે ઉપરાંત તનુજ વીરવાની, રજત કપૂર અને સીમા વિશ્વાસને ચમકાવતી આ સીઝનના અંતમાં સરસ અને સુંદર ટ્વિસ્ટ હોવાને કારણે એકંદરે જોવાલાયક સીરિઝ બનેલી.

કોડ Mનો બીજો ભાગ રજૂ થઇ થયો છે. મેજર મોનિકા ફરી આવી ગઈ છે અને તેનો પહેલાનો બોય ફ્રેન્ડ અંગદ (તનુજ) પણ. આર્મીના મથકમાં આવેલા મુખ્ય મંત્રીની સુરક્ષાની જવાબદારી સંભાળતી મોનિકા હત્યાનો પ્રયાસ નિષ્ફ્ળ બનાવે છે પણ એને લાગે છે કે એ પ્રયાસ આર્મીના લોકોની મદદ વિના શક્ય નહોતો. પણ મુખ્ય મંત્રીની વાત હતી એટલે CBI પણ મેદાનમાં આવે છે અને મોનિકાને કેસ તેમને સોંપી દેવાનું કહેવાય છે. મોનિકાને તેમના પર ભરોસો નથી એટલે એ પોતાની રીતે તપાસ ચાલુ રાખે છે. તેને ખ્યાલ આવે છે કે પહેલાં પણ આવી હત્યાઓ થઇ છે જેમાં મુખ્યત્વે ડિફેન્સ કોન્ટ્રેક્ટરોને જ નિશાન બનાવ્યા છે. કારગિલ યુદ્ધ વખતે આ ડિફેન્સ કોન્ટ્રેક્ટરોએ આપેલા ખરાબ સામાનને લીધે ઘણા સૈનિકોએ પોતાના જાનથી હાથ ધોવા પડ્યા હતા. આવા કોન્ટ્રેક્ટરોને કોઈ આર્મીનું વિજિલન્ટી ગ્રુપ એક પછી એક પતાવી રહ્યું હતું. અંગદના પિતાની પણ આ રીતે હત્યા થાય છે.

મોનિકાના બાળપણની યાદો ફ્લેશબેકમાં આવતી રહે છે જેમાં તેના આર્મીમેન પિતા આવા ભ્રષ્ટ લોકો સામે તપાસ માટે ઘણા પ્રયત્ન કરે છે પણ એમને સફળતા મળતી નથી. ત્યાર બાદ એક આગની દુર્ઘટનામાંથી બાળક મોનિકા અને તેની માતા બળતા ઘરમાંથી બહાર આવી જાય છે પણ તેના પિતા એમાં જ ફસાઈ જાય છે. મોનિકાની તપાસમાં આ જૂની કડીઓ પણ સંકળાય છે અને પહેલા ભાગની જેમ ટ્વિસ્ટ આવતી રહે છે. પણ કમનસીબે અહીં જ લેખન અને સ્ક્રીનપ્લે નબળા પડે છે. પ્રતિશોધ માટે વિજિલન્ટી ગ્રુપને આટલાં વર્ષો કેમ લાગ્યાં તેનું કોઈ સબળ કારણ રજૂ કરવામાં નથી આવ્યું. ખાસ કરીને જયારે એમની પાસે આર્મીનો અંદરથી સપોર્ટ હોય ત્યારે! સારાં પાસાંઓ – અડધા કલાકના એપિસોડ એટલે બિન્જ વૉચિંગ માટે સારા પડે; જેનિફર મેજર મોનિકા તરીકે ફરીથી પ્રભાવી; જેનિફર અને તનુજની વચ્ચે કેમિસ્ટ્રી સરસ! ઉધાર બાજુ પર તેની નબળી વાર્તા અને અને બાકીના કલાકારો એટલા જામતા નથી! નિર્માતા દિગ્દર્શકે ત્રીજા ભાગની તૈયારી કરી જ લીધી છે એટલે આશા રાખીએ કે એ સીઝનમાં આ પાસાંઓ સુધરશે!

Most Popular

To Top