ગાંધીનગર
ગુજરાતમાં આગામી તા.26મી એપ્રિલે સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ને મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા લોખંડી સલામતી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય પોલીસ વડા (DGP) ડો. કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સમાં સુરક્ષા વ્યવસ્થાની આખરી સમીક્ષા કરવામાં આવી હતી.
ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાજ્યભરમાં મોટા પાયે ફોર્સ તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે.
- હોમગાર્ડ અને જી.આર.ડી.: ૫૯,૫૨૫ જવાનોની ફાળવણી.
- વધારાની પોલીસ ફોર્સ: ૪૧,૩૮૩ વધારાના જવાનોને સુરક્ષા ફરજ પર મુકાશે.
આમ, ૧ લાખથી વધુ સુરક્ષા કર્મીઓના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ચૂંટણીનો વ્યાપ અને સંચાલન
આ સુરક્ષા વ્યવસ્થા રાજ્યની નીચે મુજબની બેઠકોને આવરી લેશે. - ૧૫ મહાનગરપાલિકાઓ
- ૮૪ નગરપાલિકાઓ અને ૧૩ નગરપાલિકાની પેટાચૂંટણી
- ૩૪ જિલ્લા પંચાયતો
- ૨૬૦ તાલુકા પંચાયતો
- વીડિયો કોન્ફરન્સ દરમિયાન ડો. કે. એલ. એન. રાવે તમામ શહેરના પોલીસ કમિશનર, રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાઓને નીચે મુજબના આદેશો આપ્યા હતા.
- ૧. સંવેદનશીલ વિસ્તારો: જે વિસ્તારો સંવેદનશીલ છે ત્યાં ચુસ્ત પેટ્રોલિંગ વધારવું અને કાયદો-વ્યવસ્થા પર સતત દેખરેખ રાખવી.
૨. સરહદી સુરક્ષા: આંતર-જિલ્લા અને રાજ્યની સરહદો પર ચેકિંગ સઘન બનાવવું જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવી શકાય.
૩. ટેકનિકલ તત્પરતા: તમામ પોલીસ યુનિટો વચ્ચે સંવાદ જળવાઈ રહે તે માટે વાયરલેસ અને ટેકનિકલ નેટવર્કને સતર્ક રાખવા સૂચના આપી છે.
રાજ્ય પોલીસ વડાએ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના રોકવા અને મતદારો નિર્ભય થઈને મતદાન કરી શકે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે.