SURAT

1.25 કરોડની હવાલા ટ્રાન્સફરનો ખુલાસો

મોબાઈલ ડેટા ખોલશે રાજકીય કનેક્શન?તપાસમાં યુટ્યૂબર ચેનલ પણ શંકાસ્પદ

સુરતમાં બહાર આવેલા આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલા કથિત હવાલા સ્કેમ મામલે તપાસ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવી રહ્યું છે કે કરોડો રૂપિયાની લેવડદેવડ આંગડિયા મારફતે કરવામાં આવી હતી અને હવે મોબાઈલ ડેટા તપાસથી મોટા રાજ બહાર આવવાની શક્યતા છે.

આંગડિયા મારફતે કરોડો રૂપિયાની હવાલા ટ્રાન્સફર : સુરત ક્રાઈમ બ્રાન્ચના પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 5 થી 6 મહિનામાં આશરે 1.25 કરોડથી વધુની રકમ દિલ્હીથી સુરત મોકલવામાં આવી હતી. આ રકમ આંગડિયા પેઢી મારફતે મોકલાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે આ નાણાકીય ટ્રાન્ઝેક્શન પાછળનું સંપૂર્ણ નેટવર્ક શોધવામાં લાગી છે.

આકાશ મિશ્રા પર મુખ્ય સૂત્રધાર હોવાની શંકા : ક્રાઈમ બ્રાન્ચના DCP ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે આ સમગ્ર નેટવર્કમાં આકાશ મિશ્રા મહત્વની ભૂમિકા ભજવી રહ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે તે દિલ્હીના પૂર્વ કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈન સાથે જોડાયેલ વ્યક્તિ તરીકે ઓળખાય છે અને હવાલાના નાણાંના વ્યવહાર સંભાળતો હતો.

ભાવેશ રોજીયા DCP સુરત

ચૂંટણી ફંડિંગ માટે પૈસાનો ઉપયોગ થવાનો હતો? : પોલીસ તપાસમાં એવું પણ પ્રાથમિક તારણ સામે આવ્યું છે કે આ હવાલાની રકમ સ્થાનિક ચૂંટણીમાં ઉપયોગ માટે મોકલવામાં આવી રહી હતી. આ પૈસા મોકલનાર તરીકે હિમાંશુ પાહુજા નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે, જે હાલમાં AAP સાથે સંકળાયેલ હોવાનું જણાવાઈ રહ્યું છે.

પનીરના વેપારની આડમાં ચલાવાતી હતી ગતિવિધિ? : તપાસ એજન્સીઓને સૂત્રો મુજબ શંકા છે કે હવાલાની આ ગતિવિધિઓને છુપાવવા માટે પનીરના વેપાર જેવી કાયદેસર પ્રવૃત્તિઓની આડ લેવામાં આવી હતી. હવે પોલીસ મોબાઈલ ડેટા, ડિજિટલ પુરાવાની વિગતવાર તપાસ કરી રહી છે , જેથી સમગ્ર નેટવર્કમાં સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચી શકાય.

8 જેટલા લોકોના નામ સામે આવ્યા, IT વિભાગ પણ જોડાઈ શકે : આ કેસમાં અત્યાર સુધી અંદાજે 8 લોકોના નામ સામે આવ્યા છે. કેસની ગંભીરતા જોતા આવકવેરા વિભાગ (IT Department) પણ તપાસમાં જોડાઈ શકે તેવી શક્યતા છે. પોલીસ દ્વારા આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિલ્હીથી સુરત સુધી જોડાયેલા તાર : આ સમગ્ર હવાલા કૌભાંડના તાર દિલ્હી સુધી પહોંચતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આગામી દિવસોમાં મોટા રાજકીય નામ બહાર આવે તેવી શક્યતા આ કેસમાં હવે વધુ સંવેદનશીલ બની છે.

Most Popular

To Top