Business

આદર્શ ગામનો ઉદય અનેપ્રગતિનું પર્યાય એટલે વાંસદાનું : ચોંઢા

વાંસદા તાલુકામાં આદર્શ ગામ તરીકે ઓળખાતું ગામ એટલે ચોંઢા. આગામના સરપંચ વેલજીભાઈ અને ગ્રામ પંચાયતના દરેક સભ્યોના પ્રયત્નથી ગામના વિકાસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ગામમાં પીવાના શુધ્ધ પાણી, પાકા ડામર રસ્તા, નાળાં વગેરે જરૂરિયાત મુજબ થઇ રહ્યા છે. તેમજ ગામના મુખ્ય રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સરકારની મનરેગા યોજના હેઠળ તળાવ ઊંડા કરવાનાંકામો, જમીન સમતલ તેમજ નાણાપંચની યોજના થકી વિવિધ વિકાસનાં કામો થઇ રહ્યાં છે.
ચોંઢા ગામના પ્રવેશદ્વાર પાસે આકર્ષક મોટા પથ્થરો દ્વારા ગામનાં દરેક સ્થળોનું સુંદર લખાણ જોવા મળી રહે છે. જેથી બહારથી આવતી અજાણી વ્યક્તિઓએ કોઇપણ સ્થળે જવા માટે કોઈને પૂછવું પડતું નથી. ગ્રામ પંચાયત ચોંઢા અને રિદ્ધિ-સિદ્ધિ આદર્શ વિકાસ મંડળના સહયોગથી આજે વાંસદા તાલુકાનું છેવાડાનું ચોંઢા ગામ ખૂબ જ પ્રગતિશીલ બન્યું છે, જેની તાલુકા અને જિલ્લા લેવલે પણ નોંધ લેવાઈ છે. તેમજ આવનાર દિવસોમાં ચોંઢા ગામ ખૂબજ પ્રગતિ કરી ગામનું નામ રોશન કરશે એમ ગામના સરપંચે અભિલાષા વ્યક્ત કરી છે. ચોંઢા ગામમાં મુખ્યત્વે કુંકણા, વારલી, તેમજ આદિમ જૂથના લોકો વસે છે અને તુવેર, ડાંગર, અળદ, જુવાર, શેરડી વગેરે પાકોની ખેતી કરતા હોય છે, અહીંના લોકો ખોરાકમાં ચોખાના રોટલાનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા હોવાથી તેઓ મુખ્ય પાક તરીકે ડાંગરની ખેતીજ કરતા હોય છે. અને આ ડાંગરમાંથી ઉપજતું અનાજ તેઓ ઘરોના કોઢારમાં ભરી પૂરા વર્ષ દરમિયાન તેનો ઉપયોગ કરે છે.
ચોંઢા ગામની અનોખી પહેલ: રિદ્ધિ સિદ્ધિ આદર્શ ગ્રામ વિકાસ મંડળ ચોંઢા

ચોંઢા ગામમાં રિદ્ધિ સિદ્ધિ આદર્શ ગામ વિકાસ મંડળ ચોંઢા તરીકે એક અનોખા મંડળની રચના કરવામાં આવી છે, જે છેલ્લાં ચાર વર્ષથી આ મંડળ ચોંઢા ગામ સહિત આજુબાજુનાં ગામનો વિકાસ થાય તે માટે સતત કાર્યરત રહી છે. જેમાં આદર્શ ગામના પ્રણેતા પ્રકાશભાઈ નાયકે ગામને આદર્શ બનાવવા માટે સતત પ્રેરણા અને સહકાર આપ્યો છે, અહીં મંડળમાં ૧૧ જેટલી કમિટીઓ બનાવવામાં આવી છે, જેમાં દરેક વિભાગમાં સ્વચ્છતા સમિતિ, વનસમિતિ, શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ, ન્યાય સમિતિ વગેરે અન્ય સમિતિની રચના કરવામાં આવી છે. ગામમાં નાનાં-મોટાંકામો આ મંડળ દ્વારાજ કરવામાં આવે છે. મંડળ દ્વારા ચાર આંગણવાડી, યુવાધન વિકાસ સંકુલ, તળાવો, ટાવર, માંડવધામનો વિકાસ, કોમ્પ્યુટર લેબ, શિબિરો અને પ્રવાસ વગેરેનું પણ આયોજન કરવામાં આવે છે. તેમજ આવનારાદિવસોમાં આ મંડળ દ્વારા ગ્રામ વિકાસ માટે સરકારની યોજનાઓ, બાયફ સંસ્થાની યોજનાઓ અને અન્ય દાતાઓના સહકારથી તમામ પ્રયત્નો કરવા માટેની તૈયારી દાખવી હતી. રિદ્ધિ સિદ્ધિ આદર્શ ગ્રામ વિકાસમંડળ માટે મંડળના પ્રમુખ મણિલાલ કે. ગાંવિત અને મંત્રી શંકરભાઈ ચૌધરી તેમજ મેનેજિંગ ડિરેક્ટર મહેશભાઈ કાંહડોળીયા)એ ખૂબજ પ્રયત્નો કર્યા છે.
ડો.મણિભાઈ દેસાઈ નવચેતન માધ્યમિક શાળા
ચોંઢા ખાતે શ્રી નવચેતન માનવ વિકાસ મંદિર સંચાલિત ડો.મણિભાઈ દેસાઈ નવચેતન માધ્યમિક શાળા કાર્યરત છે. આ શાળાની સ્થાપના જૂન-2001માં કરવામાં આવી હતી. શાળાના આચાર્ય તરીકે અશોકભાઈ રાઠોડ અને શાળાના શિક્ષકોના નેજા હેઠળ 6થી 12 ધોરણના કુલ 320 જેટલા વિદ્યાર્થી ખૂબ જ સારું શિક્ષણ મેળવી રહ્યા છે. શાળામાં અંતરિયાળ વિસ્તારના આદિવાસી સમાજનાં બાળકો માટે કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલયની સુવિધા પણ ઉપલબ્ધ છે, શાળામાં 200 જેટલી કન્યા અને 100 જેટલા કુમારને છાત્રાલયમાં વિનામૂલ્ય ખૂબ જ સારું શિક્ષણ મળી રહે છે. શાળામાં આર્ટ્સ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહ હોવાથી આ વિસ્તારના બાળકોને તેનો બહોળો લાભ મળી રહે છે. અહીં વાંસદા, કપરાડા, ધરમપુર, સાપુતારા, વ્યારા તથા ડાંગનાં અંતરિયાળ ગામડાંના આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવા તથા વિવિધ સુવિધાઓ સાથે કુદરતી રળિયામણું કેમ્પસ અને વિશાળ રમતગમત મેદાનનું મેદાન પણ છે. તથા સ્માર્ટ બોર્ડથી સજ્જ ક્લાસ રૂમ, સુસજ્જ અદ્યતન સાયન્સ પ્રયોગશાળા, ઇન્ટરનેટ કનેક્શન વાળી આધુનિક કોમ્પ્યુટર લેબ, વિવિધ પુસ્તકો ધરાવતી લાઈબ્રેરી ઉતમ સુવિધા પૂરી પાડવામાં આવે છે. સાથે ક્રિકેટ, વોલીબોલ, ટેબલ ટેનિસ વગેરે રમતગમતનાં સાધનો, દરેક વિદ્યાર્થીઓને શાળાનો ગણવેશ, પાઠ્યપુસ્તકો, નોટબુક્સ પૂરી પાડવામાં આવે છે.
શાળાકીય આયોજન
શૈક્ષણિક જાગૃતતા અભિયાન, તાલીમ કાર્યક્રમ, અંગ્રેજી શિક્ષણનો વ્યાય વધારવો, કોમ્પ્યુટર શિક્ષણ, લાઇબ્રેરી, યોગ શિક્ષણ, સંગીત શિક્ષણ, સ્કાઉટ ગાઈડ, એન.સી.સી વગેરે બાબતો પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે.
પ્રકાશભાઈ નાયક (U.S.A)
2016માં ચોંઢા ગામને આદર્શ ગામ બનાવવાની નેમ લેનાર નવસારી જિલ્લાના ઇચ્છાપોર ગામના મૂળ વતની પ્રકાશભાઈ નાયક સાહેબ પોતાના સ્વપ્નને સાકાર કરવા દિન-રાત પ્રયત્નશીલ છે. તે માટે તેમણે ગ્રામજનોના સાથ સહકાર થકી રિદ્ધિ સિદ્ધિ આદર્શ ગામ વિકાસ મંડળની રચના કરી અને ટ્રસ્ટ દ્વારા ગામના યુવાનો અને વડીલો મારફત સતત વિકાસના કામો કરી ગામને હંમેશાં પ્રગતિના પંથે આગળ વધાવ્યો છે. પ્રકાશભાઈએ આજદિન સુધી ચોંઢા ગામ માટે કરોડો રૂપિયાના વિકાસનાં કામો કરાવ્યાં છે. તેમજ કોરોનાના કપરા સમયમાં અમેરિકામાં રહીને પણ વાંસદા તાલુકામાં ખૂબ સારી સેવા આપી જરૂરિયાતમંદ તમામ લોકો માટે ખૂબ જ ઉમદાં કાર્યો કર્યાં છે. ચોંઢા ગામમાં આશરે પાંચ લાખના ખર્ચે ખૂબ જ સુંદર પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો છે. જે ગામની શોભામાં અભિવૃદ્ધિ કરી જાય છે. આજે ચોંઢા ગામ એ એક ‘આદર્શ ગામ’ તરીકે ઓળખાઈ રહ્યું છે. ગામનાં તમામ કુટુંબો માટે હરહંમેશ વહાલ રાખનાર પ્રકાશભાઈએ ગામના વિકાસ માટે આવનારા દિવસોમાં પણ અનેક ઉપયોગી યોજનાઓ સાકાર કરવાની તત્પરતા દાખવી છે.

વિનામૂલ્યે જૂનાં કપડાં અને પગરખાં વિતરણ
ચોંઢા ગામમાં ગણદેવી તાલુકા અનાવિલ મંડળ, રિદ્ધિ સિદ્ધિ આદર્શ ગામ વિકાસમંડળ ચોંઢા અને રોટરી ક્લબ ઓફ ગણદેવી તેમજ લાયન્સ ક્લબ ઓફ અમલસાડના સંયુક્ત ઉપક્રમે ગામમાં વિનામૂલ્યે જૂનાં કપડાં અને પગરખાં વિતરણ કરાયું.

પદ્મવિભૂષણ અનિલભાઈ નાયક, ચેરમેન લાર્સન એન્ડ ટુબ્રો ગ્રુપ, મુંબઈ
LNT કંપનીના CSR પ્રોજેક્ટ હેઠળ ચોંઢા ગામના વિકાસમાં અનિલભાઈ નાયકનો સિંહફાળો રહ્યો છે. એમના તરફથી અત્યાર ઘણાં કાર્યો થયાં છે, જેમાં ૧. સૌપ્રથમ ભૂલકાં માટે સંપૂર્ણ સુવિધાઓ ધરાવતી ચાર આંગણવાડીનું નિર્માણ. આ આંગણવાડીમાં ગામનાં 200 જેટલાં બાળકોને ભણાવવાની સાથે પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે. તેમજ રમતગમતનાં સાધનો પૂરાં પાડવામાં આવે છે, આંગણવાડીએ ચોંઢા ગામની આગવી ઓળખ ઊભી કરે છે. ૨.ગામની એકમાત્ર માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શાળા અદ્યતન સાયન્સ લેબોરેટરી તેમજ ૩૦ ડેસ્કટોપ ધરાવતી અદ્યતન કોમ્પ્યુટર લેબની સુવિધા ઊભી કરાઈ છે. ૩. અદ્યતન સુવિધા સાથે 120 બેડની નવી કન્યા છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં વિધાર્થિનીઓને જરૂરી બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ૪. ડો.મણીભાઈ દેસાઈ શાળામાં દરેક ક્લાસ રૂમમાં સ્માર્ટ બોર્ડ, બેંચ, આધુનિક કોમ્પ્યુટર લેબ વગેરે શાળાની જરૂરિયાત મુજબની સંપૂર્ણ સુવિધાઓ સાથેનું અદ્યતન શાળાનું બાંધકામ. ૫. સોથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓ રહી શકે તેવા સુવિધાયુક્ત આધુનિક કુમાર છાત્રાલયનું નિર્માણ. ૬. ગામમાં અદ્યતન ગ્રામ પંચાયત ભવનનું નિર્માણ. ૭. ગામના ૧૫૦થી વધુ ગરીબ કુટુંબોને ગીર ગાયો આપવામાં આવી છે. ૮. સોલાર લાઈટની તેમજ ગ્રામજનોને ગામમાં જ રોજગારી મળી રહે એ માટે દરેક કુટુંબીજનોને શાકભાજી ઉત્પાદન માટે મંડપ અને શાકભાજી બિયારણ કિટનું વિતરણ તેમજ સોલાર વોટર પમ્પ, ખેડૂતના ખેતર સુધીની પાઈપલાઈન, જર્જરિત થઈ ગયેલ ચેકડેમો રિપેરિંગ વગેરે વિવિધ રોજગારલક્ષી યોજનાઓ આપવામાં આવી છે. આમ, અનિલભાઈ નાયક દ્વારા ચોંઢા ગામ તેમજ નજીકનાં ગામોમાં લગભગ ૨૨ કરોડથી વધુનાં વિકાસ કાર્યો થયાં છે અને સતત વિકાસ કર્યો ચાલુ છે.
ચોંઢા અને ધરમપુરને જોડતો પુલ ઊંચો કરવાની જરૂરિયાત
વાંસદા તાલુકાનું છેવાડાનું ગામ ચોંઢા અને ધરમપુર તાલુકા વચ્ચેથી તાન નદી પસાર થાય છે, જે નદીનો પુલ ખૂબ જ સાંકડો અને ઓછી ઊંચાઈ વાળો હોવાના કારણે ચોમાસા દરમિયાન પુલ ઉપર પાણી ફરી વળતાં મહિનાઓ ઘણા દિવસો સુધી લોકોએ પુલ પરથી પસાર થવું મુશ્કેલ બની જાય છે. જેને લઇ ચોંઢા ગામમાં વસતા ખેડૂતો, નોકરિયાત વર્ગ અને વેપારીઓએ ખુબ ચકરાવો લઈ ધરમપુર બાજુ જવું પડે છે. આ તાણ નદી પરનો પુલ સાંકળો અને ખૂબ જ લાંબો હોવાથી ચોમાસા દરમિયાન અચાનક નદીમાં વધુ પાણી આવી જતાં યુવક તણાઈ ગયો હોવાનો કિસ્સા પણ સામે આવ્યો છે. જેને લઇ સ્થાનિકો અને ગામના સરપંચની આ પુલ પહોળો અને ઊંચો કરવાની વર્ષોથી માંગ રહી છે.
અંજની કન્યા છાત્રાલય
ગામમાં માધ્યમિક શાળા શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ પરિપૂર્ણ થયા પછી કન્યા કેળવણીને પ્રોત્સાહન મળી રહે અને ચોંઢા તેમજ આજુબાજુનાં ગામોની દીકરીઓ પણ માધ્યમિક શિક્ષણ મેળવી શકે તે માટે મંડળે ટ્રાયબલ ડેવલોપમેન્ટ બોર્ડ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત ગાંધીનગરની પરવાનગીથી નવેમ્બર-2003માં કન્યા છાત્રાલયની શરૂઆત કરવામાં હતી. જેમાં ચોંઢા ગામથી દૂરના અંતરિયાળ વિસ્તારનાં ગામોમાંથી આવતા વિદ્યાર્થિનીઓ વિનામૂલ્યે આ છાત્રાલયમાં રહીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવી રહી છે. જેનાથી કન્યા સાક્ષરતાનું પ્રમાણ પણ વધ્યું છે અને ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે. આ છાત્રાલયમાં રહી અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ આજે વિવિધ શહેરોમાં ઉચ્ચ શિક્ષણ પણ મેળવી રહ્યા છે.
ચોંઢા ગ્રામ પંચાયત મકાન
વિકાસની દૃષ્ટિએ જોવા જઇએ તો ચોંઢા ગામ એ રસ્તા, પાણી, ખેતી, વ્યવસાય, એજ્યુકેશન એમ દરેક ક્ષેત્રે વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. ત્યારે ગામમાં આવેલું ગ્રામ પંચાયતનું મકાનની જૂનું હોવાથી છેલ્લા ઘણા સમયથી નવા ગ્રામપંચાયત ભવનની જરૂરિયાતની પહેલ થકી તંત્ર દ્વારા નવા ગ્રામ પંચાયત મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં ગામના લોકો પોતાની સમસ્યા, રજૂઆત તથા પંચાયતને લગતાંતમામ કાર્યો માટે આવતા હોય છે.
ચોંઢા પ્રાથમિક શાળા
ચોંઢા ગામ શિક્ષણ ક્ષેત્રે પણ ધીમે ધીમે પ્રગતિ કરી રહ્યું છે. ચોંઢા પ્રાથમિક શાળામાં શાળા આચાર્ય મનોજકુમાર રામુભાઇ પવાર અને 8 શિક્ષકના નેજા હેઠળ ચાલતા બાલવાટિકાથી ધો.8માં આશરે 260 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ચોંઢા ગામમાં શિક્ષણની દૃષ્ટિએ જોવા જઇએ તો પ્રાથમિક શાળામાં શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓને સરકાર દ્વારા પૌષ્ટિક સારું ભોજન પણ અપાઇ રહ્યું છે. તેમજ અહીંના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ભણતર પ્રત્યે પૂરતું ધ્યાન તો આપવામાં આવે જ છે, પરંતુ રમતગમત ક્ષેત્રે પણ બાળકોને પ્રોત્સાહન અને તેમની પાછળ સારી મહેનત કરવામાં આવે છે. તેમજ શાળામાં બાળમેળો, આનંદમેળો, પ્રવાસ-પર્યટન સાંસ્કૃતિક કાર્યક્રમો, રામ હાટ, ઈકો કલબ વગેરે ઈતર પ્રવૃત્તિ કરાવવામાં આવે છે.
ગામના વિકાસ માટે હંમેશાં તત્પર રહેતા સરપંચ વેલજીભાઈ ગાંવિત
ગામના રહેવાસી વેલજીભાઈ લોટીયાભાઈ ગાંવિત જેઓએ સૌપ્રથમ ૨૦૧૩ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામની સેવા માટે સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને વિજયી થયા હતા. ત્યારબાદ ૨૦૧૮માં ફરી સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા. ત્યારબાદ ચોંઢા ગામના યુવાનો અને વડીલો દ્વારા વેલજીભાઈને સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવવા પ્રોત્સાહિત કરતા વેલજીભાઈએ વર્ષ-૨૦૨૩માં સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી, ત્યારે ગ્રામજનોના સહકાર થકી તેઓ ગામના ઉમેદવારો સામે બહુમતીથી જીત મેળવી હતી. આમ, ગ્રામ પંચાયતમાં સતત બે ટર્મ સભ્ય તરીકે ચુંટાયા બાદ તેઓ હાલ સરપંચ તરીકે ચુંટાઈ આવી ચોંઢા ગ્રામ પંચાયતનો પદભાર સંભાળી રહ્યા છે. વેલજીભાઈ સભ્યમાં રહ્યા હતા ત્યારથી જ લોકોનાં દરેક સુખદુઃખનાં કાર્યોમાં આગળ આવી તેમની સાથે રહેતા અને લોકોને પડતી મુશ્કેલીઓને દૂર કરવાના પ્રયત્નો કરતા. જેથી ગ્રામજનો દ્વારા તેમને સરપંચ પદનો ભાર સોંપ્યો છે. તેઓ સરકારની અનેક યોજનાઓથી પોતાના ગામમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને માહિતગાર કરી તેનો પૂરતો લાભ પ્રજાને મળી રહે એ માટેના પ્રયાસો હાથ ધરી રહ્યા છે. તથા ચોંઢા ગામના વધુ વિકાસ માટે સરકારને જરૂરી ગ્રાન્ટ ફાળવવા માટે પણ રજૂઆત કરી હોય અને જે પ્રમાણે ગ્રાન્ટ ફાળવવામાં આવશે તે મુજબ વધુ વિકાસનાં કાર્યો કરવાનું જણાવ્યું હતું.

Most Popular

To Top