જીવંત વીજ વાયરો તૂટીને નીચે પડવાથી લોકોમાં ભયનો માહોલ :
વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા કામગીરી હાથ ધરાઈ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.21
વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની કૈલાશધામ અને અનમોલ સોસાયટીમાં ફરીથી વીજ થાંભલા પરના વીજ વાયરો સળગ્યા હોવાની ઘટના બની હતી. ગત મોડી રાત્રીએ વીજ વાયરો સળગ્યા બાદ વીજ વાયર તૂટીને નીચે પણ પડયા હતા. આગના તણખલા ઝરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. બનાવની જાણ કરતા વીજ કંપનીના કર્મચારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આગળની કામગીરી હાથ ધરી હતી.

વડોદરા શહેર સહિત રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જ્યારે, ઓવર હિટિંગને કારણે આગ લાગવાના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે, ફરી એક વખત શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં વીજ થાંભલા પર વીજ વાયરો સળગતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

શહેરના ગોરવા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની અનમોલ કૈલાશધામ સોસાયટીમાં ગત મોડી રાત્રે વીજ થાંભલા ઉપર વીજ વાયરોમાં સ્પાર્ક થયા બાદ આગ લાગી હતી. વીજ વાયરો સળગતા આગના તણખલા ઝર્યા હતા. જ્યારે જીવંત વીજ વાયર પણ તૂટીને નીચે પડ્યો હતો. વીજ વાયરોમાં ધડાકા થતા સોસાયટીના લોકોમાં ભય ફેલાયો હતો. લોકો એકત્ર થઈ આ અંગેની જાણ વીજ કંપનીને કરતા કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે નોંધનીય છે કે, અગાઉ પણ ઘણી વખત આ સોસાયટીમાં વીજ વાયરો સળગ્યા હતા છતાં પણ આજે દિન સુધી કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવતા ફરીથી આ વીજ વાયરો સળગતા લોકોમાં મોટી દુર્ઘટના થવાની ભીતિ સેવાઈ રહી છે.