Charchapatra

દુનિયાભરમાં લોકશાહી માત્ર એક ‘લેબલ’ બનીને રહી ગઇ છે

ગ્રીકમાં ઉદ્દભવ પામેલી અને દુનિયાભરમાં પ્રસરેલી, વિકસેલી તથા દુનિયાના તમામ ચિંતકો, નીતિનિર્ધારકોએ જેને સૌથી ઉપયોગી, વ્યવહારુ અને આદર્શ ગણી તે લોકશાહી શાસનવ્યવસ્થા સત્તરમી સદી પછી દુનિયાના તમામ અગ્રણી દેશોમાં સ્વીકારાઈ. દેશમાં સંસદીય લોકશાહી હોય, નાગરિકો દ્વારા સીધા જ પ્રમુખને ચૂંટતી પ્રમુખશાહી પદ્ધતિ હોય કે અન્ય સ્વરૂપ હોય પણ મૂળત: પ્રજા જાતે જ પ્રતિનિધિની ચૂંટણી કરે અને આ પ્રજાના પ્રતિનિધિ, પ્રજાના બદલે રાજ્ય-વહીવટ ચલાવે જ્યાં નીતિવિષયક નિર્ણયો ચર્ચા દ્વારા બહુમતના નિયમથી ઘડવામાં આવે અને રોજિંદો વ્યવહાર કાયદાના શાસનથી ચાલે! કાયદો ઘડાય પછી તેના અમલ, વ્યવહારમાં ભૂલ હોય તો કાયદો બદલવો પણ તોડવો નહીં! આવું સોક્રેટીસ કહેતા હતા. ટૂંકમાં તલવારના જોરે શાસનના યુગનો અંત આવ્યો.

મનઘડત ભુક્કાઓનું કાયદામાં રૂપાંતર કરનાર રાજાશાહીનો અંત આવ્યો અને નેતા-પ્રજાના પરસ્પર સંવાદ, ચર્ચા અને તજજ્ઞોના અભિપ્રાયથી કાયદાના શાસનની શરૂઆત થઇ. લોકશાહીમાં કેન્દ્રસ્થાને છે લોકોનો મત. પ્રજાના પ્રતિનિધિએ સતત લોકોના સંપર્ક કરવામાં રહેવાનું છે અને તેમની ઇચ્છાઓ, અપેક્ષાઓ જરૂરિયાતો જાણવાની છે. તે મુજબ રાજય વહીવટ ચલાવવાનો છે અને માટે જ સ્થાનિક પ્રશ્નો જરૂરિયાત માટે સ્થાનિક સત્તામંડળ, પ્રદેશ અને રાજયની જરૂરિયાત ખાસિયત માટે રાજ્ય અને રાષ્ટ્રીય જરૂરિયાત માટે રાષ્ટ્રીય સરકાર એમ નીચેથી ઉપર જતા શંકુ આકારની ગતિશીલતા આ મોડલમાં જોવા મળે છે.

પોતાના દેશમાં લોકશાહીનો ઉદ્દભવ અને વિકાસ થયો છે તેનું કહેવામાં ગૌરવ રાખનાર બ્રિટીશરોએ પોતાના કાબૂમાં રહેલા નાના-નાના અનેક દેશોને સ્વતંત્ર લોકશાહી રાષ્ટ્ર તરીકે વિકસવા દેવામાં ખૂબ ઠાગાઠૈયાં કર્યા પણ અંતે તે બધા દેશો પણ સ્વતંત્ર થયા અને લોકશાહી વ્યવસ્થાના શરણે ગયા. બ્રિટન પહેલાં યુરોપિયન યુનિયનનો ભાગ હતું. બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું કે અલગ થવું તેનો નિર્ણય કરવાનો હતો. એટલે બ્રિટનમાં સંસદે સીધો જ કાયદો પસર ન કર્યો. પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓએ બહુમતીથી નક્કી  કરી નાખ્યું. પણ બ્રિટનમાં જાહેર મતદાન થયું  અને પ્રજાએ જ મતદાન દ્વારા નક્કી કર્યું કે બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી નીકળી જશે અને પછી બ્રિટનની સંસદે ‘બ્રેકમીટ’ સ્વીકાર્યું!

લોકશાહીનું સાચું હાર્દ જ આ છે. તમામ મોટા નિર્ણયો માટે લોકોને સાથે રાખો. ‘પક્ષ’ એ તો વ્યવસ્થા છે. ચુંટાયેલા તમામ સાંસદો પ્રજાના પ્રતિનિધિઓ છે. રોજ સવાર પડે તમામ બાબતના નિર્ણય માટે પ્રજા પાસે જઇ શકાય નહીં એ વાત સાચી પણ પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિને તો પૂછી શકાય ને! હવે પ્રજાને તો ઠીક તેમના પ્રતિનિધિઓને પણ કોઇ પૂછતું નથી! પૂછતું નથી ત્યાં સુધી તો ઠીક પણ ‘સાંભળ્યું પણ નથી.’ આખી લોકશાહી વ્યવસ્થામાં લોકોના મત માટે એક માત્ર ‘ચૂંટણી’ થાય છે જે પાંચ વર્ષે થાય છે. એક વાર ચૂંટણી પૂરી પછી પ્રજા કોણ? અને નેતા કોણ? ન શિક્ષણનીતિમાં, ના વહીવટમાં ન લગ્ન અંગેના કાયદામાં ન નાગરિક અધિકારોમાં! કયાંય પ્રજાને કશું પૂછવામાં જ નથી આવતું! કાયદા, નિયમો, વ્યવસ્થાઓ સીધી માથે મારવામાં આવે છે! ‘અમે આ નક્કી કર્યું છે! તમારે આનો અમલ કરવાનો છે!

એટલું જ નહીં! તેની વાહ વાહ કરવાની છે! ઇઝરાયલે ગાજા પટ્ટીમાં કરેલા હુમલામાં નાગરિકો માર્યા ગયા, શાળા – હોસ્પિટલો તબાહ થઇ ગઇ. ઇઝરાઈલની પ્રજાએ વારંવાર તેમના પ્રમુખ વિરુદ્ધ દેખાવો કર્યા પણ સરવાળે પરિણામ શૂન્ય. પ્રજા ઇચ્છે કે ન ઇચ્છે! નેતન્યાહુ ન ઇચ્છે ત્યાં સુધી યુદ્ધ બંધ થવાનું નથી! આવું જ યુક્રેન, રશિયાનું છે! યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી હોય કે રશિયાના પુતિન પ્રજાને તો પૂછતા જ નથી કે હવે યુદ્ધ બંધ કરવું છે કે ચાલુ રાખવું છે?

એક સમયે રાજયશાસ્ત્રીઓ વિચારતા કે અમેરિકા જેવા દેશોમાં કાયદાનું શાસન રોજિંદા જીવનમાં એવું દૃઢ છે કે ચૂંટણી પછી સત્તાપરિવર્તન થાય તો પણ રોજબરોજના જીવનમાં કાયદાનું શાસન માનવમૂલ્યોના રક્ષણ સાથે ચાલ્યા કરશે અને માટે જ અમેરિકા જેવા દેશોમાં પૂજા સીધા રાજકારણથી દૂર રહેતી અને પોતાનું કામ કર્યા કરતી પણ ટ્રમ્પની નવી ઇનીંગે આ વિશ્વાસ પણ તોડી નાખ્યો છે! હાવર્ડ યુનિવર્સિટીમાં કોણ ભણશે તે અત્યાર સુધી યુનિવર્સિટી નક્કી કરતી હતી પણ હવે તે ટ્રમ્પ નક્કી કરી રહ્યા છે.

મૂડીવાદી અમેરિકા કદી કહેવું ન હતું કે તેમના ઉદ્યોગપતિ કયા દેશમાં ઉત્પાદન કરશે અને કયામાં નહીં કરે? પણ હવે ટ્રમ્પ કહે છે! દુનિયાભરમાં લોકશાહી દેશોએ સ્વીકૃત પરમ્પરા હતી કે આગળની સરકારે કરેલા કાયદાથી જેને લાભ મળ્યો એ નાગરિકોના લાભ નવી સરકાર પાછા નહીં ખેંચે. હવે એ સાચું નથી. આપણા ગુજરાતી કવિ સ્વ. બાલુ પટેલનો એક શેર છે કે ‘લોકસભામાં લોકો કયાં છે? બધે છે નેતા છલોછલ ટૂંકમા માત્ર ચૂંટણી થાય છે એટલે દેશમાં લોકશાહી છે એ માનવું ભ્રમ છે.

એક કટાક્ષ જે સાચો પાડવાની હદે પહોંચ્યો છે તે એ છે કે ‘ચૂંટણી એટલે આવનારાં પાંચ વર્ષ માટે મારે કોની ગુલામી કરવી તે નક્કી કરવાની સ્વતંત્રતા આપતી વ્યવસ્થા’ તો જેમ ખોખા ઉપર નામાંકિત કંપનીનું લેબલ લગાવી સ્થાનિક કંપનીઓ પોતાનો માલ ભરી દે તેમ વ્યક્તિવાદી સામંતશાહીના માલભરેલા ખોખા પર ‘લોકશાહી’નું લેબલ લગાવી દેવું તે છેતરપિંડી છે. દુનિયાભરમાં આ ‘લેબલ’ ચાલે છે. મૂળ માલ તો કયાંય ગાયબ છે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top