Vadodara

સરકાર દ્વારા ફોર્મ ભરવાની મુદત છ દિવસ લંબાવાઈ

આરટીઈ પ્રવેશ કાર્યક્રમમાં ફેરફાર, પ્રથમ રાઉન્ડ ચોથીએ જાહેર થશે

જુનમાં સ્કૂલો શરૂ થતા પહેલા 3 રાઉન્ડની સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા પૂરી થવામાં હવે વિલંબ થઈ શકે

( પ્રતિનિધિ )વડોદરા,તા.22

આરટીઈ હેઠળ ધો. 1માં પ્રવેશ માટેની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને નવો પ્રવેશ કાર્યક્રમ જાહેર કરાયો છે. જે મુજબ હવે પ્રથમ પ્રવેશ રાઉન્ડ ચોથી મેએ જાહેર થશે એટલે કે બાળકોને ચોથી મેએ ઓનલાઈન પ્રવેશ ફાળવાશે.

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં ધો.1માં વિનામૂલ્યે પ્રવેશ માટેની ઓનલાઈન કોમન પ્રક્રિયામાં ફોર્મ ભરવાની મુદત સરકારે 17થી વધારીને 23 એપ્રિલ સુધી કરી છે. આમ છ દિવસ મુદત વધવા સાથે પ્રવેશ કાર્યક્રમ બદલાયો છે અને સુધારો કરીને પ્રાથમિક શિક્ષણ વિભાગે નવો પ્રવેશ કાર્યક્રમ જાહેર કર્યો છે. 25 એપ્રિલ સુધી જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મને અપ્રુવ-રિજેક્ટની કામગીરી થશે. 27-28 એપ્રિલ અમાન્ય થયેલી ઓનલાઈન અરજીમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે વાલીઓને પુનઃતક આપશે. 30 એપ્રિલ સુધી વાલીઓએ અપલોડ કરેલા નવા ડોક્યુમેન્ટ સાથે અરજીઓની પુનઃ ચકાસણી થશે. 4 મે પ્રવેશ ફાળવણીનો પ્રથમ રાઉન્ડ જાહેર કરાશે. જેમાં વાલીઓને ઓનલાઈન જ પ્રવેશ ફાળવણી થશે અને વાલીએ એડમિશન લેટર ઓનલાઈન ડાઉનલોડ કરવાનો રહેશે. મુદત લંબાવવાના કારણે જુનમાં સ્કૂલો શરૂ થતા પહેલા 3 રાઉન્ડની સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા પૂરી થવામાં હવે વિલંબ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top