Gujarat

“કોંગ્રેસે આદિવાસીઓને માત્ર વોટબેંક ગણી મજૂરી સુધી સીમિત રાખ્યા, મોદી સરકારે દાહોદને આપી વૈશ્વિક ઓળખ” – જગદીશ વિશ્વકર્મા

ગાંધીનગર,તા.21
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે દાહોદ જિલ્લાના ગરબડા ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસની દાયકાઓ જૂની રાજનીતિ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આદિવાસી સમાજના બલિદાનને વંદન કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે.

વિશ્વકર્માએ સંબોધનમાં જણાવ્યું કે, અંગ્રેજ હકૂમત સામે ન ઝૂકનાર આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડા અને વેગડા ભીલના બલિદાનને મોદી સરકારે સાચું સન્માન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી વારસાને જીવંત રાખવા કોલેજો અને યુનિવર્સિટીઓનું નિર્માણ કર્યું છે. આજે અંબાજીથી ઉમરગામ સુધીના ૧૪ જિલ્લાઓમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ, મેડિકલ કોલેજો અને એકલવ્ય મોડલ સ્કૂલના માધ્યમથી આદિવાસી સંતાનો ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતા પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે, “કોંગ્રેસે જેને છેવાડાનો જિલ્લો ગણી ઉપેક્ષા કરી હતી, તેને મોદીજીએ ગુજરાતનો પ્રથમ જિલ્લો ગણી વિકાસની નેમ લીધી છે.” દાહોદના રેલવે વર્કશોપમાં ₹૨૦,૦૦૦ કરોડના રોકાણથી ૯,૦૦૦ હોર્સપાવરના લોકોમોટિવ એન્જિનનું નિર્માણ થઈ રહ્યું છે, જે સ્થાનિક યુવાનો માટે રોજગારીની મોટી તકો ઉભી કરશે. દાહોદ જિલ્લામાં બે નવા તાલુકા અને બે નવી GIDCના નિર્માણથી ઔદ્યોગિક ક્રાંતિ આવશે.
જગદીશ વિશ્વકર્માએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે વર્ષો સુધી આદિવાસી ભાઈ-બહેનોને છેતરીને માત્ર મજૂરી કામ સુધી સીમિત રાખ્યા હતા. તેમણે ‘નારીશક્તિ વંદન અધિનિયમ’નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, રાહુલ, સોનિયા અને પ્રિયંકા ગાંધીએ આ બિલમાં અવરોધ ઉભો કરીને મહિલાઓનું અપમાન કર્યું છે, જેનો બદલો ગુજરાતની બહેનો આગામી ૨૬ તારીખે મતદાન દ્વારા લેશે.

રાજ્ય સરકારની સિદ્ધિઓ ગણાવતા તેમણે કહ્યું હતું કે, ‘નમો લક્ષ્મી’ યોજના હેઠળ દીકરીઓને ભણતર માટે ₹૫૦,૦૦૦ અને ‘નમો સરસ્વતી’ યોજના હેઠળ ₹૨૫,૦૦૦ની સહાય આપવામાં આવી રહી છે. ૧૧ લાખ આયુષ્માન કાર્ડ અને વનબંધુ કલ્યાણ યોજના દ્વારા છેવાડાના માનવીને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. અંતમાં, તેમણે જનતાને વિનંતી કરી કે ચૂંટણી ટાણે રૂપ બદલીને આવતા પંજાના નિશાન અને અન્ય પક્ષોથી સાવધ રહે. દેશ અને ગુજરાતના વિકાસને સુનિશ્ચિત કરવા માટે આગામી ચૂંટણીમાં ‘કમળ’ના નિશાન પર મત આપી ભાજપને પ્રચંડ વિજય અપાવવા તેમણે આહ્વાન કર્યું હતું.

Most Popular

To Top