Gujarat

સાબરકાંઠાના તલોદની ભોલેનાથ ડેરી પર ફૂડ વિભાગના દરોડા- 2,548 કિલો ભેળસેળયુક્ત માવો જપ્ત

ગાંધીનગર,

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રોઝડ ગામમાં આવેલી ભોલેનાથ ડેરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ફ્લાઈંગ સ્કોડે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં અંદાજે 2,548 કિલો ભેળસેળયુક્ત માવો જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે 550 કિલો અખાદ્ય માવાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ વિભાગ દ્વારા ભોલેનાથ ડેરીને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ ડેરીનું ફૂડ લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે તલોદ તાલુકાના રોઝડ ગામ સ્થિત ભોલેનાથ ડેરી પર ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે ડેરીમાં મોટા પાયે ભેળસેળવાળો માવો બનાવવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત જરૂરી લાયસન્સ વગર સ્વીટ બરફીનું ગેરકાયદેસર ઉત્પાદન પણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

ફૂડ સેફ્ટી અધિકારીઓએ સ્થળ પરથી ખુલ્લા માવા અને બરફીના નમૂનાઓ એકત્રિત કરીને લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. વિભાગ દ્વારા અંદાજે રૂ. 5.10 લાખની કિંમતનો 2,548 કિલોગ્રામ શંકાસ્પદ અને ભેળસેળયુક્ત માવાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન ડેરીમાં ભારે ગંદકી અને અસ્વચ્છતા જોવા મળી હતી. આવી પરિસ્થિતિમાં તૈયાર કરવામાં આવેલા 550 કિલોગ્રામ માવાને માનવ આરોગ્ય માટે જોખમી ગણાવી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. હવે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ડેરી સામે વધુ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

આ મામલે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પ્રજાના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની ચેડાં સહન કરશે નહીં. ભેળસેળયુક્ત અને ગેરકાયદેસર ખાદ્ય પદાર્થો બનાવનારાઓ સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

Most Popular

To Top