ગાંધીનગર,
ગુજરાતમાં આર્થિક સંકડામણનો લાભ ઉઠાવી નિર્દોષ નાગરિકોનું લોહી ચૂસતા વ્યાજખોરો સામે રાજ્ય પોલીસે લાલ આંખ કરી છે. રાજ્યના પોલીસ વડા (DGP) ડૉ. કે.એલ.એન. રાવની આદેશથી ૧૫ માર્ચથી ૧૪ એપ્રિલ સુધી ચાલેલી એક મહિનાની વિશેષ ઝુંબેશમાં પોલીસે રાજ્યભરમાંથી ૧૩૬ વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન સમગ્ર રાજ્યમાં કુલ ૧૧૦ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
સુરતનો કિસ્સો: ૨૦ હજાર સામે જિંદગી જોખમમાં મૂકાઈ
વ્યાજખોરીના આતંકનો જીવતો જાગતો કિસ્સો સુરતના આયુષ નામના યુવાન સાથે બન્યો હતો. જૂન-૨૦૨૫માં આયુષે પ્રીત ઉર્ફે ભીમ સોસા પાસેથી ૧૦% વ્યાજે રૂ. ૨૦,૦૦૦ ઉછીના લીધા હતા. વ્યાજખોરે શરૂઆતમાં જ રૂ. ૨,૦૦૦ એડવાન્સ કાપી લીધા અને સિક્યોરિટી તરીકે કોરો ચેક પડાવી લીધો હતો.જ્યારે આયુષે વ્યાજ ચૂકવવા માટે સમય માંગ્યો ત્યારે આરોપી પ્રીત અને અંકિત ઠાકોરે તેને રસ્તામાં રોકી, જાહેરમાં ગાળાગાળી કરી “બે દિવસમાં પૈસા નહીં આપે તો પતાવી દઈશ” એવી ચપ્પાની અણીએ ધમકી આપી હતી. આયુષ જ્યારે આત્મહત્યાના આરે આવી ગયો ત્યારે સુરતની ચોકબજાર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંને વ્યાજખોરોની ધરપકડ કરી લીધી હતી.પોલીસે આ કેસમાં માત્ર ધરપકડ જ નથી કરી, પરંતુ આવા તત્વોમાં કાયદાનો ડર પેદા કરવા માટે બંને આરોપીઓ વિરુદ્ધ પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી છે. આ વ્યાજખોરો સમાજ માટે જોખમી સાબિત ન થાય તે હેતુથી તેમને રાજ્યની અલગ-અલગ જેલોમાં ધકેલી દેવામાં આવ્યા છે.
ગુજરાત પોલીસ માત્ર કાર્યવાહી સુધી સીમિત નથી રહી, પરંતુ રાજ્યભરમાં ‘લોક દરબાર’ યોજીને છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. આ લોક દરબારોના માધ્યમથી લોકોને • વ્યાજખોરોની જાળમાં ન ફસાવવા અપીલ કરવામાં આવે છે.• સરકારની વિવિધ લોન યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવે છે.• કોઈપણ ધમકી કે શોષણ સમયે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.રાજ્ય પોલીસની આ કડક કાર્યવાહીએ વ્યાજના ચક્રવ્યુહમાં ફસાયેલા અનેક પરિવારો માટે નવો આશાનો સંચાર કર્યો છે.